Friday, November 21, 2014

નગર ચરખો: પહેલા ગવર્નન્સ પછી સિવિક સેન્સ!


નિર્મલ ભારત કહો કે સ્વચ્છ ભારત અભિયાન, આપણી આસપાસને બે બાયોં ચઢાવીને સાફ કરવાની જરૂર તો છે. આપણાં દેશમાં ગંદકીની સમસ્યા બહુ વંઠી ગઈ છે, જાહેર જગ્યાઓએ તો ખાસ. વડા પ્રધાનથી માંડીને ફિલ્મ સ્ટાર, ક્રિકેટ સ્ટાર વગેરેએ હાથમાં ઝાડુ લઈને સફાઈઓ શરુ કરી, બહુ સારી વાત છે! એ વાતનો આનંદ છે કે પોતાનું આંગણું ચોખ્ખું રાખીને બહાર કચરો ફેંકતા દેશમાં સર્વત્ર સ્વચ્છતા રાખવાની દિશામાં કંઇક શરૂઆત થઇ. પણ કોઈકે સાચી સફાઈ કરી તો કોઈકે માત્ર ફોટા પડાવવા માટે. રાજકારણમાં પ્રતીકાત્મક ઉત્સવો, ફોટો-ઓપ (ફોટા પડાવવાની તકો) અને નવા-નવા અભિયાનોનું બહુ મહત્વ હોય છે. આવા ઉત્સવોનો ફાયદો એ છે કે નાગરિકોને એવો સંદેશ મળતો રહે છે કે સ્વચ્છતા રાખવી એ દરેક નાગરિકની ફરજ છે. 

મૂળભૂત સવાલ એ છે કે સરકારી રાહે નાગરિકોને તેમની ફરજનું ભાન કરાવ્યા બાદ સરકાર શહેર સાફ રાખવાની પોતાની ફરજ યાદ રાખે છે? ધારો કે કોઈ નાગરિક સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરાઈને કચરો નાખવા કચરાપેટી શોધે, તો જાહેર જગ્યા પર એ કચરાપેટી મૂકવાની જવાબદારી સરકારની હોય છે. કચરો ગમે ત્યાં ન ફેંકનાર જેટલી જ જવાબદારી કચરાપેટી મૂકનારની હોય છે. કચરાપેટી ન હોય તો કોઈને કચરો ગમે ત્યાં નાખવાનું મન થાય એટલે કચરાપેટીનું હોવું જરૂરી છે. આખા શહેરમાં કચરાપેટી મૂકવાની જવાબદારી એટલે કે શહેરમાં સ્વચ્છતા જાળવવાની જવાબદારી મ્યુનીસીપલ સરકાર કે શહેર સુધરાઈની હોય છે, આ કામ માટે તેમની પાસે મસમોટું તંત્ર હોય છે. શહેરોમાંથી હજાર મેટ્રિક ટન કચરો ઉપાડવાનો હોય છે. હવે આ તંત્ર તમારી આસપાસની જગ્યાઓ કેટલી ચોખ્ખી રાખે છે, તે તમે જ નક્કી કરો. 

આપણાં શહેરોમાં મોટાભાગના જાહેર રસ્તાઓ પર કચરા પેટીઓ કે જાહેર શૌચાલયો હોતા જ નથી. વળી, મહિલાઓ માટે શૌચાલયો બનાવવાનો કોઈ વિચાર કે વ્યવસ્થા હોતાં નથી. જો ક્યાંય કચરાપેટીઓ કે શૌચાલયો મૂકાઈ ગયા હોય તો સમયસર સાફ થતાં નથી, મેઇન્ટેનન્સની તો વાત જ ભૂલી જાઓ. જાહેર જગ્યાઓ અને રસ્તાઓમાં શૌચાલય કે કચરાપેટીઓની બનાવીને તેમને સારી રીતે ચલાવવાનું કામ સરકાર ખાનગી કંપનીઓ પાસે પણ કરાવી શકે છે, પણ આખરે આ વ્યવસ્થા તો સરકારે જ ઉભી કરાવી પડે. જાહેર રસ્તાઓ પર કચરાપેટીઓ અને શૌચાલયોની અવેજીમાં જાહેર રસ્તાઓ જ કચરા ટોપલી કે શૌચાલયો જેવા બની જાય છે અને તે ચાલવાલાયક કે માણવાલાયક રહેતા નથી. 

