આજે મારાં બ્લોગે ત્રણ વર્ષ પૂરા કર્યા! ત્રણ વર્ષ પહેલા (બિન)સત્તાવાર 'વિશ્વ મૂરખ દિવસે' આરંભ કરેલો બ્લોગ કોઈને મૂર્ખ બનાવવા કે પોતે મૂર્ખ સાબિત થવા શરુ કરેલો તેની સ્પષ્ટતા મારા મગજમાં હજી સુધી થઇ નથી પણ પહેલી એપ્રિલે પોસ્ટ લખવાની પરંપરા જાળવી રાખીને મૂર્ખતાનો ઉત્સવ જરૂર કરવો જોઈએ. છેલ્લી બે જન્મદિવસની પોસ્ટ અહીં અને અહીં જોવા મળશે, જ્યારે બ્લોગની સૌથી પહેલી પોસ્ટ અહીં છે. પહેલા જન્મદિને અમે ફિલસુફી ભરી વાતો કરી હતી. બીજા જન્મદિને અમે એટલી લાંબી પોસ્ટ લખી, એટલી લાંબી પોસ્ટ લખી કે છેક બીજિંગથી લંડન પહોંચે. આજે ત્રીજા જન્મદિને એવું વિચાર્યું છે કે એક કવિતા ફટકારીએ - કેમ, અમને ત્રણ વર્ષ સહ્યા અને આટલામાં ગભરાઈ ગયા? વધુમાં, 'મહાન' કવિઓની જેમ અમે કવિતાની સાથે-સાથે તેની પ્રસ્તાવના પણ ફટકારીશું.
આજે ત્રણને આંકડે અમે પહોંચ્યા. કોઈ મહાન ફિલસૂફ કહી ગયેલા કે જગતને સમજવા બે વિભાગ એટલે કે દ્વિભાજન(dichotomy) પુરતું નથી પણ તે માટે ત્રિભાજન(trichotomy) જોઇએ. જેમકે, કાળું અને ધોળું જ નહિ પણ કાળું-ધોળું અને ભૂખરું કે ગ્રે. જો કે આવું કોઈ ફિલસૂફ ન કહી ગયા હોય તો પણ શું. આજકાલ તો કોઈના પણ નામે કશું પણ ઠઠાડી શકાય છે. બર્ત્રાંડ રસેલ કે અમ્બર્તો ઇકો કે સંત કબીર કોઈના પણ નામે આ ચલાવી શકાય તેવું છે. કોણ શોધવા જવાનું છે ઈન્ટરનેટ પર. પણ મૂળ વાત એ છે કે ત્રણ એ મહત્વપૂર્ણ આંકડો છે. આંકડા પરથી યાદ આવ્યું કે બીજા એક મહાન ગણિતશાસ્ત્રીએ કહ્યું છે કે દુનિયામાં ત્રણ પ્રકારના જૂઠાણાં હોય છે - જૂઠાણાં, નર્યા જૂઠાણાં અને આંકડાશાસ્ત્ર. જોયું અહીં પણ ત્રણ વિભાગ. એટલે આપણો પ્રમેય સાબિત થાય છે કે ત્રણ એ મહત્વનો આંકડો છે.
સોશિયલ નેટવર્કિંગના પહેલાના જમાનામાં અમે એક કવિતા અમારી ડાયરીમાં લખી હતી. (હા, સોશિયલ નેટવર્કિંગના પહેલાના જમાનામાં પણ લોકો કવિતા કરતા... પણ ડાયરીમાં જ રાખતા!) કવિતા મૂળ ટોળાશાહી વિષે હતી. અને એક ટોળું ભેગું થઈને 'ચર્ચા' જેવું સર્જનાત્મક કામ કરે ત્યારે કેવી મજા આવે! આવી ચર્ચે ચઢેલી (યુધ્ધે નહિ) ટોળાશાહી વિશેના થોડા અવલોકનો આ કવિતામાં હતા અને આ અવલોકનો સોશિયલ નેટવર્કિંગ માધ્યમો પર હવે સાચા પડે છે એવું લાગે છે. આપના પ્રતિભાવો જરૂર આપજો.
અમે એકબીજાની આસપાસ ટોળમટોળ, ટોળમટોળ.
જાણે દુનિયાની ફરતે ગોળમગોળ, ગોળમગોળ.
જીભ, દાંત ને હવામાંથી ફૂટતાં
ગોળા, ગપગોળા ને તોપગોળા વચ્ચે,
લાકડાની તલવાર અને માંકડાની પાંખોથી,
રમરમરમ રમખાણે રમીએ.
અધપચેલી વાતોને અધકચરી રાતોમાં
વિચારોની વાછૂટ ને કલ્પનોના કબજીયાત.
ભમરાયેલા ભમરા ને પકડાયેલા પતંગિયા લઇ
પીપૂડીઓને માનીને રણશિંગા ખેપાની
ફૂંકમફૂંક કલબલાટ મચાવીએ.
આઠ મછંદર ને સાત સમંદરની પેલે પાર
બંદિની તર્કસુંદરીની બેડીઓ અપાર.
