Wednesday, September 22, 2010

પાણીનું શહેર અને તરસનું શહેર


દુનિયાના સૌથી મહાન શહેરોની ખાસિયત શું? જ્યાં મનભરીને ચાલવાની મજા આવે અને છતાંય શહેર ન ખૂટે. અલગારી રખડપટ્ટીની સરળતા કરી આપે તેવા શહેરો. કે જેમાં પેકેજ ટુર પ્રમાણે ફરવું એટલે કોઈ સુંદર આખે-આખા ગીતની જગ્યાએ તેની ટયુન સંભાળીને ચલાવી લેવું કે કોઈ સુંદર સિમ્ફનીમાં માત્ર અમુક જ વાજિંત્ર સંભાળવા. મહાન શહેરો આખે-આખા ફરવાલાયક કે ચાલવાલાયક હોય છે અને આ શહેરોના ભાગ માત્ર હોવું તે જ સૌથી મજાનો અનુભવ છે. મેં જોયેલા શહેરોમાં મારી 'મહાન'ની વ્યાખ્યામાં ફીટ થતા બે શહેરો આજે ખાસ યાદ કરવા છે - બાથ અને જેસલમેર. એક પાણીનું શહેર અને એક તરસનું શહેર. બાથ શહેર નામ પ્રમાણે પાણી અને પાણીના ઉપયોગની પદ્ધતિઓની આસ પાસ રચાયેલું શહેર છે અને જેસલમેર મરૂભૂમિની છાતી પર તરસ્યાની પરબ જેવું શહેર છે.
બાથ શહેરમાં થોડો-ઘણો સમય વિતાવ્યા બાદ ક્યારેય આ શહેર ભૂલી શકાયું નથી અને તેની સાથે કોઈ અગમ્ય કારણસર જેસલમેરનો સતત પડછાયો રહે છે. દુનિયાના બે જુદા જુદા ખૂણે આવેલા, એક બીજાથી સંપૂર્ણપણે જુદી સંસ્કૃતિ, હવામાન, ખાન-પાન, રીત-રસમ, સ્થાપત્ય ધરાવતા શહેરોમાં સામ્યતા શું? પાણી અને પથ્થર - બાથ આખું પાણી-દાર શહેર છે, જયારે જેસલમેરમાં પાણી નહિ હોવાની યાદ વારંવાર આવે છે. જેસલમેરના પ્રખ્યાત પથ્થર જાણે સૂર્યના આકરા કિરણોમાં પાકીને સોનવર્ણ પીળા થયા છે. જયારે બાથની ભેજયુક્ત આબોહવા ઝીલીને અહીના પથ્થર સતત ભીનાશની અસર ધરાવતા આછા પીળા રંગના છે. આજ સામ્યતા  છે આ બંને શહેરોમાં  - પથ્થરોનો સુંદર ઉપયોગ અને પથ્થરમય કવિતા જેવા શહેરી સ્વરૂપો. જેસલમેરનું સ્થાપત્ય અને શણગારેલી જાળીઓ સૂર્યને ચાળણીની જેમ ચાળી નાખીને પરોક્ષ રીતે મકાનોમાં લઇ આવે છે. જયારે બાથમાં રોમન અસર તળે બંધાયેલા સ્થાપત્યમાં સૂર્યની એન્ટ્રી સીધી પડે છે, ખુલ્લા ચોક અને ચોગાનો દ્વારા. ઈંગ્લેન્ડના શહેરોમાં બાથ શહેર જેવી સુંદરતા ક્યાય જોવા મળતી નથી તો પછી રાજસ્થાનના સુંદર શહેરો વચ્ચે જેસલમેર અનન્ય છે. 
બાથનું ઐતિહાસિક મહત્વ એ છે કે બે હજાર વર્ષ પહેલા જયારે રોમનો બ્રિટીશ ટાપુઓ પર સામ્રાજ્ય ભોગવતા ત્યારે આ શહેરને ખાસ આનંદ-પ્રમોદ (અને નાહવા)ના સ્થળ તરીકે વિકસાવેલું. આખા ઇંગ્લેન્ડમાં એક માત્ર બાથમાં કુદરતી પાણીના ઝરા છે, જેનો ઉપયોગ રોમનોએ અદભુત રીતે કર્યો. આજે આપણને નવાઈ લાગે પણ રોમન કાળમાં નાહવું એ સામાજિક ઘટના હતી. અહી નાહવાની વ્યાખ્યામાં - મિત્રો સાથે મળવું, ગપ્પા-ગોષ્ઠી કરવી, ખાણી-પીણી કરવી અને સાથે સાથે વરાળ-સ્નાન, ઠંડા અને ગરમ પાણીમાં, ખાસ ખનીજરૂપી દવાઓ ધરાવતા પાણી વગેરેમાં સ્નાન કરવું - એમ બધું જ આવી જતું. એકંદરે રોમન બાથ તરીકે ઓળખાતા આ કેન્દ્રો તે બધા પ્રકારના મનોરંજન ધરાવતા સામાજિક-સંસ્કૃતિક કેન્દ્રો હતા. બહુ પ્રખ્યાત એસ્ટેરિક્સ ની કોમિક બૂક સીરીઝ રોમન સુવર્ણ કાળના ઇતિહાસનું સારી રીતે દસ્તાવેજીકરણ કરે છે. પુસ્તકમાં એસ્ટેરીક્સ અને તેનો ખાસ જાડિયો ભાઈબંધ ઓબેલિક્સ એક બાથની મુલાકાત રોમ શહેરમાં લે છે. વર્ણન પરથી તેમના વિષે અને તે સમયના ઈતિહાસ વિષે વધુ જાણી શકાશે. પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે રોમન બાથ તે શહેરી સંસ્કૃતિના મોભાદાર પ્રતિક હતા અને આજની કોઈ ક્લબને સમકક્ષ હતા. 
બાથ શહેરમાં ચાલવાલાયક અને માણવાલાયક ઘણા વિસ્તારો છે જ્યાં વાહનોને પ્રવેશ નથી. તે સિવાય આ શહેરમાં કઈને કઈ અવનવું થતું રહે છે. થોડા સમય પહેલા શહેરના એક-બે મોટા પ્લાઝામાં પિયાનો મૂકી રાખવામાં આવેલા. જેને મન થાય તે આવીને વગાડો. ન આવડે તો પણ વગાડો. ઘણી વાર જાણકાર વ્યક્તિઓ આવીને આંગળીને ટેરવે સંગીતની સરવાણીઓ રેલાવી જતા. આ આખો અભીક્રમ 'પ્લે મી, આઈ એમ યોર્સ' ના નામે ઓળખાય છે અને લ્યુક જેરમ નામના કલાકારના ભેજાની પેદાશ છે. બાથમાં રહેલા જાહેર સ્થળોમાં થતા અવનવા અખતરા માટે લાગે છે કે એક આખી નવી પોસ્ટ જ લખવી પડશે. 

