Friday, June 29, 2012

એક રેસીપી


સૌપ્રથમ આ રીતે શબ્દોનો ઢગલો કરો.
પછી તેમાંથી
ટપક-ટપકને લપક-લપક
લપસણાને ખરબચડાં
ભીંજવતા અને દઝાડતા
જેવી જરૂર તેવી સામગ્રીને અલગ તારવીને મૂકો.
સામગ્રીને આથો આવવા દેશો નહીને
નાહક ફૂલવા દેશો નહિ કે
પડી રાખીને સડવા દેશો નહિ.

બધી સામગ્રી છંદોલયને ત્રાજવે તોળીને
તેમની નાની-મોટી ઢગલીઓ કરો.
હવે બધાયનો ભાંગીને ભૂક્કો કરવાનો છે.
કેટલુંક વ્યવસ્થિત પીસો
થોડુંક ઉપ્પરછલ્લું વાટો
જે બચી જાય તેને
હડ હડ હડ હડીમદસ્તો લઈને
ધડામ ધડામ ધડામ ધમકોરો.

હવે કડાઈમાં તમારી કક્ષા મુજબનું તેલ ગરમ કરવા મૂકો.
કૈંક સુષ્ઠુ-સુષ્ઠુ કરવું હોય તો ઘી પણ વાપરી શકાય.
જો સુષ્ઠુ અને સસ્તું કરવું હોય તો બજારમાં વેજીટેબલ ઘી પણ મળે છે,
પણ તે બધાને પચતું નથી.

કેટલાક બધી સામગ્રી સરખી જ વાપરતા હોય છે.
તો કોઈને લપ-લપને ટપ-ટપનું પ્રમાણ વધારે જોઈએ. 
ભીંજાઈને લપસી જવાય એવું ય બહુ ચાલે છે માર્કેટમાં,
વરસાદની સિઝનમાં તો ખાસ.
પોતે ભીંજાવું સહેલું છે, બીજાને દઝાડવું અઘરું.
દઝાડવાની લ્હાયમાં તમારો હાથ દાઝી ન જાય તેનું ધ્યાન રાખવું.

હવે તમારી કક્ષા મુજબની સામગ્રી
લાલ ચટ્ટક થાય ત્યાં સુધી ધીમે તાપે સાંતળો.
પછી તેમાં જાતને ભેળવો અને
જ્યાં સુધી તે તપે નહિ ત્યાં સુધી પોતાને તપાવો.
બહારની મથામણ અને અંદરની અકળામણને
ધીરે-ધીરે તેમાં પોતાની રીતે ભળવા દો.
થોડું ભડભડવા દો, થોડું ઠરવા દો.
સાથેસાથે જે-તે સમયનો કડછો
સતત ચલાવતા રહો.
અંદર કંઇક ચોંટી ન જાય અને
ઉપરથી કંઇક ઉભરાઈ ન જાય માટે.

લખીને આ યાદ કરી લો,
નમક સ્વાદાનુસાર
ગુંથણી વિષયાનુસાર
જે કહેવું છે તે નીસ્બતાનુસાર

હવે કવિતાને કાગળ પર ઠારો.
પ્રવાહી, ઘનઘટ્ટ કે ધુમાડાબંધ
જે સામગ્રી હોય તેવા વાસણમાં પીરસો.
ખોટું સુશોભન કરવાની જરૂર નથી.
ફૂંકી-ફૂંકીને આપવાની જરૂર નથી.
વાનગી સાથે ફોટો પડાવવો ફરજીયાત નથી.
પણ વારંવાર મહાવરો કરવો જરૂરી છે.
હવે તમે ખપત અને આવડત મુજબ
લારી, દુકાન કે શો-રૂમ ખોલી શકો છો.

ઋતુલ જોષી 
તા - 29/06/2012


11 comments:

  1. હ્રુતુલ ભાઈ, મારી નાખશો ભૈઇ.....કેટલું અદભૂત લખો છો -કૈં હદ તો હોય ને....? આટલું જબરું લખવાનું ? એટલે અમારા જેવા એ કોમ્લેક્સ લઇ ને ફરવાનું કે આપણને ક્યાં આવું સરસ લખતા આવડે છે...એમ ? નોટ ફેઈર.....

    ReplyDelete
  2. બીરેન કોઠારી6/29/2012 5:47 PM

    ઉપર રાજુભાઈએ લખ્યું એની નીચે આપણી સહી.

    ReplyDelete
  3. This is so very well-written Rutul. Hung on to every word. Yummy stuff!

    ReplyDelete
  4. U really have good poetic sense.. Depth in ur words are mind-blowing... heheh using the word blowing coz undoubtedly few of ur poem words has gone tangential...

    ReplyDelete
  5. was thinking of quoting lines from your poetry. but when i selected, they turned out to be more than half of the poetry.
    yet,
    સાથેસાથે જે-તે સમયનો કડછો
    સતત ચલાવતા રહો.
    અંદર કંઇક ચોંટી ન જાય અને
    ઉપરથી કંઇક ઉભરાઈ ન જાય માટે
    are one great lines, along with many others:-0)

    ReplyDelete
  6. Dear all,

    Thanks a lot!!! Your encouraging words matter a lot...

    yours truly!

    ReplyDelete
  7. ભરતકુમાર ઝાલા7/01/2012 1:11 PM

    કવિતા આ રીતે પણ લખાય, ને વાંચનારાને એ સ્પર્શે જ છે, એ સત્યની પ્રતિતી અહીં વારંવાર થાય જ છે. અભિનંદન.

    ReplyDelete
  8. ધારદાર રેસીપી.

    ReplyDelete
  9. જે બચી જાય તેને
    હડ હડ હડ હડીમદસ્તો લઈને
    ધડામ ધડામ ધડામ ધમકોરો.....
    હવે તમારી કક્ષા મુજબની સામગ્રી,
    જ્યાં સુધી તે તપે નહિ ત્યાં સુધી પોતાને તપાવો...
    સાથેસાથે જે-તે સમયનો કડછો
    સતત ચલાવતા રહો.....
    માઈન્ડ બ્લોઇંગ રેસીપી...મોજ પડી :)

    ReplyDelete