કોઈ પણ જાહેર સુવિધાની વાત કરવાની ચાલુ કરો ત્યારે સરકાર સાથે જોડાયેલા જનતાના પ્રતિનિધિ - નેતાઓ કે જનતાના સેવક - અધિકારીઓ વારંવાર એક વાત લઇ આવે છે કે આપણી પબ્લિકમાં કોઈ સેન્સ જ નથી એટલે કે સિવિક સેન્સ જ નથી. લોકો કોઈ જાહેર વસ્તુ કે સુવિધાની જાળવણી કરી શકતા નથી. ચાલો, માન્યું કે નાગરીકો તેમની ફરજ ચૂકી જતાં હશે, પણ સરકારની પોતાની જવાબદારીનું શું? તમે તમારા ઘરની બહાર નીકળીને અડધો કિલોમીટર ચાલો તો તમને કેટલી કચરાપેટીઓ રસ્તામાં મળે. કચરાપેટી તો દૂરની વાત છે પણ (જો રસ્તા નિયમિત સાફ થતાં હશે તો) રસ્તાના ખૂણે કચરાનો ઢગલો જરૂર મળશે જેને યોગ્ય વ્યવસ્થાના અભાવે સળગાવી મૂકીને હવામાં પ્રદુષણ ફેલાવવામાં આવતું હશે. 

શહેરમાં ઉદ્ભવતા ઘન કચરાના નિકાલમાં પ્રાથમિક મ્યુનીસીપલ ગવર્નન્સ કે વહીવટમાં સક્ષમતામાં પ્રશ્નો હોય ત્યાં સુધી નાગરિકોને સ્વચ્છતાના પાઠ ભણાવવાનો શો મતલબ છે? તકલીફ એ છે કે સરકાર શહેર સ્વચ્છ રાખવાની નાગરિકોની ફરજ ગણાવ્યા કરે છે ને નાગરીકો સ્વચ્છતાનો હક માંગે તો ગલ્લાંતલ્લાં કરે છે. પહેલા તો શહેરોમાં સફાઈની વ્યવસ્થા વધુ મજબૂત થવી જોઈએ, આ વ્યવસ્થા ઉભી કરવા માટે પૂરતું બજેટ ફાળવવું જોઈએ. સફાઈની વ્યવસ્થા કરનાર સ્ટાફને માન-સન્માન સાથે વ્યવસ્થિત મહેનતાણું મળે અને સારું કામ કરવા માટે પ્રોત્સાહન મળવું જોઈએ. લોકોમાં સિવિક સેન્સ નથી તેવાં બહાનાં સફાઈની મજબૂત વ્યવસ્થા એટલે કે ગુડ ગવર્નન્સ ગોઠવાયા પછી કાઢવામાં આવે તો તેનો કંઇક મતલબ છે. નહિ તો પછી સ્વચ્છ ભારત અભિયાનની ઉદાત્ત ભાવનાથી પ્રેરાયેલો નાગરિક કચરો એકઠો કરીને ઉભો રહેશે પણ કચરો નાખવા માટે કચરાપેટી તેને ક્યાંય નહિ જડે. 

નવગુજરાત સમય, પાન નં 9, 9 નવેમ્બર (રવિવાર) 2014. 

Governance first and then civic sense! 

After reminding citizens about their duties, does the city government take their duty of keeping the city clean seriously? When a citizen inspired by the clean India campaign look for a dustbin to throw garbage, it is the job of the city government to make sure that the dustbin is in its place. When a dustbin is in place, it is more effective to tell the citizen to use it. If it is not there then the government is not doing its job but expects the citizen to perform all the civic duties. Here, the 'dustbin' is just a symbol of the solid waste management system of the city. 

In most of our cities, the solid waste management is in shambles, especially in the public spaces. The streets are not cleaned regularly. When they are cleaned, the garbage is burnt openly in one corner (as in Ahmedabad). The public toilets (for men) - when built - are not maintained properly. There are hardly any public toilets for women. If the city government can manage 'private' garbage (door-to-door collection), what is stopping them from managing our public places - streets. 

The babus and the netas often complain that our citizens don't have any 'civic sense'. How can you expect any 'civic sense' before putting good governance in practice? Why is this expectation from the citizens to keep performing their duties, while the government agencies don't take their duties seriously. It is time the citizens should ask cleanliness as their 'right' when the government expects it as their 'duty'.

નગર ચરખો: જમશેદપુર - ભારતનું પહેલું 'પ્રાઈવેટ' શહેર!


