Friday, May 09, 2014

નગર ચરખો - ટ્રાફિકનાં નિયમો – પાળવા સહેલાં કે તોડવા?

ફોટો: સીટી ફિક્સ, એમ્બાર્ક
આપણાં શહેરી રસ્તાઓ પર માઈક્રો કક્ષાના દંગલો રચાતા હોય છેજેમાં જે તે જગ્યા એ વહેલા અને પહેલા પહોંચવા માટે સ્પર્ધા ચાલતી હોય છે.  મહત્વની વાત એ છે કે આપણાં રસ્તાઓ પર 'કોણ પહેલા જશેકોણ પછી જશેતેનું સતત અશાબ્દિક રીતે કમ્યુનીકેશન  ચાલ્યા જ કરતુ હોય છેઆ પ્રકારની સભાનતા અને ધીમી ગતિનો ટ્રાફિક સલામતીની દ્રષ્ટિએ જરૂરી હોય છે. ધીમો એટલે વીસથી ચાલીસ કિમી પ્રતિ કલાક. જો આ જ ઝડપે જવાનું હોય અને દરેક ચાર-રસ્તા પર થોડી રાહ જોવાની હોય તો પછી ટ્રાફિક વિષે આટલો બધો અજંપો શા માટે 

હકીકત તો એ છે કે આ ધીમા ટ્રાફિકમાં પોતાની મનપસંદ ઝડપે નહિ જઈ શકનાર દરેક વાહનચાલક પોતાની જાતને 'વિકટીમસમજતો હોય છે - રસ્તા પર પોતાને થતા સતત 'અન્યાય'નો ભોગ સમજતો હોય છે. તેણે પોતાની બુલેટએસયુવીચકચકિત કારચમકીલું બાઈક રસ્તા પર રાજ કરવા વસાવ્યું હોય છે અને આ 'ટ્રાફિકતેને પૂરતી જગ્યા ન આપેમન ફાવે તેવી ઝડપથી જવા ન દે એ કેટલો મોટો 'અન્યાય'કહેવાય. અને આ અન્યાયને ખાળવા નિયમો તોડવા પડે તો તોડવા પડે. નિયમો તોડીએ તો જ અન્યાયનો પ્રતિકાર કરી શકાય તેવું તો હિન્દી ફિલ્મોએ સમાજને ઠોકી-ઠોકીને શીખવાડી દીધું છે. તકલીફ એ છે કે વાહન ચાલકને બીજાએ તોડેલા નિયમો જ દેખાય છે અને પોતે કરેલું ખોટી રીતનું વાહનચાલન 'બીજાના તોડેલા નિયમોઅને 'ટ્રાફિકમાં પોતાને થતા અન્યાય'ની સામે વ્યાજબી લાગે છે.

ટ્રાફિકનાં નિયમો તોડવા તે માત્ર જાહેર 'શિસ્ત'નો પ્રશ્ન નથી. અહીં ટ્રાફિકના નિયમ સતત તોડનારા ભારતીયો તેમના આ જ જનમમાં વિદેશમાં જઈને બહુ જ 'શિસ્તબદ્ધથઇ જાય છે! પણ શિષ્ટતાના ઈન્જેકશનો આપી શકતા નથી અને આપીએ તો પણ એ રોગનું ખોટું નિદાન થશે. ઘણા ઉત્સાહી વડીલો એમ કહે છે એ બાળકોને નાનપણથી શીખવવું જોઈએ અને તેનાથી કંઈક ફરક પડશે તે પણ શક્ય નથી. બાળકો સામાજિક વલણો જેટલા તેમનાં વડીલો પાસેથી શીખે છે તેટલાં પુસ્તકિયા જ્ઞાનમાંથી શીખતા નથી. મૂળ પ્રશ્ન ટ્રાફિકના નિયમોમાં રહેલી ગંભીર ક્ષતિઓનો છેઆપણાં રસ્તાની માળખાકીય સુવિધાનો છેટ્રાફિક નિયમનના તંત્રનો છેલાઇસન્સ આપવાના તંત્રનો છે. સંસ્કૃતિ-શિસ્ત એ બધી વાતો આ બધા માળખાકીય, મૂળભૂત સુધારા કર્યા પછી આવે.

