Friday, July 08, 2011

ભારતીય શહેરોમાં સાઈકલ: ભૂતકાળ કે ભવિષ્ય? (ભાગ ૧)

ભાગ ૧: ટ્રાફિક અને મોટરીકરણનો વર્તમાન
આજે ભારત મોટરીકરણના શરૂઆતી તબક્કામાં છે. તેથી યાંત્રિકી વાહન-પ્રેમના નગારખાનામાં બીજા કોઈ વિકલ્પની તતૂડી વગાડવાની ચેષ્ટા ભલે મૂર્ખામી કહેવાય પણ આ કરવા જેવી મુર્ખામી છે તેમ માનીને આ લખી રહ્યો છું. ભાગ-૧ ભારતીય શહેરોમાં વાહન-વ્યવહારના વર્તમાનની વાત કરીને એક પુષ્ઠભૂમિ તૈયાર કરે છે જયારે ભાગ-૨ સાઈકલ-ચાલનનાં કેટલાક પ્રેક્ટીકલ  ઉપાયો જાત-અનુભવો થકી તપાસશે.

ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયના એક રીપોર્ટ મુજબ ૮૭ શહેરોમાં સાઈકલથી થતા પરિવહનનો હિસ્સો જે ૧૯૯૪માં ૩૦ ટકા હતો તે ઘટીને ૨૦૦૮ના વર્ષમાં ૧૧ ટકા થવા પામ્યો છે. આ શહેરોના રસ્તા પૈકી માત્ર ૩૦ ટકા રસ્તાઓ પર કોઈ પણ સ્વરૂપે ફૂટપાથ દેખાય છે. ભારતના શહેરો આંધળી ગતિએ મોટરીકરણના રસ્તે આગળ ધપી રહ્યા છે. મોટરીકરણ એટલે યાંત્રિકી વાહનોની સંખ્યામાં નિરંતર વૃદ્ધિ અને તેની સાથે બદલાતી જતી માળખાકીય સુવિધાઓ, પહોળા રસ્તા, ફ્લાય ઓવર વગેરેનું નિર્માણ. સાથે સાથે આ પ્રક્રિયામાં છૂપી મદદ કરતા સસ્તી લોન, સસ્તા વાહનો,  લલચામણી જાહેરાતો, સર્વત્ર મફત પાર્કિંગ વગેરે તો ખરા જ. વળી, વાહન ઉત્પાદકોને મળતી સરકારી સહાય - સસ્તી જમીન, સસ્તી લોન, સસ્તી ઔદ્યોગિક મજૂરી પણ આમાં ઉમેરાય. આ બધાની સંયુક્ત અસરને લીધે ધીરે ધીરે વાહન-પ્રેમી માનસિકતા ઉભી થાય છે, જેમાં લોકો શહેરોને વાહન-વસવાટના સ્થળ તરીકે જોતા થઇ જાય છે, માનવ-વસવાટના સ્થળ તરીકે નહિ.
 
(by Ajit Ninan in Times of India, 6 August 2008)
શહેરી ભારતમાં દર હજારે યાંત્રિકી વાહનોની સંખ્યા ૫૦થી પણ ઓછી છે, જે અમેરિકામાં લગભગ ૭૫૦ છે જ્યારે યુરોપીય દેશોમાં દર હજારે ૫૦૦-૬૦૦ વાહનો છે. વિચાર કરો કે ભારતમાં આટલી ઓછી વાહન સંખ્યાએ કાળો કેર વર્તાવ્યો છે તો પછી આ સંખ્યા દર હજાર વ્યક્તિએ ૧૦૦ની ઉપર પણ પહોંચશે ત્યારે શું થશે? દિલ્હી જેવા શહેરોમાં વાહનોની સંખ્યા દર હજારે ૧૦૦થી વધુ છે જે દિલ્હીના રસ્તાઓ પર વેઠાતી કઠણાઈઓ પરથી વર્તાઈ આવે છે. ભારતમાં વધી રહેલી વાહનોની સંખ્યા વસતીની સંખ્યામાં વધારાથી અનેક ગણી વધારે છે, તેથી વધી રહેલી વસતી સાથે તેને સીધો સબંધ નથી. ભારતીય સમાજમાં વધી રહેલી આવકનો એક પૂરાવો વધી રહેલી વાહન સંખ્યા છે. પૂના, અમદાવાદ, હૈદરાબાદ, બેંગ્લોર જેવા બીજા સ્તરના મોટા શહેરોમાં દર વર્ષે લાખેક વાહનો ઉમેરાઈ રહ્યા છે. નવા પ્રવાહો મુજબ લોકોને હવે માત્ર સારી એવરેજ આપતા બે/ચાર ચક્રીય વાહનો નહિ પણ વધુ 'પાવર' અપાતા એટલે કે વધુ કાર્બન ધુમાડા કાઢતા વાહનો પસંદ પડી રહ્યા છે