ભારતના શહેરોનું વર્ગીકરણ કરીએ તો તેમાં જમશેદપુરનું વિશિષ્ટ સ્થાન છે. વીસમી સદીની શરૂઆતમાં મુંબઈ, કોલકતા, ચેન્નાઈ જેવા શહેરો બ્રિટીશરાજમાં ધમધમતા બંદરો હતાં. પુણે, કાનપુર, આગ્રા, બરેલી, મેરઠ, મથુરા, વારાણસી, દહેરાદૂન વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવા ઉપરાંત અંગ્રેજો માટે મહત્વના લશ્કરી થાણા (cantonment) હતાં. તે સિવાય, અંગ્રેજોએ શિમલા, મનાલી, ઉટી, દાર્જીલિંગ, ડેલહાઉસી જેવા પર્યટક સ્થળોનો વિકાસ ખાસ તો વેકેશન  માણવા માટે કર્યો. બ્રિટીશરાજને ભારતમાં ઔદ્યોગીકરણ કરવામાં બહુ રસ નહિ હતો પણ તેમને ભારતમાંથી કાચા માલ-સામાનમાં જરૂર રસ હતો. ત્યારે ભારતના મૂડીપતિઓ પોતપોતાની રીતે બ્રિટીશ સરકારની બિન-ઔદ્યોગીકરણની નીતિઓ સામે સામ અને દામથી લડીને પોતપોતાની રીતે નાના-મોટા ઔદ્યોગિક એકમો સ્થાપી રહેલા. તેમાં અગ્રક્રમે આવતા જમશેદજી તાતાએ વર્ષ ૧૯૦૮માં તાતાની સ્ટીલ ફેક્ટરીની સાથે સાથે 'તાતાનગર' નામના શહેરનો પાયો નાખ્યો, જેને પાછળથી જમશેદપુરના નામે ઓળખવામાં આવે છે. આ ખરા અર્થમાં ભારતનું પહેલું ઔદ્યોગિક શહેર હતું.

તાતાનગર માટે સુબર્ણરેખા અને ખારકાઈ નામની બે નદીના પટની વચ્ચેનો, સંથાલ આદિવાસીઓનું પ્રભુત્વ ધરાવતા ગાઢ જંગલમાં, લગભગ સો ચોરસ કી.મી.નો વિસ્તાર પસંદ કરવામાં આવ્યો હતો. આ પહેલા ભારતના શહેરો ક્યારેક કોઈ સાંસ્કૃતિક-ધાર્મિક સિદ્ધાંતોમાં દર્શાવ્યા પ્રમાણે બન્યા તો પછી ક્યારેક રાજ્યશાસકોની સત્તાના પ્રતિક રૂપે કે પછી કોઈના ધન-વૈભવના દેખાડાના અખાડા તરીકે આકાર પામ્યા હતા. જમશેદપુર જ એક એવું શહેર છે કે જેની મધ્યમાં ધાર્મિક ઈમારતો કે કોઈનો મહેલ નથી પણ એક ફેક્ટરી છે. શહેરના રસ્તાઓ પર ફરતા આ શહેરની ઔદ્યોગીકતા મોટા-મોટા ભૂંગળા, લાઈટો, લોખંડી માળખાઓ સ્વરૂપે ડોકાઈ જાય છે. તેથી શાસ્ત્રીય અર્થમાં જમશેદપુર 'આધુનિક' શહેર છે કે જે આર્થિક તંત્ર પર ચાલે છે, અહી લોકો નાત-જાત પ્રમાણે નહિ પણ કંપનીએ ફાળવેલા મકાનોમાં રહે છે, સામાજિક મેળાવડાઓ નાત-વાડી કે મંદિર-મસ્જીદમાં નહિ પણ 'ક્લબ' વગેરેમાં મળે છે.

જમશેદજીએ માત્ર એક ફેક્ટરીની પાસે ટાઉનશીપ નહોતી બનાવવી. તેમને શહેર વસાવવું હતું. જમશેદપુરમાં આજે ઘણા બાગ-બગીચા, ઝૂ, મ્યુઝીયમ, ખ્યાતનામ હોસ્પિટલ અને બીજા દવાખાના, એરપોર્ટ, શાળાઓ, રમત-ગમતના વિશાલ સંકુલો - ક્રિકેટ, ફૂટબોલ, સ્વીમીંગ, એથલેટીક્સ અને હોકી માટે તો અંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડીયમ છે. એક કંપની તરીકે તાતા ગ્રુપને આમાંથી અમુક મૂળભૂત સુવિધાઓ સિવાય કશું જ કરવાની જરૂર નહતી. છતાં પણ તેમને એક આદર્શ શહેર વસાવવાની દ્રષ્ટિથી આ સુવિધાઓ ઉભી કરી હતી. તેના પરિણામે તેમને મોટા શહેરોમાંથી સારી પ્રતિભા કે જાણકારોને આ કહેવાતા પછાત વિસ્તારમાં લઇ આવવામાં ઓછી મહેનત પડી હશે.