પણ છેલ્લે, કાગડા બધે કાળા. કોને જાહેર જગ્યા પર આવા વિચારોને અમલમાં મુકીને પિશાચી મજા આવતી હશે? કોઈ બે ઘડી પોરો લેવા બેસે તો તમારા ....નું શું જવાનું હતું... 

જાહેર સ્થળોનો જેટલો ઉપયોગ થાય તે ઓછો. કોઈ પણ શહેરમાં ચાલવાલાયક કે માણવાલાયક જગ્યાઓ ન હોવી તે જ સૌથી મોટી ગરીબી છે. કોઈ એક શહેરના જાણીતા મેયરે કહેલું તેમ, જો કોઈ શહેરમાં ફરવાલાયક જગ્યાનું સ્થાન શોપિંગ મોલ લઇ લે તો સમજવું કે તે શહેર બીમાર છે.

Thursday, September 02, 2010

પાર્કિંગ - જન્મસિદ્ધ અધિકાર?


  • પાર્કિંગએ મારો જન્મસિદ્ધ અધિકાર છે.


  • તુમ મુઝે બીઝનેસ દો, મેં તુમ્હે પાર્કિંગ દુંગા.


  • મફતમાં પાર્કિંગએ માંગવાની વસ્તુ નથી, છીનવી લેવાની વાત છે.

