Friday, February 28, 2014

નગર ચરખો - જોઈએ છે, શહેરમાં લોકોને ચાલવા મોકાની જગ્યા!

'નગર ચરખોએટલે નગરનીતિનગર-વિકાસ અને નાગરિક કલ્યાણના મુદ્દાઓ પર કાંતણ કામ. લખવું એટલે કાંતવુંક્યારેક ઝીણું ક્યારેક જાડું. ગયા ભાગમાં આપણે જોયું કે રાહદારીઓને સળંગસપાટછાંયડેદાર અને ચાલવા-લાયક ફૂટપાથનું નેટવર્ક જોઈએ. આપણાં શહેરોમાં સારી ફૂટપાથો ન બનાવવા માટે ત્રણેક લોકપ્રિય બહાનાં મોજૂદ છે. ચાલો બહાનાંના ફૂગ્ગાની હવા કાઢીએ.

ફૂટપાથ બનાવવાની વિરુદ્ધમાં એક એવું બહાનું આપવામાં આવે છે કે આપણે ત્યાં 'સિવિલ સેન્સજેવું કઈ છે જ નહિ. ફૂટપાથ હોય તો પણ લોકો તેની પર ચાલતા નથી. ભારતના લોકો વિદેશમાં જાય છે ત્યારે તેમને 'સિવિલ સેન્સ'ની ગોળીઓ આપવામાં આવે છે?  શું ફૂટપાથ પર ન ચાલવું તે ભારતીયોમાં રહેલી કોઈ જૈનિક ખામી છેજ્યાં સારીસળંગ ફૂટપાથ હોય ત્યાં લોકો તેનો ઉપયોગ કરે જ છે. દક્ષીણ મુંબઈ કે  કનોટ પ્લેસ દિલ્હીના ઉદાહરણ સામે જ છે. સારીચાલવા-લાયક ફૂટપાથ નહિ હોય તો લોકો પાસેથી એવી અપેક્ષા રાખવી કે તે ફૂટપાથ પર ચાલે તે મૂર્ખામી છે. 'સિવિલ સેન્સઅને જાહેર શિસ્ત સારી માળખાકીય સુવિધા હોય તે પછી આવે. પચાસ મીટર સારી ફૂટપાથ બનાવવાથી તેને જાળવવાની સિવિલ સેન્સ આવતી નથી પણ પાંચસો કિલોમીટરનું સારું નેટવર્ક બનાવવા તેના સતત ઉપયોગની શક્યતા વધી જાય છે. એકવાર સારી સુવિધાઓ આપ્યા પછી લોકો તેની જાળવણી ખુદ કરે છે. હાથોડેક અંશે નિયમન અને જાળવણી ચોક્કસ કરવી પડે છે. 

ફૂટપાથ ન બનાવવા માટે બીજું બહાનું આપવામાં આવે છે કે રસ્તા પર ફૂટપાથ બનાવવા માટે જગ્યા ક્યાં હોય છે. આપણે ત્યાં રસ્તા જ સાંકડા છે. તેનો જવા એમ છે કે ગમે તેવા સાંકડા રસ્તા પર જો ચાલવા-લાયક ફૂટપાથ બનાવવામાં આવે તો અત્યારે જે લોકો રસ્તા પર ચાલે છે તે ફૂટપાથ પર ચાલતા થાય અને એકંદરે રસ્તાનો ઉપયોગ વધે. વાહન ચલાવવામાં પણ સુવિધા રહે. અમદાવાદ-સુરત-રાજકોટ-વડોદરા જેવા શહેરોમાં ઘણા રસ્તા પહોળા છે છતાં ફૂટપાથ બનાવવામાં કંજુસાઈ કરવામાં આવે છે. યુરોપના પરંપરાગત શહેરોમાં તો દસ-બાર મીટરની પહોળાઈ ધરાવતાં રસ્તાઓ પર પણ સારીચલાવાલાયક ફૂટપાથ હોય છે.