શહેરો પર વાહનોએ લીધેલો ભરડો ધીરે ધીરે ભીંસાઈ રહ્યો છે. બાળકોને રમવા માટે જગ્યાઓ ઓછી થાય છે અને વાહનોને પ્રસરવા માટે જગ્યાઓ વધતી જાય છે. વૃદ્ધ વ્યક્તિને રસ્તા પર ચાલવું કે રસ્તો ક્રોસ મુશ્કેલ થઇ પડ્યું છે. શહેરો માણસો માટે નહિ પણ વાહનો માટે વસાવવામાં આવે છે. ચાલવાની જગ્યા અને માથે શીતળ છાંયો ધરાવતા રસ્તાઓ (જે અમુક જ વર્ષો પહેલા દરેક શહેરમાં સહેલાઈથી જડી આવતા) હવે મોંઘા કે ખાનગી થઇ ચૂક્યા છે. આવી પરિસ્થિતિમાં શહેરોમાં વાહનોનું આધિપત્ય થોડું ઓછું કરી શકવાના અને માણસનું આધિપત્ય વધારવાના પ્રયત્નો બહુ સફળ થતા નથી. રહેણાક વિસ્તારોમાં પણ વાહનોની અવાર-જવર અને પાર્કિંગની ચિંતા વધુ થાય છે અને બાળકોને રમવાની જગ્યાની કે વૃદ્ધોને બેસવાની જગ્યાની  ઓછી. જાણે કારનું હોવું અને દરેક જગ્યાએ પહોંચી શકવું તે માણસના હોવા કરતા વધારે મહત્વનું થઇ પડ્યું છે. લોકોને આજ-કાલ એકબીજા સાથે વાતો કરવા માટે કારમાં બેસવું પડે છે (લોંગ ડ્રાઈવ પર જવું પડે છે), લોકો કારમાં બેસીને ખાય છે અને કાર ન હોય તો પોતાની જાતને અધૂરા માનવાવાળા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
દરેક વ્યક્તિ ટ્રાફિક-ટ્રાફિકની બૂમો પડે છે પણ પોતે તે ટ્રાફિકની સમસ્યામાં ભાગીદાર છે તે સ્વીકારતો નથી. ઉલટાની એક બાલીશ સહાનુભૂતિ એમ કહી મેળવે છે કે, "જુઓને, હું ટ્રાફિકમાં કેવો ફસાયેલો છું". તેથી જ કોપનહેગનના એક પરિવહન ઝુંબેશનું સૂત્ર હતું, "You are NOT stuck in traffic, you ARE traffic".

પેટ્રોલ-ડીઝલ મોંધુ કરવું, પાર્કિંગ ફી ઉઘરાવવી કે વધારવી, વાહનની કીમત વધારવી કે લોન મોંઘી કરાવી રાજકીય રીતે આપઘાત કરવાના રસ્તાઓ થઇ ચૂક્યા છે. જયારે પર્યાવરણની દ્રષ્ટિએ આ બધાય આર્થિક ઉપાયો છે કે જેના દ્વારા વાહનોનો વપરાશ ઘટાડી શકાય. જેમકે ઘર ખરીદવા સસ્તી લોન આપવી અને તેને ઇન્કમ ટેક્સ રાહત આપવી તેથી લોકો પોતાનું ઘર લેવામાં પ્રોત્સાહિત થાય અને એક પ્રકારની સામાજિક સુરક્ષા લોકો મેળવે. તેમજ વાહન વપરાશનો પક્ષ લેતી નાણાકીય નીતિઓથી વાહન વપરાશ વધશે જ. વાહનનો બેફામ વપરાશ અસંખ્ય રીતે છૂપી સબસીડી મેળવે છે. જેમકે પાર્કિંગ કરીને જાહેર જગ્યાને ખાનગી કરવાના કારસ્તાનને આપણે 'કારસ્તાન' ગણાતા નથી પણ આપણો હક ગણીએ છીએ. તેથી સરકારી રસ્તાનું ભાડું એટલે કે પાર્કિંગની ફી આપવાનું કોઈને ગમતું નથી. તે વસૂલ કરવાની ઇચ્છાશક્તિ નથી હોતી કે તેનું વ્યવસ્થાપન કરવા માટેનું તંત્ર ગોઠવાયલું નથી હોતું.