  • સ્વતંત્રતાના અને સ્વાયતત્તાના વિચારનો સૌથી વધારે અમલ જો કોઈ સામાજિક પ્રવૃત્તિએ કર્યો હોય તો તે છે પાર્કિંગની પ્રવૃત્તિ. કેટલાક લોકો તો મફતમાં પાર્કિંગ કરી લેવાને કળાનો દરજ્જો આપતા હોય છે. પોળમા ખરીદી કરવા જતી વખતે પાર્કિંગ કરી આપવા વાળા માણસને ખાસ સાધવામાં આવે છે અને તે વ્યક્તિ કોઈનું કરી જવાનો હોય એ અદાથી પાર્કિંગ કરી આવે છે. પુ.લ.દેશપાંડેએ 'ભાત-ભાતકે લોગ' નામના પુસ્તકમાં જાત-જાતના લોકો વર્ણવ્યા છે, લગ્ન પાર ઉતારનારા, કોઈને કોઈ મંડળીના સભ્ય-મંત્રી તરીકે જીવન વિતાવનારા, સંગીત પ્રેમી, ચોખલીયા વગેરે વગેરે તેમાં 'પાર્કિંગ કરી આપનારો' વર્ગ ચોક્કસ શામેલ થઇ શકે.આ બ્લોગમાં ફરી એક વાર મરીઝના શેરનો 'દુરુપયોગ' કરીએ તો:
    નથી તારામાં કોઈ વિધી પાર્કિંગ,
    ગમે ત્યાં ગમે ત્યારે કર્યું પાર્કિંગ.
    ખુદા તારી ન્યામતનું શું પૂછવાનું,
    રસ્તાને ગલીઓમાં દીધું તે પાર્કિંગ.

    પાર્કિંગનો મુદ્દોએ લલિત-નિબંધો, હાસ્ય-લેખોથી લઈને સરકારી નીતિઓ સુધીમાં સતત અવગણના પામેલો મુદ્ધો છે. નવાઈની વાત તો એ છે કે પાર્કિંગ વિષય જ બહુ સંવેદનશીલ છે અને બહુ વિચિત્ર રીતે વ્યક્તિના ઈગો સાથે સંકળાયેલો છે. પાર્કિંગ ન કરવા દેવું તે અંગત આક્રમણ સમાન છે. અમદાવાદમાં પાર્કિંગના મુદ્દે સોસાઈટી કે રહેણાક વિસ્તારોમાં હિંસક ઘટનાઓ સુદ્ધાં બની છે. લોકો મફત પાર્કિંગ નહિ કરવા દે તેવા મોલમાં જવાનું જ બંધ કરી દે છે. કારમાં બેસીને ખાવું અને પાર્કિંગમાં બેસીને ખાવું તે હવે આપણી લોક-સંસ્કૃતિનો અનન્ય હિસ્સો છે. મને અમદાવાદમાં મ્યુનીસીપલ માર્કેટ જેવા એરિયાને જોઈને વારંવાર એવું થાય છે કે જો દુકાનોની વચ્ચોવચ હજારો વાહનોની જગ્યાએ ફુવારા સાથેની સરસ ખુલ્લી જગ્યા ન થઇ શકે? આ વાત માત્ર અમદાવાદ સુધી જ સીમિત નથી પણ બધા જ નાના-મોટા શહેરોમાં આવેલા ખાણી-પીણીના માર્કેટ કે ગામના ચોકમાં કોઈ જ ખર્ચ વગર કરી શકાય તેવી વાત છે. તમે કોઈ પણ જગ્યાએથી વાહનો હટાવો તો તરત જ તે જગ્યાએ નાના બાળકો રમતા દેખાશે.