ટ્રાફિક નિયમન અને ટ્રાફિક પોલીસને ગંભીરતાથી લેવાના ઘણા પાયાના પ્રશ્નો છે. ખરેખર તો ટ્રાફિક નિયમન માટે પોલીસનો અલાયદો સ્ટાફ હોવો જોઈએ કે જે વાહનચાલકોની માનસિકતા સમજીને ક્યારેક હળવાશથી તો ક્યારેક કડકાઈથી કામ લઇ શકે. ટ્રાફિક પોલીસ તરીકે સેવા આપવી તેને પોલીસ કર્મચારીના કેરિયરમાં ઘણીવાર  પનીશમેન્ટ તરીકે લેવામાં આવે છે. એક તો પોતાને 'અન્યાયછે તેવો ડંખ રાખતા વાહનચાલકો અને તેમના નિયમન માટે જરા જુદા પ્રકારનો ડંખ રાખનાર કાયદાનું અમલીકરણ કરાવનાર - તો પછી કોઈનું પણ વર્તન કેવી રીતે શિસ્તબદ્ધ થાય? ટ્રાફિકનો નિયમ ભંગ એ નાનકડો સામાજિક ગુનો છે, તેને માટે ગંભીર ગુનાઓ સાથે પનારો પાડનાર પોલીસની જરૂર નથી. આપણે ત્યાં ‘ટ્રાફિક મિત્ર’ની જરૂર છે, ‘ટ્રાફિક પોલીસ’ની નહિ.


નિયમો તોડવામાં જોખમ ઓછું હોય અને તેમાં લાભ વધુ હોય તો નિયમો તૂટે જ. તેને શિષ્ટતા કે સંસ્કૃતિના નામે બચાવી શકાતા નથી. જયારે નિયમો સામુહિક રીતે અને સાહજિકતાથી તોડાતાં હોય તો પછી તે નિયમોનો વાંક પણ કાઢવો જોઈએ. ભારતીય શહેરોના આંતરરાષ્ટ્રીય સરખામણીમાં ધીમા અને પરસ્પર અશાબ્દિક કમ્યુનીકેશનથી ચાલતા ટ્રાફિક માટે યંત્રવત શિસ્તથી ચાલતા વિદેશી ટ્રાફિકના નિયમો ન જ ચાલે ને. વાંકા નિયમો ન પળાતાં હોય તો એ નિયમો સામે સમજ-શક્તિઓએ કરેલું અસહકાર આંદોલન છે. રેશનલ, લોજીકલ નિયમો લોકો આપોઆપ પાળતાં થઇ જાય છે. સ્વયં-શિસ્ત એ શિસ્તનો શ્રેષ્ઠ પ્રકાર છે, કાયદાથી ડરતી શિસ્ત લાંબા ગાળા માટે ચાલતી નથી.

નવગુજરાત સમય, પાન નં 11, 2 મે, 2014.

નગર ચરખો - વાહન ચલાવતાં હોર્ન મારવું જરૂરી હોય છે?

ફોટો: સીટી ફિક્સ, એમ્બાર્ક 
હોર્ન મારવાની બાબતે ઘણાં સ્વભાવે અહિંસક અને બીજાને નડતરરૂપ ન થનારાં લોકો અચાનક હિંસક અને ઉગ્ર બની જાય છે. વાહન ચલાવતી વખતે હોર્ન મારવું તે પોતાનો અબાધિત અધિકાર છે તેવું લગભગ બધા વાહનચાલકો માને છે. પછી એવો દાવો કરવામાં આવે છે કે હું હોર્ન મારું છું તે તો તમારી સલામતી માટે છે. ખરેખર બીજા કોઈને બચાવવા કે અકસ્માત થતો બચાવવા મારવામાં આવતા સાચેસાચા હોર્નનું પ્રમાણ દરરોજ સંભળાતા હોર્નના આપણાં શહેરી ઘોંઘાટમાં કેટલું હશેકદાચ એક ટકા થી પણ ઓછું. એટલે કે તમે અને હું નવ્વાણું ટકા ખોટેખોટા હોર્ન મારીને વ્યર્થ ઘોંઘાટ કરીએ છીએશું ખરેખર આવું હોય છે અને શું ભારતીય રસ્તાઓ ઉપર હોર્ન માર્યા વગર વાહન ચલાવી શકાય છેઆ બાબતે નવી રીતે વિચાર કરવાની જરૂર છે અને થોડું આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. 