પેટ્રોલમાં ભાવ-વધારાનો મુદ્દો રાજકીય રીતે બહુ જ સંવેદનશીલ છે. દરેક દેશમાં આ મુદ્દે લોકો બહુ લાગણીશીલ થઇ જાય છે. પણ હકીકત એ છે કે પેટ્રોલના ભાવ વધવાના જ છે. પેટ્રોલ કે ક્રુડ ઓઈલ દુનિયામાં નિશ્ચિત જથ્થામાં જ છે. તેથી જ તો તેના નામે યુદ્ધો થાય છે ને તેમાં 'કદડો' કરી જનાર માલામાલ થાય છે. જેમ વાહનો વધશે, તેમનો વપરાશ વધશે તેમ પેટ્રોલના ભાવ વધશે જ. જો કોઈ પણ સરકાર તેમાં સબસીડી આપતી હશે તો તે રાજકીય રાહત હોઈ શકે પણ તે આર્થીક રીતે ટકાઉ ઉકેલ નથી. ઉલટાનું, આવી સબસીડીઓ ખોટી ભ્રાંતિ ઉભી કરે છે. જો આજે આપણે સસ્તા ભાવે, પોતાના હિસ્સા કરતા વધુ પેટ્રોલ ચાઉં કરી જઈશું તો તે આપણા સંતાનોના હિસ્સાનું પેટ્રોલ છે તે યાદ રાખવું ઘટે. પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે એક વ્યવહારિક અને લાંબા ગાળાના આયોજનની જરૂરત છે કે ક્રૂડ પેદાશો પરનું પરાવલંબન કેવી રીતે ઓછું કરી શકાય.

ઘણીવાર એવી દલીલ પણ કરવામાં આવે છે કે એક વિકાસશીલ દેશ તરીકે ઔદ્યોગીકરણના માર્ગે જવાનો અને ક્રૂડ પેદાશો પર આધારિત રહેવાનો આપનો 'હક' છે અને પેટ્રોલ વગેરેની સંતુલિત કિંમતો આર્થિક વિકાસ માટે બહુ જરૂરી છે. આ કંઈક અંશે એક ભ્રમ છે. કારણકે આ એક બહુ જ સંકુચિત અને ટૂંકી બુદ્ધિનું ગણિત છે. જે માલ-સામાન ભારતીય ઉપખંડમાંથી નીપજતો ન હોય તેને આધારિત આખી અર્થ-વ્યવસ્થા ઉભી કરવાનો શો તર્ક છે? શું આવું કરીને આપણે ભવિષ્યની પેઢી માટે એક ન બદલી શકાય તેવું પરાવલંબન તો નથી ઉભું કરી રહ્યા ને? ચાલો આજે ભલે આપણે ક્રૂડ પેદાશો પર આધારિત વિકાસ કરીએ પણ આવતીકાલ માટેનું લાંબા ગાળાનું આયોજન ક્યાં છે? શહેરી વાહન-વ્યવહારમાં જ જોઈએ તો આપણે તો બિલકુલ યાંત્રિકી વાહનચાલન માટે અનુરૂપ, પેટ્રોલીયમ પેદાશો પર સંપૂર્ણ રીતે પરાવલંબી શહેરો બનાવી રહ્યા છે. શહેરી વિકાસમાં ભવિષ્યનું આયોજન ક્યાં છે? અંતે, વિકાસશીલ દેશમાં હોવાનું બહાનું તે કુદરતી સંપત્તિઓના બેફામ ઉપયોગને કે અંગત વાહન-પ્રેમને પોષવાનું કારણ તો ન જ બની શકે ને.