જમશેદપુર પાસેથી બે બાબતો દરેક શહેરે શીખવા જેવી છે. એક, શહેરની મ્યુનીસીપલ સેવાઓનું પ્રોફેશનલ મેનેજમેન્ટ. જમશેદપુરના મૂળ વિસ્તારનું વ્યવસ્થાપન 'જુસકો (જમશેદપુર યુટીલીટીઝ એન્ડ સર્વિસીસ કંપની)' નામની ખાનગી કંપની કરે છે. 'જુસકો' સંચાલિત વિસ્તારમાં પાણી, ગટર, રસ્તા, લાઈટો વગરેની તકલીફ લગભગ નહિવત છે અને કંઇક ખોટકાય તો તેની ફરિયાદ ગંભીરતાથી લેવામાં આવે છે. 'જુસકો'ના વિસ્તારની બહારની વસાહતોનું વ્યવસ્થાપન આદિત્યપુર, જુગસલાઈ, માંગો જેવી વિવિધ નગર પંચાયતો કે નગરપાલિકા કરે છે. અહી બધું અસ્ત-વ્યસ્ત છે, પ્રાથમિક સુવિધાઓ નથી, કોઈ આયોજન નથી, નગર પંચાયતો પાસે પૈસા નથી. ટૂંકમાં, પાણી ભરવા માટે આ લોકોએ 'જુસકો'ના વિસ્તારમાં જવું પડે તેવી પરિસ્થિતિ છે. શું દરેક શહેર મ્યુનીસીપલ સેવા માટે જમશેદપુર પાસેથી પ્રોફેશનલ મેનેજમેન્ટ ન શીખી શકે?

બીજું કે, જમશેદપુરમાં 'વિવિધતામાં એકતા' કે 'સર્વધર્મ સમભાવ' કે 'બિનસાંપ્રદાયિકતા' જેવા વિચારો ખરા અર્થમાં જીવે છે. જમશેદપુર મુખ્ય શહેરમાં મોટા થતા બાળકો બહુ જ પચરંગી (કે કોસ્મોપોલીટન) સંસ્કૃતિમાં ઉછેરાય છે. સ્કૂલમાં એક ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓમાં પંજાબી, ગુજરાતી, બંગાળી, તમિલ, મરાઠી વગેરેનું પ્રતિનિધિત્વ હોવું તે સામાન્ય બાબત છે. આજુબાજુમાં બધા જ જાતના ઉત્સવો ઉજવાતા હોય, જાત-ભાતના ગીત-સંગીત, પુસ્તકો, ફિલ્મો હોય તો યુવા પેઢીને દુનિયાની વિશાળતા બહુ આસાનીથી સમજાય અને દેશના કોઈ પણ ભાગમાં તેઓ આસાનીથી ગોઠવાઈ જાય. 'વિવિધતામાં એકતા' જેવા સૂત્રો આઝાદ ભારતમાં અમલમાં આવે તેના ચાલીસેક વર્ષ પહેલાંથી જમશેદપુર તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે. 

આપણાં દરેક શહેરોમાં વિવિધ સંસ્કૃતિઓનું વધુને વધુ મિશ્રણ થાય અને મ્યુનીસીપલ સેવાઓ વધુ પ્રોફેશનલ બને તેવી નવા વર્ષની શુભેચ્છાઓ! 

નવગુજરાત સમય, પાન નં 9, 2 નવેમ્બર (રવિવાર) 2014. 

Jamshedpur (estd.1908) is India's first industrial-modern city, where instead of a temple/mosque/church or some palaces, an industrial plant marked the centre of the city. In spite of being a 'private' city, the public functions like gardens, zoo, lake front, sports complexes, market places and green streets are given prominence. Today, we can surely learn two things from Jamshepdur - one, the professional management of urban services and two, putting in practice 'unity in diversity' a few decades before the Independence. People from various regional and religious backgrounds (surely not the income classes) lived together - something that is un-thinkable in many existing cities - getting exposed to other cultures, festivals, literature, music and ways of living. The Jamshedpurians fit in any part of India much easily, they don't need to create their own ghettos.

