Thursday, September 02, 2010

પાર્કિંગ - જન્મસિદ્ધ અધિકાર?


  • પાર્કિંગએ મારો જન્મસિદ્ધ અધિકાર છે.


  • તુમ મુઝે બીઝનેસ દો, મેં તુમ્હે પાર્કિંગ દુંગા.


  • મફતમાં પાર્કિંગએ માંગવાની વસ્તુ નથી, છીનવી લેવાની વાત છે.

  • સ્વતંત્રતાના અને સ્વાયતત્તાના વિચારનો સૌથી વધારે અમલ જો કોઈ સામાજિક પ્રવૃત્તિએ કર્યો હોય તો તે છે પાર્કિંગની પ્રવૃત્તિ. કેટલાક લોકો તો મફતમાં પાર્કિંગ કરી લેવાને કળાનો દરજ્જો આપતા હોય છે. પોળમા ખરીદી કરવા જતી વખતે પાર્કિંગ કરી આપવા વાળા માણસને ખાસ સાધવામાં આવે છે અને તે વ્યક્તિ કોઈનું કરી જવાનો હોય એ અદાથી પાર્કિંગ કરી આવે છે. પુ.લ.દેશપાંડેએ 'ભાત-ભાતકે લોગ' નામના પુસ્તકમાં જાત-જાતના લોકો વર્ણવ્યા છે, લગ્ન પાર ઉતારનારા, કોઈને કોઈ મંડળીના સભ્ય-મંત્રી તરીકે જીવન વિતાવનારા, સંગીત પ્રેમી, ચોખલીયા વગેરે વગેરે તેમાં 'પાર્કિંગ કરી આપનારો' વર્ગ ચોક્કસ શામેલ થઇ શકે.આ બ્લોગમાં ફરી એક વાર મરીઝના શેરનો 'દુરુપયોગ' કરીએ તો:
    નથી તારામાં કોઈ વિધી પાર્કિંગ,
    ગમે ત્યાં ગમે ત્યારે કર્યું પાર્કિંગ.
    ખુદા તારી ન્યામતનું શું પૂછવાનું,
    રસ્તાને ગલીઓમાં દીધું તે પાર્કિંગ.

    પાર્કિંગનો મુદ્દોએ લલિત-નિબંધો, હાસ્ય-લેખોથી લઈને સરકારી નીતિઓ સુધીમાં સતત અવગણના પામેલો મુદ્ધો છે. નવાઈની વાત તો એ છે કે પાર્કિંગ વિષય જ બહુ સંવેદનશીલ છે અને બહુ વિચિત્ર રીતે વ્યક્તિના ઈગો સાથે સંકળાયેલો છે. પાર્કિંગ ન કરવા દેવું તે અંગત આક્રમણ સમાન છે. અમદાવાદમાં પાર્કિંગના મુદ્દે સોસાઈટી કે રહેણાક વિસ્તારોમાં હિંસક ઘટનાઓ સુદ્ધાં બની છે. લોકો મફત પાર્કિંગ નહિ કરવા દે તેવા મોલમાં જવાનું જ બંધ કરી દે છે. કારમાં બેસીને ખાવું અને પાર્કિંગમાં બેસીને ખાવું તે હવે આપણી લોક-સંસ્કૃતિનો અનન્ય હિસ્સો છે. મને અમદાવાદમાં મ્યુનીસીપલ માર્કેટ જેવા એરિયાને જોઈને વારંવાર એવું થાય છે કે જો દુકાનોની વચ્ચોવચ હજારો વાહનોની જગ્યાએ ફુવારા સાથેની સરસ ખુલ્લી જગ્યા ન થઇ શકે? આ વાત માત્ર અમદાવાદ સુધી જ સીમિત નથી પણ બધા જ નાના-મોટા શહેરોમાં આવેલા ખાણી-પીણીના માર્કેટ કે ગામના ચોકમાં કોઈ જ ખર્ચ વગર કરી શકાય તેવી વાત છે. તમે કોઈ પણ જગ્યાએથી વાહનો હટાવો તો તરત જ તે જગ્યાએ નાના બાળકો રમતા દેખાશે.