ફૂટપાથ ન બનાવવા માટે ત્રીજું અને સૌથી ભેદી બહાનું આપવામાં આવે છે કે  ફૂટપાથ બનાવીએ તો રસ્તા પર દબાણ થાય છે. તેથી ફૂટપાથ જ ન બનાવવી એજ વધારે સારું. આ બહાનું ખરેખર કોઈ સરકારી અધિકારી કે કોઈ કોર્પોરેટર પાસેથી રાબેતા મુજબ સંભાળવા મળશે. આ તો પાડાને વાંકે પખાલીને ડામ દેવા જેવું થયું. આ તો એવું થયું કે ચાલીશું તો પડશું તેના કરતા ચાલવું જ નહિ. ફૂટપાથ ન બનાવવાથી રસ્તા પર દબાણ નથી થવાનુંદબાણ કંઈ ફૂટપાથ જોઇને થતું નથી. સરકારની પ્રાથમિકતા રસ્તા પરના 'દબાણ'નું નિયમન કરવાની છે કે તેનું બહાનું કાઢીને સારી ફૂટપાથો નહિ બનાવવાની?  ઘણી વાર દબાણની સરકારી વ્યાખ્યામાં માત્ર લારી-ગલ્લા જ આવે છેખાનગી વાહનો નહિ. ફૂટપાથ પર સિત્તેર ટકા દબાણ વાહનોનું હોય છે. પાર્કિંગની વ્યવસ્થા કરવી અને જરૂર પડે ત્યાં તેની ફી ઉઘરાવવી પણ અશક્ય નથી. પાર્કિંગનું સારું મેનેજમેન્ટ તો રોજગારી વધારવાનું કામ છે. બીજું કેભારતમાં સદીઓથી લારી-ગલ્લાઓ અને બજારો રસ્તા પર રાજ કરે છે. જો તેમના માટે સારી જગ્યા રસ્તાની ડીઝાઇનમાં નહિ મુકીએ તો તે દબાણ થવાનું જ છે. શું સારી ફૂટપાથ બનાવવી અને લારી-ગલ્લા માટે સુવ્યવસ્થીત જગ્યા આપવી અને મેઈનટેઈન કરવી શું અશક્ય કામ છેઆવું કરવાથી ઉલટાનું વાહન ચલાવવામાં પણ સુવિધા થશે.

એવો કયો માનવ-સમાજ હશે કે જ્યાં ચાલવા-દોડવાહરવા-ફરવામેળ-મિલાપનું કલ્ચર નહિ હોયઆ મોટા ભાગની પ્રવૃતિઓ માટે ચાલવાની સારી સુવિધાઓ 'સુંદર અકસ્માતો'ની તકો પૂરી પાડે છે. ચાલવા લાયક સ્થળો હમેશા શહેરના સૌથી જોવાલાયક સ્થળો પણ હોય છે. જો કે દુનિયામાં બધાને ચાલવું તો પડે જ છે. વાહન ધરાવતા સામાન્ય કુટુંબમાં પણ વાહન વાપરનાર સિવાય ઘરના બાકીના સભ્યોને નાના-મોટા કામ માટે ચાલવું પડે છે. જેની પાસે વાહન હોય છે તેણે પણ વાહન પાર્ક કરીને થોડું-ઘણું ચાલવું પડે છે. ફૂટપાથની વાતમાં સારા સમાચાર એ છે કે તે સાર્વજનિક હોય છે સૌના માટેએ લોકો માટે પણ કે જે 'આજકાલ કોણ ચાલે છેતેવું ઉચ્ચારીને રસ્તામાં રાહદારીઓને જોવાનું ભૂલી જાય છે.

 ફરી યાદ કરીએ કે માણસ બીજા પ્રાણીઓથી અલગ છે કારણકે તે બે પગથી ચાલે છે. હવે આપણાં શહેરોમાં માણસ બનવા માટે એટલેકે મજેથી ચાલવા માટે જગ્યા કરવાની છે, ચાલવાલાયક અને છાંયડેદાર ફૂટપાથો બનાવીને.

નવગુજરાત સમય, પાન નં 11, 3 ફેબ્રુઆરી, 2014. 

નગર ચરખો - શહેરમાં મળવા-માણવાની જગ્યા ઘટતી જાય છે

(મિત્રો, 20 જાન્યુઆરી 2014થી ટાઈમ્સ ગ્રુપના નવા ગુજરાતી દૈનિક 'નવગુજરાત સમય'માં મેં 'નગર ચરખો' નામે કોલમ લખવાનું શરુ કર્યું છે. આ સાથે બ્લોગ પર તે બધા જ લેખો મૂકવાનું શરુ કરું છું એટલે એક તો આ અખબાર નિયમિત નહી વાંચતા લોકો સુધી પહોંચી  શકાય અને બીજું કે, દસ્તાવેજીકરણ પણ થઇ શકે.) 