દુનિયા આખી અત્યારે વાહન-વ્યવહારના મામલે અભૂતપૂર્વ પગલાં લઇ રહી છે. કોઈક નવી જાહેર પરિવહન વ્યવસ્થા (બસ કે રેલ દ્વારા) ગોઠવી રહ્યું છે, તો કોઈક શહેર વાહન ચલાવવું જ મોંઘુ કરી રહ્યું છે, કોઈ શહેર વળી સાઈકલ ચલાવવા માટે 'સુપર હાઈવે' બનાવી રહ્યું છે. ચીન તો તેના ૪૦ શહેરોમાં અમદાવાદ જેવા બી.આર.ટી (બસ રેપીડ ટ્રાન્ઝીટ) પ્રોજેક્ટ કરી ચુક્યું છે અને તેનો વ્યાપ્ત વધારી રહ્યું છે. આવા અનેક અનુભવો વિષે વાંચ્યા-સમજ્યા પછી નીચે પ્રકારની રેસીપી આપી શકાય. આ રેસીપી છે, તેથી ખરાબ રસોઈયાના હાથે તે બગડી પણ શકે છે પણ સામાન્ય બુદ્ધિનો સદુપયોગ થાય તો બહુ સરસ વ્યંજન બની શકે. મોટરીકરણના પરિવહનના ક્ષેત્રે સારી વ્યવસ્થા ગોઠવવાની નીચે પ્રમાણેની રેસીપી દુનિયાભરના જાણકારોમાં સર્વમાન્ય છે: 

૧. જાહેર કે સહિયારું પરિવહન:
પરિવહન સુધારવા પહોળા રસ્તા અને ફ્લાય ઓવર વગેરે બનાવવા તે ટકાઉ ઉકેલ નથી. આ તો આગ ઓલવવા પેટ્રોલના ઉપયોગ કરવા જેવું છે. કારણકે વધતી વાહન સંખ્યાને વધુ રસ્તા જોઈએ, વધુ સ્પીડથી જવા માંગતા વાહનોને વધુ જગ્યા જોઈએ. ગમે તેટલા પહોળા રસ્તા હોય તે આજે સરેરાશ સ્પીડ વધારશે પણ આવતી કાલે જ્યારે વાહનોની સંખ્યા વધશે ત્યારે શું કરીશું? જયારે ફ્લાય ઓવર પર પણ ટ્રાફિક જામ થશે ત્યારે તે ગંજાવર માળખાનું શું કરીશું? તેથી જ શહેરના મોટાભાગના લોકો માટે સહિયારા પરિવહન સિવાય કોઈ વિકલ્પ નથી. જાહેર પરિવહન કે સહિયારા પરિવહન વગર દુનિયાના કોઈ પણ દેશને ચાલવાનું નથી. (અહી જાહેર એટલે સરકારી નહિ, ખાનગી ક્ષેત્રની પણ પરિવહન સેવા હોઈ શકે.) જેટલું આગોતરું આયોજન તેટલું એ શહેરનું ભવિષ્ય સુંદર. મુંબઈની લોકલ, દિલ્હીની મેટ્રો કે અમદાવાદની બી.આર.ટી વગેરેએ બીજા વિકલ્પ આપ્યા છે જેને વધુ સુદ્રઢ બનાવીને તેનો વ્યાપ્ત વધારી શકાય. નાના-મધ્યમ શહેરોમાં તો સારી બસ-સેવા જ ઉત્તમ વિકલ્પ સર્જે છે. રેલ, બસ અને આંતર-શહેર કે આંતર-રાજ્ય સેવાઓ વચ્ચે એક જ ટીકીટ/સ્માર્ટ કાર્ડ  કે પછી વિવિધ સેવાઓનું એક જ ટર્મિનસ વગરે જેવા અનેક રસ્તાઓ વિષે વિચારી શકાય. ખરેખર તો દરેક શહેર સુધરાઈની ચૂંટણીઓ વખતે સારી પરિવહન સુવિધાની માંગણી એ જ મુખ્ય માંગણી હોવી જોઈએ, માત્ર સારા રસ્તાની કે ફ્લાય-ઓવર બનાવવાની માંગણી નહિ.