બેડીને બદલે સમજ પર કરવત મૂકી
એકદંડિયા મહેલોના બહુદંડિયા પાયાઓ
પૂરીએ ને ખોદીએ, પૂરીએ ને ખોદીએ.
તોતિંગ છે વાક્યો ને ભોરીંગ છે શબ્દો,
કદરૂપા રૂપકો ને અળખામણાં અર્થો.
આ બધું ગટકીને જવું પેલે પાર જ્યાં
બુદ્ધિનું સરોવર ને ડાહપણનું જંગલ.
દોડતાં-અથડાતાં, પડતાં-પછાડતાં,
પહોંચી જઈએ, દોડતાં રહીએ.
ડોન ક્વીહોટે કહે સાંચો પાન્ઝાને,
તું જ મારો ખરો બડકમદાર!
ઉછાળ એ દૈત્યોને, જકડી લે સર્પોને,
હવે યુદ્ધ એ જ કલ્યાણ.
હું, તું અને એ,
ઉપર, નીચે, વચ્ચે,
ડાબે, જમણે, મધ્યે,
ગામ, દેશ ને દુનિયા,
આમ, તેમ ને અધ્ધર,
સીએમ, પીએમ, એમનેએમ,
આજ, કાલ અને આવતી કાલ.
તેમ ત્રણ-ત્રણના ત્રાગાં ને ત્રણ-ત્રણના ત્રેખડ,
ત્રણ-ત્રણ તતૂડીઓ ને ત્રણને ત્રણ છે ત્રેપ્પન.
ટોળમટોળ, ગોળમગોળ, ટોળમટોળ, ગોળમગોળ.
દેખાય એટલું દ્રશ્ય અને સૂંઘાય એટલું સત્ય.
ટોળમટોળ, ગોળમગોળ, ટોળમટોળ, ગોળમગોળ.
દેખાય એટલું દ્રશ્ય અને સૂંઘાય એટલું સત્ય.
- ઋતુલ જોષી
મૂળ લખાણ: 16 જૂન, 2001
મઠાર્યા તારીખ: 1 એપ્રિલ, 2013
અભિનંદન! કોઈ પણ મહાન કૃતિ માટે કહેવાય છે એમ આ કૃતિ માટેય કહી શકાય એમ છે કે તે આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
ReplyDeleteહવે ચોથી વર્ષગાંઠ પહેલાં તમારા લેખોના પુસ્તકની પ્રતિક્ષા કરીએ.
મઠાર્યા તારીખ એ કદાચ 'માર્યા ઠાર, યાર!'નું નવી ટેક્સ્ટ સંદેશાઓની ભાષા શોધાઇ તે પહેલાંનું બોલચાલમાં વપરાતું ટુંકું સ્વરૂપ હશે તેવો વિચાર મને કેમ આવ્યુ હશે?
ReplyDeleteમારી આવી વિચાર શક્તિનો જેમણે ભોગ બનવું પડે છે તેઓ મનમાં ને મનમાં જ જે પ્રતિઘોષ પાડતાં હશે, તેનું આ પ્રતિબિંબ તો નથી પડ્યું ને?
જો કે , અમે તો અમને ઓળખીએ, એટલે, લેખું કે કવિતાઉં વાંચીને સમજણ પડે છે તેટલ પૂરતું સમયસર વાહ! વાહ! કહેવા જૅટલી આવડત તો કેળવી રાખી છે.
'ચરખો' લાંબું કાંતે, કાંતતો રહે અને નિજાનંદની મસ્તી બીજાંઓ સાથે વહેંચતો પણ રહે તેવી શુભેચ્છાઓ.
Congrats Rutul !!
ReplyDeletekeep it on-n-on...
તમારી કવિતા વાંચી ને ખત્રી સાહેબની 'અમે બુદ્ધિમાનો' વારતા યાદ આવી ગઈ. આગે બઢો હ્રુતુલ ભાઈ -આપ આપ કે સાથ હો...!!!
ReplyDeleteઆઠ મછંદર ને સાત સમંદરની પેલે પાર
ReplyDeleteબંદિની તર્કસુંદરીની બેડીઓ અપાર.
બેડીને બદલે સમજ પર કરવત મૂકી
એકદંડિયા મહેલોના બહુદંડિયા પાયાઓ
પૂરીએ ને ખોદીએ, પૂરીએ ને ખોદીએ.
ha..ha...
'ચરખો'એ ત્રણ વર્ષ પૂરાં કર્યા એ માટે હાર્દિક અભિનંદન. પોસ્ટનું શીર્ષક જ કેટલું 'કેચી' છે!
ReplyDeleteચરખાએ આ કૃતિ - ત્રણ ત્રણ તારે કાંતી છે. અંબર-ચરખો જ કહું ને!
બાર વર્ષે બાવો બોલે એમ બાર વર્ષે આ કૃતિ ડાયરીમાંથી ધૂણીને/કૂદીને વેબ પર આવી ગઈ એ એનું સત જ કહેવાય.
હવે આવતા વર્ષે, " ચચચ્ચાર- ચચચ્ચાર "નો નવો ધ્વનિ જગાવતા આવી મળો એ શુભેચ્છાઓ.