'નગર ચરખો'  એટલે નગરનીતિનગર-વિકાસ અને નાગરિક કલ્યાણના મુદ્દાઓ પર કાંતણ કામ. લખવું એટલે કાંતવુંક્યારેક ઝીણું ક્યારેક જાડું. આપણાં શહેરોમાં નાગરિકોનું જીવનધોરણ સુધારવા હકારાત્મક નગરનીતિની તાતી જરૂરીયાત છેટૂંકી દ્રષ્ટિની રાજનીતિની નહિ. 

ઘણા સમય પહેલાની વાત છેત્યારે બધા જ રસ્તાઓ ફૂટપાથ હતાલગભગ પાંચેક હજાર વર્ષ સુધી. પછી સો વર્ષ પહેલા મોટર સંચાલિત વાહનોનો જન્મ થયો અને રસ્તાઓ વાહન માટે વાપરવા લાગ્યા અને ફૂટપાથો માણસો માટે. ફૂટપાથનો જન્મ એટલા માટે થયો કે રાહદારીઓ માટે બાકીના મોટર સંચાલિત વાહનોથી અલગસુરક્ષિત તેવી ચાલવાની વ્યવસ્થા થઇ શકે. પછી ધીરે ધીરે વાહનો માટેના રસ્તાઓ વધતા ગયા અને માણસો માટે ફૂટપાથો ઘટતી ગઈ. આજે આપણાં શહેરોમાં યાંત્રિક વાહનો વધુને વધુ જગ્યા ખાતાં જાય છે અને માણસને ચાલવાનીબાળકોને રમવાનીવૃધ્ધોને એક-બીજા જોડે હળવા-મળવાની અને શહેરને માણવાની જગ્યા ઘટતી ચાલી છે.

આપણે શાંઘાઈથી સાન ફ્રાન્સિસ્કો અને લંડનથી ટોકીયો જોડેથી શીખવાનું એ છે કે ગગનચુંબી, ચમકદાર ઈમારતોની આસપાસ, જમીન પર ચાલવાલાયક ફૂટપાથ હોય છે. ચાલવાલાયક ફૂટપાથો કોઈ પણ સુંદર શહેરના જાહેર જીવનનો અનન્ય ભાગ છે. બનાવવા ખાતર બનતી ફૂટપાથો અને ચાલવા-લાયક ફૂટપાથોમાં મોટો ભેદ છે. બનાવવા ખાતર બનતી ફૂટપાથો માત્ર દેખાડા માટે હોય છે અને ચાલવાલાયક ફૂટપાથો પર લોકો ખરેખર ચાલતાં હોય છે. જો લોકો ફૂટપાથ પર ન ચાલતાં હોય તો જાહેર જનતાનો વાંક કાઢવાને બદલે ફૂટપાથ ખરેખર 'ચાલવા-લાયકછે કે નહિ તેનો ઝડપી સર્વે આપણે પોતે ચાલીને કરી લેવો જોઈએ. એક રાહદારીની માનસિકતા એક વાહન ચાલકની માનસિકતા જેવી જ હોય છે - તેને ઓછા પ્રયત્નેઝડપથી,સારી સુવીધાનો ઉપયોગ કરીને તેના ગંતવ્ય પર જવું હોય છે. સારી ડીઝાઇન પહેલા થાય અને મેનેજમેન્ટનું કામ પછી ચાલુ થાય. સારી ડીઝાઇનને મેનેજ કરાવી સહેલી હોય છે અને ખરાબ ડીઝાઇનનું કંઈ પણ કરવું અઘરું કામ છે.  સારી ડીઝાઇન બનાવવા માટે  (ચાલવાવાળા લોકો પ્રત્યે) સારી વૃતિ હોવી જોઈએ. ચાલવા માટે જગ્યા રાખવી એ ચાલવાવાળા લોકોને માન આપવા બરાબર કામ છે. નહિ તો પછી લોકો પોતાનો રસ્તો શોધી લે છે.