નગર ચરખો: સી નો ઇવિલ - બ્રિસ્ટલમાં એક લટાર!





ઇંગ્લેન્ડના દક્ષીણ-પશ્ચિમી વિસ્તારમાં આવેલું બ્રિસ્ટલ એક અનોખું શહેર છે. 'બ્રિસ્ટલ' નામએ શહેર કરતાં વધુ જાણીતું છે. યુ.એસ-કેનેડામાં મળીને બ્રિસ્ટલ નામ સાથે સંકળાયેલી ત્રીસ-પાંત્રીસ જગ્યાઓ છે. બ્રિસ્ટલ શહેર સિવાય 'બ્રિસ્ટલ' નામ હોટેલ, કાર, સિગારેટ કે તમાકુ વગેરે સાથે જોડાતું રહ્યું છે. જેનું કારણ આ શહેરનો બંદર તરીકેનો ઈતિહાસ અને અહીંના જાણીતા ઉદ્યોગ કેન્દ્રો છે. ભારતમાં જાણીતી 'બ્રિસ્ટોલ' નામની સિગારેટ બ્રાન્ડનું નામ પડવાનું કારણ અહીનો તમાકુનો વેપાર હોઈ શકે. 'વિલ્સ' કંપનીની સ્થાપના બ્રિસ્ટલમાં થઇ હતી. તેના મુખ્ય મથક સમું મકાન આજે 'ટોબેકો ફેક્ટરી'ના નામે ઓળખાય છે અને તેના નવીનીકરણ બાદ ત્યાં એક સંસ્કૃતિક કેન્દ્ર છે, જેમાં થીયેટર, રેસ્ટોરેન્ટ, માર્કેટ વગેરે આવેલા છે. તે સિવાય, બ્રિસ્ટલમાં લક્ઝરી કાર બનતી અને વિમાન બનાવવાની ફેક્ટરી છે.  

બ્રિસ્ટલ પંદરમી સદીમાં પ્રખ્યાત બંદર હતું. જે એવોન નદીના સમુદ્રમુખે ભૌગોલિક રીતે જોડાયેલું છે. એવોન નામ પણ પ્રખ્યાત છે. ઈંગ્લેન્ડમાં જ આ નામની મૂંઝવણ પેદા કરે તેટલી નદીઓ છે, જેમકે શેકસપિયરના જન્મસ્થળનું નામ 'સ્ટ્રેટફર્ડ-અપોન-એવોન' (એટલે કે એવોન પર આવેલું સ્ટ્રેટફર્ડ) છે, પણ તે એવોન નદી બ્રિસ્ટલની એવોન કરતા જુદી છે. સત્તરમી સદીના સુરત અને પંદરમી સદીના બ્રિસ્ટલમાં ઘણી સામ્યતાઓ હતી અને સમુદ્રમુખે હોવાની એક સરખી ભૌગોલિક સ્થિતિ પણ. ઔદ્યોગિક ક્રાંતિના પહેલાના સમયમાં બ્રિસ્ટલએ ઇંગ્લેન્ડનું લંડન પછીના મોટા શહેરોમાં ગણાતું હતું. તેના ભૌગોલિક સ્થાનને લીધે ઇંગ્લેન્ડ-અમેરિકી સંસ્થાનો અને આફ્રિકી સંસ્થાનો વચ્ચે થતાં ત્રિકોણીય વ્યાપાર, ગુલામોની ખેપો વગેરે બ્રિસ્ટલથી થતી. ઔદ્યોગિક ક્રાંતિ પછી લીવરપુલ, બર્મિંગહામ અને માન્ચેસ્ટરનો વિકાસ ઝડપી થયો, પણ ગુલામીની પ્રથા બંધ થવાથી અને બ્રિસ્ટલ બંદરનો વ્યાપાર ઓછો થવાથી બ્રિસ્ટલનો આર્થીક વિકાસ તે શહેરોની સરખામણીમાં ઓછો થયો. જો કે બ્રિસ્ટલનું મહત્વ ઈંગ્લેન્ડના દક્ષીણ-પશ્ચિમ વિસ્તારના વેપાર, કળા-સંસ્કૃતિ, રોજગાર, શિક્ષણના કેન્દ્ર તરીકે યથાવત રહ્યું છે.