વાહન-ચાલન એ બહુ જ તાણદાયક પ્રવૃત્તિ છેજેનો ઘણા લોકોને ખ્યાલ નથી આવતો. આ તાણદાયક પ્રવૃત્તિની અકળામણ આખરે હોર્ન મારીને કાઢવામાં આવે છે. સારું છે કે દરેક વાહન સાથે બંદૂક જોડાયેલી હોતી નથી. માત્ર વાહન ચાલકોને પોતે ઝડપથી જઈ શકે તેની જગ્યા મળી તેવા અતિ-આગ્રહ માટે હોર્ન મારવામાં આવે છે. ચાલકો હોર્ન મારીને પોતાની અસલામતી અને અજંપો બતાવે છે કે મારે ઝડપથી જવું છેમને જલ્દી જવા દો કે મને અથડાઈ ન જતાંમારી સવારી આવી રહી છેમને બને તેટલી મોટી જગ્યા આપો. મજાની વાત એ છે કે બધા હોર્ન મારીને આ એક જ કહેવા માંગે છે કે મને બને એટલી ઝડપથી જવા દો. જયારે બધાનો એક જ સૂર હોય ત્યારે હોર્ન મારો કે ન મારો તેનો શું ફરક પડે છે! હોર્ન મારવાથી રાહદારીઓનેપોતાના કરતા નાના વાહનોને ડરાવી જરૂર શકાય છે. પણ તેમને રસ્તામાંથી દૂર કરી શકાતાં નથી. વળીહોર્ન મારવાથી રાહદારીઓને કે પોતાનાથી નાના વાહનોને સલામતીની કોઈ ગેરંટી મળતી નથી.

મેટ્રો શહેરોને બાદ કરો તો ભારતીય શહેરોમાં સરેરાશ એક તરફની શહેરી મુસાફરીમાં વાહનચાલકો દસથી પંદર મિનીટનો સમય પસાર કરતાં હશે. પાલનપુરથી પોરબંદર જેવા અસંખ્ય ગામો-શહેરોમાં તો સરેરાશ સમય દસ મિનીટથી પણ ઓછો હશે. આ દસ-પંદર મિનીટમાં હોર્ન માર્યા વગર વાહન ન ચલાવી શકાય? હોર્ન ન મારવું હોય તો એક સજ્જડ માનસિક તૈયારી કરાવી પડે છે. વાહન ચલાવતી વખતે થોડી ધીરજ રાખવી પડેકોઈકને આગળ જવા દેવા પડે અને કોઈકની પાછળ જવું પડે. પણ દસ મિનીટ સુધી હોર્ન ન મારવું અશક્ય નથી. ધીમે ધીમે ટેવ પડતી જાય છે. મજાની વાત એ છે કે તમારી નિયમિત મુસાફરીના સમયમાં હોર્ન ન મારવાથી કશો જ ફરક પડતો નથી. ઉલટાનું હોર્ન ન મારવાની માનસિક તૈયારી કરેલી હોય તો મગજ શાંત રહે છે. હોર્ન ન મારવાના લીધે આપણે ટ્રાફિકમાં ફસાઈ ગયા એવું મહિનામાં એક વાર પણ બનતું નથી. ટ્રાફિકમાં ફસાવાનું હોય તો તે હોર્ન મારવા છતાં પણ ફસાઈએ છીએ અને ટ્રાફિકમાંથી છૂટવાનું હોય તો તે હોર્ન મારીએ કે ન મારીએ તે છૂટી જ જવાય છે.