ચાલવા-લાયક ફૂટપાથના ગુણધર્મો વિષે અતિ સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો શું કહી શકાયરાહદારીઓને સળંગસપાટછાંયડેદાર ફૂટપાથનું નેટવર્ક જોઈએ. ચાલવા-લાયક ફૂટપાથ એટલે એટલે ફૂટપાથનું નેટવર્કમાત્ર થોડા અંતર સુધીની સારી ફૂટપાથ નહિ. દસ મીટર કે પચાસ મીટરની વ્યવસ્થિત સપાટી પછી જો બધું ઉબડ-ખાબડ થઇ જવાનું હોય તો કોઈ ફૂટપાથ પર ન ચાલે. રસ્તા પરની દરેક મિલકતના દરવાજાની સામે ફૂટપાથ પૂરી થઇ જવાની હોય તો કોઈ ફૂટપાથ પર ન ચાલે. ફૂટપાથો જો ચાર-રસ્તા પર ઝેબ્રા ક્રોસિંગ સુધી અને તે પછીની બીજી ફૂટપાથ સુધી દોરી ન જતી હોય તો કોઈ ફૂટપાથ પર ન ચાલે. મુખ્ય રસ્તા પર ઝાકઝમાળ અને ફૂટપાથ પર અંધારું હોય તો કોઈ ફૂટપાથ પર ન ચાલે. આડેધડ થયેલા પાર્કિંગટેલીફોનના થાંભલાઇલેક્ટ્રિક બોક્સખુલ્લા ગટરના ઢાંકણાની વચ્ચે પીસાઈ-પીસાઈને ચાલવાનું હોય તો કોઈ ફૂટપાથ પર ન ચાલે. 

માણસ બીજા પ્રાણીઓથી અલગ છે કારણકે તે બે પગથી ચાલે છે. તેથી ચાલવું તે માણસાઈનું પ્રાથમિક લક્ષણ છે. છતાં કોઈ વૃદ્ધ વ્યક્તિને માત્ર રસ્તો ક્રોસ કરવા માટે રીક્ષા કરાવવી પડે તેવા શહેરમાં માણસાઈનું પ્રાથમિક લક્ષણ ભૂલાયું હશે તેવું જરૂર માની શકાય. કદાચ આપણે ચાર પગે નહિ તો ચાર પૈડે ચાલવામાં માણસ બનવાનું એટલે કે બે પગે ચાલવાનું ભૂલી ગયા છીએ! 

આપણાં શહેરોમાં સારીચાલવાલાયકછાંયડેદાર ફૂટપાથો ન બનાવવા માટે ત્રણેક લોકપ્રિય બહાનાં મોજૂદ છે. આ બહાનાંના ફૂગ્ગાની હવા કાઢવાનું કામ આવતા હપ્તે!

નવગુજરાત સમય, પાન નં 11, 20મી જાન્યુઆરી, 2014. 

Friday, February 21, 2014

વિશ્વ માતૃભાષા દિવસ પર એક લટાર

હેપ્પી વિશ્વ માતૃભાષા દિવસ!

એક લટાર (રેનીયર મારિયા રિલ્કે)

મારી આંખો ત્યાં સૂર્ય-ભીની ટેકરીને અડકે,
મેં શરુ કરેલા રસ્તા ઓળંગી આગળ વધે.
જેને પકડી શકાય નહિ તેનાથી પકડાઈ જવાય છે,
અનહદ અંતરથી ય ત્યાં અંતર-પ્રકાશ રેલાય છે.

અને ધસી જવાય છે ત્યાં પહોંચાયા વગર,
કોઈ બીજા જ સ્વરૂપમાં, કશું સમજાયા વગર,
કે આ આપણે જ છીએ; ને એક ઈશારો લહેરાય છે,
આપણી કોઈ લહેરના જવાબમાં...
પણ આમ તો આખરે જે અડકે તે ચેહેરા પર નાની લહેરખી.


A Walk (Rainer Maria Rilke)

My eyes already touch the sunny hill.
going far ahead of the road I have begun.
So we are grasped by what we cannot grasp;
it has inner light, even from a distance-

and charges us, even if we do not reach it,
into something else, which, hardly sensing it,
we already are; a gesture waves us on
answering our own wave...
but what we feel is the wind in our faces.

Happy World Mother language day!