    આગળની પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે આડેધડ કરાયેલા પાર્કિંગને કારણે જો સૌથી વધારે કોઈ પ્રવૃત્તિનો ભોગ લેવાતો હોય તો તે છે ચાલવાની પ્રવૃત્તિ. આપણે ત્યાં થોડી ઘણી બચેલી ફૂટપાથો પર પાર્કિંગના પાથરણાં હોય છે તેથી રાહદારીઓ રસ્તા પર ચાલે અને પાછળથી આવતા વાહનો તેમને સતત ડરાવે-ધમકાવે છે. તો હવે પાર્કિંગએ કેટલી જાહેર સમસ્યા છે અને કેટલી અંગત સમસ્યા છે? જેમ સરકાર કોઈ વ્યક્તિ તેના કપડાં, ફર્નીચર અને નાહ્યા પછી ટુવાલ ક્યાં મુકે છે તેની ચિંતા કરતી નથી તો પછી સરકારે કોઈ વ્યક્તિ પોતાનું અંગત વાહન ક્યાં મુકે તેની ચિંતા કેમ કરવી જોઈએ? બીજી રીતે જોઈએ તો તમે કોઈ તમારું ફર્નીચર રસ્તા પર મુકો છો. એમ કરવાથી તમે એક જાહેર જગ્યાને અંગત બનાવી નાખી. પાર્કિંગનું પણ એવું જ છે. જયારે તમે તમારું વાહન રસ્તા પર મુકો છો ત્યારે તમે તે બહુમુલ્ય જાહેર જગ્યાને અંગત બનાવી નાખી. આમ, આપણું અંગત પાર્કિંગ કે આપણા મકાનનું પાર્કિંગ તે સરકારની વહીવટી જવાબદારી નથી અને સમાજની સહિયારી જવાબદારી પણ નથી. આપણે વાહન ચલાવીને કે વાહન રાખીને કોઈના પર ઉપકાર નથી કરતા. પાર્કિંગએ વધુમાં વધુ વ્યક્તિગત કે બિલ્ડીંગના મેનેજમેન્ટની સમસ્યા છે. જો કે પાર્કિંગ શોધવું અને કરવું તે એક અંગત સમસ્યા છે અને રસ્તાના એક ભાગ પર કોઈનો પણ હંગામી ધોરણે પણ માલિકી હક નથી. હા, સરકાર પાર્કિંગ અંગેના નિયમો જરૂર બનાવી શકે, તેનું પાલન કરાવી શકે અને પાલન ન થાય તો દંડ કરી શકે પણ પાર્કિંગ ઉભું કરવું તે સરકારની મૂળભૂત ફરજ તો નથી જ.  સરકાર વધુમાં વધુ જાહેર સ્થળ પર પાર્કિંગના વ્યવસ્થાપન માટે સવલતો ઉભી કરી શકે અને તેની ફી પણ લઇ શકે.

    અમેરિકાના એક વિદ્વાન પ્રોફેસર ડોનાલ્ડ શુપનું એવું માનવું છે કે મફત પાર્કિંગ કરવાનું બહુ મોટું મૂલ્ય બાકીનો સમાજ ભોગવે છે. તેમના વિશે વધુ અહી. તેમની મૂળ દલીલ બહુ જાણીતી છે કે મફત આપેલી વસ્તુઓનો દુરુપયોગ થાય છે. મફત પાર્કિંગ હોય તો વાહન લઈને જવાનું મન વધારે થાય. વાહન ત્યાંને ત્યાં વધારે સમય માટે મૂકી રાખવાનું મન થાય. જેટલી વધુ છૂટ તેમ જ્યાં વધારે જગ્યામાં ઓછા વાહનો પાર્ક થાય. એકંદરે વાહનવાળા રાજા સાબિત થાય અને રસ્તે ચાલતા લોકો વધેલી-ઘટેલી જગ્યામાં ચલાવી લે કે પછી ફૂટપાથ મુકીને રસ્તા પર ચાલે. મફત પાર્કિંગના લીધે થતો બીજો મોટો પ્રશ્ન એ છે કે વધુ પાર્કિંગની જરૂરીયાત ધરાવતા બિલ્ડીંગ, મોલ, ટ્યુશન ક્લાસ વગેરે જાહેર રસ્તાનો ઉપયોગ તેમના 'અંગત' પાર્કિંગ માટે કરે છે અને તેમને નિયંત્રિત કરવાનો કરવાનો ઉપાય જાહેર રસ્તા પરના પાર્કિંગ પર પ્રાઈસ ટેગ લગાવવાનો જ રહે છે. ઘણા સંશોધનોએ એવું સાબિત કર્યું છે કે ખરેખર પાર્કિંગ પર પ્રાઈસ ટેગ લગાવવાથી બિન-જરૂરી પાર્કિંગ ગાયબ થઇ જાય છે અને ચાલવા માટે 'રસ્તાઓ' ખુલે છે.