કોઈપણ શહેરને તેમાં મળતા પિક્ચર પોસ્ટકાર્ડ પ્રમાણે તો નિરૂપી જ શકાય કે જેમાં શહેરના જાણીતા લેન્ડમાર્ક હોય, ગ્લાસ કે મેટલના ચમકારાવાળા મકાનો હોય. આવા ચિત્તાકર્ષક, મોહક અને સુપાચ્ય શહેરની પોસ્ટકાર્ડ આવૃત્તિ સિવાયનું એક શહેર હોય છે, જીવતું-જાગતું-ધબકતું, શહેરના પેટાળમાં આવેલું શહેર, છુપાયેલું છતાં છતું અને થોડું શોધવાથી જડી જતું શહેર. બ્રિસ્ટલની ભૂગર્ભ કે સમાંતર સંસ્કૃતિ, સ્ટ્રીટ આર્ટ, સ્વયંફૂર્ત ઘટનાઓ ખૂબ રસ પડે તેવી હોય છે. પશ્ચિમી સભ્યતાની ઔપચારિકતા, આયોજનબધ્ધતા, વ્યવસ્થાપન સામે તે તુલનાભેદ તો પૂરો પડે જ છે પણ સાથે સાથે પેલી ઔપચારિકતાઓ અને સમાજની રૂઢિચુસ્તતા સામે બંડ પોકારીને પડકાર ઉભો કરે છે. બ્રિસ્ટલમાં લટાર મારતા તેની સમાંતર સંસ્કૃતિ અને સ્ટ્રીટ આર્ટ મળી આવે છે. 

બ્રિસ્ટલમાં શહેરની મધ્યમાં નેલ્સન સ્ટ્રીટ નામની એક અંધારી, કાળા-ભૂખરાં મકાન ધરાવતી, બોરિંગ જગ્યા હતી. આજે આ જગ્યા વિશ્વનું સૌથી મોટું, ઓપન ફોર ઓલ, કળા પ્રદર્શન છે. દુનિયાભરના 45 કલાકારોએ અહીંની દસ-પંદર ગગનચુંબી ઈમારતોના દેખાવની કાયાપલટ કરી દીધી છે. પાછું આ અદભૂત પ્રોજેક્ટનું નામ અહીંના મુખ્ય કલાકાર ઇન્કીએ ગાંધીજીને ગમે તેવું આપ્યું છે - સી નો ઇવિલ. બુરું જોશો નહિ - સારું જુવો, સમજો, આત્મસાત કરો. કળા લોકો માટે, લોકોની આંખો સામે, હાલતાં-ચાલતાં, સંવાદ કરે તેવી હોવી જોઈએ. ચિત્રકલાને સમજવા આંખો કેળવો. સમાજમાં જેટલી જરૂર સાક્ષરતાની છે તેટલી જ જરૂર વિઝુઅલ સાક્ષરતાની હોય છે. 'સી નો ઇવિલ' શહેરની વચ્ચે કોઈ ઔપચારિકતાઓ વગર આવી આંખ-કેળવણી માટે તક પૂરી પાડે છે. 

'સી નો ઇવિલ'ની સાથે સાથે શહેરના સંગીતકારોએ નવો જ ઉત્સવ શરૂ કર્યો - હિયર નો ઇવિલ. બુરું સાંભળશો નહી. સારું સંગીત સાંભળો અને તે માટે કાન કેળવો. ઈંગ્લેન્ડના શહેરોમાં એક બીજો અનેરો અનુભવ છે, સ્ટ્રીટ મ્યુઝીક. રસ્તે ચાલતા આવા સ્થાનિક સંગીતકારો મળી આવે જે વાતાવરણને સુરાવલીઓથી ભરી દે છે. મેં ક્યારેય કોઈના સંગીતમાં 'માંગવાનો' સૂર નથી જોયો પણ 'ખુશ કરવાનો' સૂર હમેશા જોયો છે. સંગીતએ અર્બન આર્ટનું બીજું મહત્વપૂર્ણ પાસું છે. કોણ કહે છે કે યુરોપમાં વાઈબ્રન્ટ સ્ટ્રીટ કલ્ચર નથી, બ્રિસ્ટલ સ્ટ્રીટ આર્ટ અને કલ્ચરની યુરોપીય રાજધાની છે! 

નવગુજરાત સમય, પાન નં 9, 19 ઓક્ટોબર (રવિવાર) 2014.