    આગળની પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે આડેધડ કરાયેલા પાર્કિંગને કારણે જો સૌથી વધારે કોઈ પ્રવૃત્તિનો ભોગ લેવાતો હોય તો તે છે ચાલવાની પ્રવૃત્તિ. આપણે ત્યાં થોડી ઘણી બચેલી ફૂટપાથો પર પાર્કિંગના પાથરણાં હોય છે તેથી રાહદારીઓ રસ્તા પર ચાલે અને પાછળથી આવતા વાહનો તેમને સતત ડરાવે-ધમકાવે છે. તો હવે પાર્કિંગએ કેટલી જાહેર સમસ્યા છે અને કેટલી અંગત સમસ્યા છે? જેમ સરકાર કોઈ વ્યક્તિ તેના કપડાં, ફર્નીચર અને નાહ્યા પછી ટુવાલ ક્યાં મુકે છે તેની ચિંતા કરતી નથી તો પછી સરકારે કોઈ વ્યક્તિ પોતાનું અંગત વાહન ક્યાં મુકે તેની ચિંતા કેમ કરવી જોઈએ? બીજી રીતે જોઈએ તો તમે કોઈ તમારું ફર્નીચર રસ્તા પર મુકો છો. એમ કરવાથી તમે એક જાહેર જગ્યાને અંગત બનાવી નાખી. પાર્કિંગનું પણ એવું જ છે. જયારે તમે તમારું વાહન રસ્તા પર મુકો છો ત્યારે તમે તે બહુમુલ્ય જાહેર જગ્યાને અંગત બનાવી નાખી. આમ, આપણું અંગત પાર્કિંગ કે આપણા મકાનનું પાર્કિંગ તે સરકારની વહીવટી જવાબદારી નથી અને સમાજની સહિયારી જવાબદારી પણ નથી. આપણે વાહન ચલાવીને કે વાહન રાખીને કોઈના પર ઉપકાર નથી કરતા. પાર્કિંગએ વધુમાં વધુ વ્યક્તિગત કે બિલ્ડીંગના મેનેજમેન્ટની સમસ્યા છે. જો કે પાર્કિંગ શોધવું અને કરવું તે એક અંગત સમસ્યા છે અને રસ્તાના એક ભાગ પર કોઈનો પણ હંગામી ધોરણે પણ માલિકી હક નથી. હા, સરકાર પાર્કિંગ અંગેના નિયમો જરૂર બનાવી શકે, તેનું પાલન કરાવી શકે અને પાલન ન થાય તો દંડ કરી શકે પણ પાર્કિંગ ઉભું કરવું તે સરકારની મૂળભૂત ફરજ તો નથી જ.  સરકાર વધુમાં વધુ જાહેર સ્થળ પર પાર્કિંગના વ્યવસ્થાપન માટે સવલતો ઉભી કરી શકે અને તેની ફી પણ લઇ શકે.

    અમેરિકાના એક વિદ્વાન પ્રોફેસર ડોનાલ્ડ શુપનું એવું માનવું છે કે મફત પાર્કિંગ કરવાનું બહુ મોટું મૂલ્ય બાકીનો સમાજ ભોગવે છે. તેમના વિશે વધુ અહી. તેમની મૂળ દલીલ બહુ જાણીતી છે કે મફત આપેલી વસ્તુઓનો દુરુપયોગ થાય છે. મફત પાર્કિંગ હોય તો વાહન લઈને જવાનું મન વધારે થાય. વાહન ત્યાંને ત્યાં વધારે સમય માટે મૂકી રાખવાનું મન થાય. જેટલી વધુ છૂટ તેમ જ્યાં વધારે જગ્યામાં ઓછા વાહનો પાર્ક થાય. એકંદરે વાહનવાળા રાજા સાબિત થાય અને રસ્તે ચાલતા લોકો વધેલી-ઘટેલી જગ્યામાં ચલાવી લે કે પછી ફૂટપાથ મુકીને રસ્તા પર ચાલે. મફત પાર્કિંગના લીધે થતો બીજો મોટો પ્રશ્ન એ છે કે વધુ પાર્કિંગની જરૂરીયાત ધરાવતા બિલ્ડીંગ, મોલ, ટ્યુશન ક્લાસ વગેરે જાહેર રસ્તાનો ઉપયોગ તેમના 'અંગત' પાર્કિંગ માટે કરે છે અને તેમને નિયંત્રિત કરવાનો કરવાનો ઉપાય જાહેર રસ્તા પરના પાર્કિંગ પર પ્રાઈસ ટેગ લગાવવાનો જ રહે છે. ઘણા સંશોધનોએ એવું સાબિત કર્યું છે કે ખરેખર પાર્કિંગ પર પ્રાઈસ ટેગ લગાવવાથી બિન-જરૂરી પાર્કિંગ ગાયબ થઇ જાય છે અને ચાલવા માટે 'રસ્તાઓ' ખુલે છે.