આપણને હોર્ન મારવાની એટલી ખરાબ આદત પડી હોય છે કે હાથ મગજની પરમીશનની રાહ જોયા વગર જ ચાંપ દબાઈ જાય છે.  હોર્ન મારવા માટે ૯૯ ટકા વખત વ્યાજબી કારણ ન હોય તો હોર્ન મારવું તે ખરાબ ટેવ છેમાનસિક રોગ છેકેટલાક દેશોમાં તો તેને સામાજિક અશિષ્ટતાનું પ્રતિક પણ ગણવામાં આવે છે. હોર્ન ન મારવાની સભાનતા કેળવ્યા બાદ તમારી ટ્રાફિક અંગેની દ્રષ્ટિ કે અપેક્ષા અને વાહનચાલનનો અનુભવ જ બદલાઈ જશે. હોર્ન ન મારવાથી તમે પોતે ધીરજ કેળવતા શીખશોમગજ શાંત રહેશે. ટૂંકમાંટ્રાફિક સંસારમાં તમારું હોર્ન વ્યર્થ છેમાયા છેતેનો ત્યાગ કરો! 

નવગુજરાત સમય, પાન નં 11, 25 એપ્રિલ, 2014.

નગર ચરખો - લોકોને શું જોઈએ છે? એમને જ નક્કી કરવા દો ને!

ફોટો: સેન્ટર ફોર અર્બન ઇક્વિટી
પ્રાઈવેટ સ્કૂલમાં ભણતાપ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લેતાપ્રાઈવેટ કંપનીઓમાં કામ કરતાનવા મધ્યમવર્ગ માટે અને સરકારોએ જેની સંભાળ લેવાનું છોડી દીધું તે તેવા ગરીબ વર્ગ માટે સંસદ-લોકશાહી-સરકાર તે પ્રતિક માત્ર જ હોય છે. લોકશાહી લોકો સુધી ખરા અર્થમાં પહોંચાડવી હોય તો લોકોને વિશ્વાસ બેસવો જોઈએ તેમના આસપાસના વિસ્તારનાં  વિકાસના મુદ્દા પર કોઈ તેમને સાંભળવા તૈયાર છે. આપણા આસ-પડોશના વિસ્તારમાંથી કચરાનો નિયમિત નિકાલ થાયબાળકોને રમવાનીવૃધ્ધોને ગોષ્ઠી કરવાની જગ્યા થાયથોડા ઘણા ઝાડ-પાન-ફૂલ રોપાયરસ્તા સુધારેપાણી મળેગટર ના ગંધાય તેવી વ્યવસ્થા ઉભી કરવાની મુખ્ય જવાબદારી સ્થાનિક પંચાયત/પાલિકાની હોય છે. તેમાં જે તે વિસ્તારના લોકોને માત્ર ફરિયાદ કરવાની જ નહિ પણ વિકાસના કામોના આયોજનમાં કંઇક કહેવાનીબની શકે તો કંઇક બદલી શકવાની તક હોવી જોઈએ. લોકોની ભાગીદારી કોઈ વિકાસના કામનાં આયોજનફંડ ફાળવણી અને અમલીકરણમાં આવે તો લોકશાહી લોકો સુધી પહોંચે.

જો જે તે વિસ્તારના નાગરીકો મળીને ક્યાંક ફૂટપાથ કે બેઠક વ્યવસ્થા કરવા માંગે કે કોઈ વિકાસલક્ષી કામ કરવા માંગે તો સ્થાનિક નગરપાલિકા પાસે એવા કોઈ ભંડોળ ખરાશું આ કામ કોઈનો 'ઉપકારલીધા વગર, 'ચેરીટી'ના રસ્તે સ્થાનિક ફંડ-ફાળો ભેગો કર્યા વગર સરકારે ઉભી કરેલી વ્યવસ્થા દ્વારા નાગરીકોના હક તરીકે થઇ ન શકે?  પાલિકા-પંચાયતમાં વિસ્તાર પ્રમાણે વિકાસનું બજેટ હોવું જોવું જોઈએ તેમાં જે-તે વિસ્તારના નાગરિકોની બહુમતીથી તેનો શો ઉપયોગ થાય તે નક્કી કરી શકાય. અત્યારે આવા બજેટો પર જનતાના કહેવાતા પ્રતિનિધિઓનું વર્ચસ્વ હોય છે, તેમાં તે કોઈ દિવસ જનતાને પૂછીને નિર્ણયો લેતા નથી. લોક-ભાગીદારીથી જ સ્થાનિક બજેટ નક્કી થાય અને તે પ્રમાણેના વિકાસના કામો થાય. નહિ તો પછી ઉપરથી ઠોકી બેસાડેલી રીત-રસમો અને વિકાસની આદત સરકાર અને નાગરીકો બંનેને પડી જાય છે. મોટા-મોટા પ્રોજેક્ટો વખતે ફરજીયાત કરવી પડતી પબ્લિક મીટીંગ શાનદાર હોટેલોમાં પૂરી થઇ જાય છેતેમાં લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કે ઈચ્છા નથી હોતી.

