સૌપ્રથમ આ રીતે શબ્દોનો ઢગલો કરો.
પછી તેમાંથી
ટપક-ટપકને લપક-લપક
લપસણાને ખરબચડાં
ભીંજવતા અને દઝાડતા
જેવી જરૂર તેવી સામગ્રીને અલગ તારવીને મૂકો.
સામગ્રીને આથો આવવા દેશો નહીને
નાહક ફૂલવા દેશો નહિ કે
પડી રાખીને સડવા દેશો નહિ.
બધી સામગ્રી છંદોલયને ત્રાજવે તોળીને
તેમની નાની-મોટી ઢગલીઓ કરો.
હવે બધાયનો ભાંગીને ભૂક્કો કરવાનો છે.
કેટલુંક વ્યવસ્થિત પીસો
થોડુંક ઉપ્પરછલ્લું વાટો
જે બચી જાય તેને
હડ હડ હડ હડીમદસ્તો લઈને
ધડામ ધડામ ધડામ ધમકોરો.
હવે કડાઈમાં તમારી કક્ષા મુજબનું તેલ ગરમ કરવા મૂકો.
કૈંક સુષ્ઠુ-સુષ્ઠુ કરવું હોય તો ઘી પણ વાપરી શકાય.
જો સુષ્ઠુ અને સસ્તું કરવું હોય તો બજારમાં વેજીટેબલ ઘી પણ મળે છે,
પણ તે બધાને પચતું નથી.
કેટલાક બધી સામગ્રી સરખી જ વાપરતા હોય છે.
તો કોઈને લપ-લપને ટપ-ટપનું પ્રમાણ વધારે જોઈએ.
ભીંજાઈને લપસી જવાય એવું ય બહુ ચાલે છે માર્કેટમાં,
વરસાદની સિઝનમાં તો ખાસ.
પોતે ભીંજાવું સહેલું છે, બીજાને દઝાડવું અઘરું.
દઝાડવાની લ્હાયમાં તમારો હાથ દાઝી ન જાય તેનું ધ્યાન રાખવું.
હવે તમારી કક્ષા મુજબની સામગ્રી
લાલ ચટ્ટક થાય ત્યાં સુધી ધીમે તાપે સાંતળો.
પછી તેમાં જાતને ભેળવો અને
જ્યાં સુધી તે તપે નહિ ત્યાં સુધી પોતાને તપાવો.
બહારની મથામણ અને અંદરની અકળામણને
ધીરે-ધીરે તેમાં પોતાની રીતે ભળવા દો.
થોડું ભડભડવા દો, થોડું ઠરવા દો.
સાથેસાથે જે-તે સમયનો કડછો
સતત ચલાવતા રહો.
અંદર કંઇક ચોંટી ન જાય અને
ઉપરથી કંઇક ઉભરાઈ ન જાય માટે.
લખીને આ યાદ કરી લો,
નમક સ્વાદાનુસાર
ગુંથણી વિષયાનુસાર
જે કહેવું છે તે નીસ્બતાનુસાર
હવે કવિતાને કાગળ પર ઠારો.
પ્રવાહી, ઘનઘટ્ટ કે ધુમાડાબંધ
જે સામગ્રી હોય તેવા વાસણમાં પીરસો.
ખોટું સુશોભન કરવાની જરૂર નથી.
ફૂંકી-ફૂંકીને આપવાની જરૂર નથી.
વાનગી સાથે ફોટો પડાવવો ફરજીયાત નથી.
પણ વારંવાર મહાવરો કરવો જરૂરી છે.
હવે તમે ખપત અને આવડત મુજબ
લારી, દુકાન કે શો-રૂમ ખોલી શકો છો.
ઋતુલ જોષી
તા - 29/06/2012