    તેથી જ તો જો રસ્તા પર પાર્કિંગ કરવાના પૈસા આપવા પડે તો તેને જાહેર રસ્તાનો ઉપયોગ કરવાનું ભાડું ગણવું. સી.જી. રોડ પર છ ફૂટ બાય બાર ફૂટ (કાર) કે ત્રણ ફૂટ બાય છ ફૂટ(બાઈક)ની કમર્શિયલ જગ્યાનું એક દિવસનું અને અમુક કલાકનું ભાડું ગણી જુવો અને પછી પાર્કિંગના કેટલા પૈસા આપો છો તે જુવો તો એવું લાગશે કે આખો દિવસ રસ્તા પર વાહન મૂકી રાખવાની પ્રવૃત્તિ કરીને, ટ્રાફિક અને ચાલવાવાળાને મુશ્કેલી ઉભી કર્યા બાદ પણ પાર્કિંગ ચાર્જમાં મોટી સબસીડી મળે છે. સિંગાપુરના એક પ્રોફેસર પોલ બાર્ટરએ એશિયાના લગભગ ચૌદેક શહેરોના પાર્કિંગની સમસ્યાનો અભ્યાસ કરીને તેમના અનુભવો આ બ્લોગ પર મુક્યા છે. તેમની એક પોસ્ટ જણાવે છે કે ભારતના શહેરોમાં કોઈ જગ્યાનું કમર્શિયલ ભાડું અને પાર્કિંગની ફી વચ્ચે બહુ મોટો તફાવત છે જે દુનિયાના મોટો ભાગના શહેરોમાં નથી, તેથી જ આ શહેરોમાં પાર્કિંગ કંટ્રોલમાં છે. કમર્શિયલ એરિયામાં કરેલું મફત પાર્કિંગ તે પોતાના મકાનમાં પાર્કિંગની સુવિધા નહિ આપી શકેલા બિલ્ડરને છુપી મદદ કરે છે.

    એક એવી બહુ પ્રચલિત માન્યતા છે કે વધુ અને વધુ પાર્કિંગની સવલતો આપવાથી પાર્કિંગની સમસ્યાનો નિકાલ થશે. તેથી જ તો છાશવારે એવા સમાચારો છપાય છે કે મ્યુનીસીપલ કોર્પોરેશન બહુ-માળીય પાર્કિંગ કરોડો રૂપિયાના ખર્ચે બનાવશે. આમાં સામાન્ય બુદ્ધિ લગાવીએ તો એવો સવાલ જરૂર થાય કે જો હું રસ્તા પર મફત પાર્કિંગ કરી શકું તો પછી મકાનમાં પૈસા આપીને પાર્કિંગ કરવા શું કામ જાઉં? આવો ખોટો ખર્ચ શા માટે? એ મકાનો માટે કે જેમણે પોતે પાર્કિંગની વ્યવસ્થા નહિ કરી અને તે હવે જાહેર જગ્યાનો દુરુપયોગ કરે છે. પાર્કિંગએ સપ્લાય આપ-આપ કરવાનો નહિ પણ ડીમાન્ડ મેનેજ કરવાનો પ્રશ્ન છે. પાર્કિંગની સમસ્યા, સમસ્યા એટલા માટે છે કે કારણકે પાર્કિંગને જાહેર સેવાની તુલના આપવામાં આવે છે કમોડીટી કે લેતી-દેતીની ચીજની નહિ. પાર્કિંગ એક સવલત જરૂર છે પણ જન્મસિદ્ધ અધિકાર ક્યારેય નહિ. બદનસીબે, તળાવ કે લેક-ફ્રન્ટ એ જાહેર જગ્યા છે કમોડીટી નહિ પણ તેનો વેપલો થાય. તળાવ જોવા જવાના પૈસા લેવાય છે અને તે પણ મફતમાં પાર્કિંગ કર્યા પછી.