    તેથી જ તો જો રસ્તા પર પાર્કિંગ કરવાના પૈસા આપવા પડે તો તેને જાહેર રસ્તાનો ઉપયોગ કરવાનું ભાડું ગણવું. સી.જી. રોડ પર છ ફૂટ બાય બાર ફૂટ (કાર) કે ત્રણ ફૂટ બાય છ ફૂટ(બાઈક)ની કમર્શિયલ જગ્યાનું એક દિવસનું અને અમુક કલાકનું ભાડું ગણી જુવો અને પછી પાર્કિંગના કેટલા પૈસા આપો છો તે જુવો તો એવું લાગશે કે આખો દિવસ રસ્તા પર વાહન મૂકી રાખવાની પ્રવૃત્તિ કરીને, ટ્રાફિક અને ચાલવાવાળાને મુશ્કેલી ઉભી કર્યા બાદ પણ પાર્કિંગ ચાર્જમાં મોટી સબસીડી મળે છે. સિંગાપુરના એક પ્રોફેસર પોલ બાર્ટરએ એશિયાના લગભગ ચૌદેક શહેરોના પાર્કિંગની સમસ્યાનો અભ્યાસ કરીને તેમના અનુભવો આ બ્લોગ પર મુક્યા છે. તેમની એક પોસ્ટ જણાવે છે કે ભારતના શહેરોમાં કોઈ જગ્યાનું કમર્શિયલ ભાડું અને પાર્કિંગની ફી વચ્ચે બહુ મોટો તફાવત છે જે દુનિયાના મોટો ભાગના શહેરોમાં નથી, તેથી જ આ શહેરોમાં પાર્કિંગ કંટ્રોલમાં છે. કમર્શિયલ એરિયામાં કરેલું મફત પાર્કિંગ તે પોતાના મકાનમાં પાર્કિંગની સુવિધા નહિ આપી શકેલા બિલ્ડરને છુપી મદદ કરે છે.

    એક એવી બહુ પ્રચલિત માન્યતા છે કે વધુ અને વધુ પાર્કિંગની સવલતો આપવાથી પાર્કિંગની સમસ્યાનો નિકાલ થશે. તેથી જ તો છાશવારે એવા સમાચારો છપાય છે કે મ્યુનીસીપલ કોર્પોરેશન બહુ-માળીય પાર્કિંગ કરોડો રૂપિયાના ખર્ચે બનાવશે. આમાં સામાન્ય બુદ્ધિ લગાવીએ તો એવો સવાલ જરૂર થાય કે જો હું રસ્તા પર મફત પાર્કિંગ કરી શકું તો પછી મકાનમાં પૈસા આપીને પાર્કિંગ કરવા શું કામ જાઉં? આવો ખોટો ખર્ચ શા માટે? એ મકાનો માટે કે જેમણે પોતે પાર્કિંગની વ્યવસ્થા નહિ કરી અને તે હવે જાહેર જગ્યાનો દુરુપયોગ કરે છે. પાર્કિંગએ સપ્લાય આપ-આપ કરવાનો નહિ પણ ડીમાન્ડ મેનેજ કરવાનો પ્રશ્ન છે. પાર્કિંગની સમસ્યા, સમસ્યા એટલા માટે છે કે કારણકે પાર્કિંગને જાહેર સેવાની તુલના આપવામાં આવે છે કમોડીટી કે લેતી-દેતીની ચીજની નહિ. પાર્કિંગ એક સવલત જરૂર છે પણ જન્મસિદ્ધ અધિકાર ક્યારેય નહિ. બદનસીબે, તળાવ કે લેક-ફ્રન્ટ એ જાહેર જગ્યા છે કમોડીટી નહિ પણ તેનો વેપલો થાય. તળાવ જોવા જવાના પૈસા લેવાય છે અને તે પણ મફતમાં પાર્કિંગ કર્યા પછી.

    6 comments:

    1. Wonderful, Rutul. These are my thoughts too. trouble very few are capable to understand this point of view. As a civil society, unless we understand the problem in true perspective, we can't findout any solution. In regard to traffic and parking sense, we Ahmedabadis are at lowest. I see most car-owners are egoists, "I have a car, I am important enough to park it at will! If I have a BIGGER car I have BIGGER importance!!" They are not ready to park a little farther than exactly opposite the place they are visiting! However crowded that could be. But AMC or whatever dept handles that, is getting little stricter now, by not allowing parking on public roads. Lets see how Ahmedabadis respond. _Kiran Trivedi

      ReplyDelete
    2. તમારા મૂળ મુદ્દા પર સંપૂર્ણ સહમત છું. પણ પાર્કિંગ ને આટલા isolation માં વિચારી શકાય? લોકો ના ઘરેથી દુકાનોસુધી આવવાની સગવડ, અંગત વાહન ન લઇ જવાનો વિકલ્પ, અંગત વાહન લઇ જઈએ તો એનો જાહેર સિવાયની જગ્યામાં પાર્કિંગ નો વિકલ્પ એ બધું વિચારવાનું શું સરકારના માથે ન ગણાય? મને ખબર નથી કે એક માણસ વ્યકતિગત રીતે આમાં કેટલું કરી શકે.