૭૩મા અને ૭૪મા બંધારણીય સુધારા પ્રમાણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ - શહેરી (મહા)નગરપાલિકા કે ગ્રામ પંચાયત પાસે પોતાના વિકાસના કામોનું આયોજન અને અમલીકરણ કરવાની સત્તા હોવી જોઈએ. આજે વીસ વર્ષ પછી એ માહોલ છે કે મોટાભાગની નગરપાલિકાઓ રાજ્ય સરકાર પર નાણાટેકનીકલ મદદથી માંડીને નાનાં-મોટા વિકાસના કામો કરવા માટે સંપૂર્ણ આધારિત છે. નથી તેમની પાસે તાલીમ પામેલો સ્ટાફ કે નથી વિકાસના કામ કરવા માટેની સાધન-સંપત્તિ અને અધૂરામાં પુરૂં, તેઓ પોતે રાજ્ય સરકારના 'ઉપકારપર આધારિત હોય છેતે બીજાને સ્વ-રાજ્યની તરફ કેવી રીતે લઇ જઈ શકે? એટલે સૌથી પહેલાં તો પાલનપુરથી પોરબંદર સુધીના લગભગ દોઢસો શહેરોમાં મ્યુનીસીપલ વ્યવસ્થા મજબૂત કરવી પડે. તેમને સારો નિષ્ણાત સ્ટાફ આપવો પડે અને સાથે સાથે નાણાકીય સ્વનિર્ભરતાની વ્યવસ્થા ઉભી કરાવી પડે.

આ પછી લોકો વચ્ચે સુમેળ સાથે કામ પાર પાડી શકે તેવો સ્થાનિક પાલિકા-પંચાયતનો સ્ટાફ જોઈએ કે જે લોકોના ગમા-અણગમાને સર્વસંમતિ સુધી સીફતતાથી પહોંચાડી શકે. સરકારી અમલદારો જો ટીપીકલ 'ગવર્નમેન્ટાલીટી'માંથી બહાર ન નીકળી શકતા હોય તો પછી તે લોકો પાસે જઈને સારી યોજનાઓ વિષે વાત કેવી રીતે કરશે? અત્યારે સરકાર અને લોકો વચ્ચે કોઈ સંવાદ જ નથી રહ્યો. લોકો જો પોતાની આસ-પાસનું વાતાવરણ સુધરતું જોશે તો તેમને લોકશાહીની ધીમી અને કંટાળાજનક પ્રક્રિયાઓના ફાયદા જણાશે અને તેના ફળસ્વરૂપે સ્થાનિક વહીવટમાં પારદર્શિતા અને ઝડપ આવશે. લોકો આજે કોઈ પણ સરકારી મીટીંગોથી અલુંપ્ત રહે છે કારણકે તેમને ખબર છે કે કોઈ તેમને સાંભળવાનું જ નથી. આ દેશમાં લોકશાહીના મૂળિયાં ઊંડા રોપવા હશે તો પછી સરકારે લોકોના રોજબરોજના જીવનને અડતાં મુદ્દાઓમાં, લોકો સાથે  શેરી-મહોલ્લાઓમાં સંવાદ સાધતા શીખવું પડશે.

નવગુજરાત સમય, પાન નં 11, 18 એપ્રિલ, 2014.