      ReplyDelete
    3. @અમિત: મૂળ મુદ્દો પાર્કિંગની પોલીસી હોવાનો છે તેથી પાર્કિંગની પોલીસી પર ધ્યાન આપવાનું કહું છું, તેને વેગળી રીતે કે isolationમાં જોવાની વાત નથી કરતો. પબ્લિક ટ્રાન્સપોર્ટ, પાર્કિંગ અને ચાલવાની સુવિધા આ ત્રણ પાયાનું સ્ટૂલ છે. પરંતુ પાર્કિંગ વિષે કૈંક પણ કરવા માટે બીજી સુવિધાઓ જેમ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ વિકસે એની રાહ જોવાની જરૂર નથી. ખોટી રીતે કરેલા પાર્કિંગથી ચાલવાવાળા દંડાય છે તે બહુ જાણીતી વાત છે.

      આગળ તમે લખ્યું એ પ્રમાણે અંગત વાહનનો વિકલ્પ આપવાની જવાબદારી સરકારની ખરી અને બધુંય વિચારવાની જવાબદારી પણ એમની ખરી પણ સામે તમારે પાર્કિંગના પૈસા આપવા પડે, જાહેર જગ્યાનો દુરુપયોગ કરવા બદલ. તમને પાર્કિંગને એક જાહેર સુવિધા તરીકે આપવાની સરકારની કોઈ જવાબદારી નથી. પરંતુ જો બિલ્ડીંગવાળા પાર્કિંગની જવાબદારી લેતા થાય તો જાહેર રસ્તાઓ પર ચાલવાની જગ્યાઓ ખુલ્લી થાય.

      ReplyDelete
    4. "પાર્કિંગનો મુદ્દોએ લલિત-નિબંધો, હાસ્ય-લેખોથી લઈને સરકારી નીતિઓ સુધીમાં સતત અવગણના પામેલો મુદ્ધો છે." એકદમ સચોટ ઓબ્સર્વેશન. પાર્કિંગ સહિત ઘણી બધી સામુદાયિક એક્ટીવીટી આપણા ત્યાં 'બીજાના ભોગે' થાય છે. લોકનો અભિગમ આ મુદ્દે 'બાપનો માલ છે' અથવા તો 'થાય એ તોડી લે' છે, અને કમનસીબે જે તોડી લઇ શકે તેવા છે, કાયદાના રક્ષકો, એ ઉદાસીન છે. અમદાવાદમાં ટ્રાફિકની પરિસ્થિતિ એકદમ દારુણ છે. અને સરકારની ઉપેક્ષાથી મને એમ થાય છે કે...

      'આ સતત અવગણના એની મહેરબાની છે 'મરીઝ'
      ધીરે ધીરે એ કરી દેશે બેપરવા મને !

      ReplyDelete
    5. અધીરભાઈ,
      ટ્રાફિકની દારુણ પરિસ્થિતિ વિષે કોઈએ કહ્યું છે કે જેમ દેશની ને વ્યક્તિની આવક વધે તેમ શિક્ષણ સુધરે, વિકાસ થાય પણ ટ્રાફિક જ એવી સમસ્યા છે કે વધુ આવક સાથે વણસે. પણ 'મૂળ મુદ્દો શું છે ને તે અંગેની કોમન સેન્સ શું છે' તેની ચર્ચા બહુ ઓછી થાય છે. તે દિશામાં જ આ પ્રયત્ન હતો. આપણે ત્યાં મોંઘા આઈડિયાની ખપત વધારે છે અને સામાન્ય બુદ્ધિની ઓછી. વારંવાર લોકોને મલ્ટી-સ્ટોરી પાર્કિંગ બનાવવાની ચળ ઉપડે છે, તે વખતે લાગે છે કે આ લો, પાછા આપણા પૈસા પાણીમાં... કોમેન્ટ માટે આભાર અને ખાસ આભાર આ બ્લોગનો 'ટ્રાફિક' વધારી આપવા માટે! :)

      ReplyDelete
    6. excellent article, with perfectly balanced view

      ReplyDelete