૨. ખાનગી વાહનો પર અંકુશ: 
('વોકમોબાઈલ' નામના આ સાધનો એક વ્યક્તિના પરિવહન માટે કેટલી જગ્યા મળવી જોઈએ તે પ્રશ્ન પૂછી રહ્યા છે.)
જો ખાનગી વાહનો શહેરોમાં અમુક જ સ્પીડ પર ચલાવી શકાતા હોય તો પછી સ્પીડોમીટરમાં એક કદી આંબી ન શકાય તેવો આંકડો (૧૪૦ કિમી પ્રતિ કલાકથી વધુ) શા માટે? વાહનોની આંતરિક-રચના કરતી વખતે અકસ્માત વખતે અંદરના લોકોને બચાવવાની વ્યવસ્થા વિચારાય છે પણ બહારથી ટકરાતા લોકો માટે શું તે ધાતુનો ડબ્બો વધુ સુરક્ષિત બની શકે? વાહનોની જાહેરાતો હમેશા ટ્રાફિક વગરના રસ્તાઓ જ કેમ બતાવે છે? વાહન પ્રેમને લીધે આવું ઘણું બધું દેખાતું નથી. ખાનગી વાહનોનો કૌટુંબિક વાહન તરીકે ઉપયોગ થાય તે વધુ ઇચ્છનીય છે. વાહન ચલાવવું તે પર્યાવરણની દ્રષ્ટિએ હાનીકારક ઘટના છે, જે રોકી શકાતી નથી પણ તેના પર્યાવરણીય ખર્ચા (environmental cost)ને જરૂર વસૂલી શકાય છે. તેમાં ય પાર્કિંગની ફી જે તે જગ્યાના ભાડા મુજબ વસૂલવી તે બહુ દેખીતો ખર્ચ છે. પેટ્રોલના ઊંચા ભાવ, મોંઘી લોન, મોંઘા વાહનો વગેરે વાહનોના બિનજરૂરી ઉપયોગને ઓછો કરીને યાંત્રિક વાહનોને બીજા વિકલ્પો પર સર્વોપરી બનતા અટકાવે છે. જે ગતિએ ભારતમાં વાહનોની સંખ્યા વધી રહી છે તે પ્રમાણે વાહનોના ઉપયોગ પર અંકુશ રાખવા સિવાય કોઈ છૂટકો જ નથી. વાહનચાલકોએ વાહનના લીધે થતા સાચા ખર્ચથી સભાન થવું જરૂરી હોય છે. આવું જ એક ઉદાહરણ છે લંડનમધ્યેનો એક 'કન્જેશન ચાર્જ' નામનો ટેક્સ. જે સેન્ટ્રલ લંડનમાં કારોનું કમઠાણ ઓછું કરવા માટે હોય છે (અને જેને હું હળવાશમાં 'ભીડભંજક વેરો' કહું છું). તમે આ વિસ્તારમાં કાર સાથે ઘૂસો એટલે તમારા નંબરપ્લેટને આધારે બેંકના ખાતામાંથી અમુક પાઉન્ડ ઊપડી જાય. ટૂંકમાં, આ ડાયાબીટીસના દર્દીને મીઠાશ ન ખાવા કે ઓછી કરવાનું કહેવા જેવું છે. જો બહુ મન થતું હોય તો સુગર-ફ્રી આઈટમો ખાઈ શકાય, જે મોંઘી હોય અને થોડી શોધવી પડે પણ સ્વાસ્થ્ય માટે હાનીકારક ન હોય.

૩. બિન-યાંત્રિક પરિવહનને મહત્વ: 
સાઈકલ અંગત સાધનની આઝાદી આપે છે છતાં તે બીજા કોઈને કંઈ નુકસાન થતું નથી. ભારતીય શહેરો અનેક રીતે સાઈકલ ચાલન માટે આદર્શ છે. ભારતીય શહેરો વધુ ગીચ, જટિલ છે અને તેઓ રહેઠાણ-દુકાનોનું સારું મિશ્રણ ધરાવે છે. તેથી શહેરોમાં લગભગ ત્રીજા ભાગનું આવન-જાવન બિન-યાંત્રિક પરિવહનથી એટલે કે ચાલવાથી, સાઈકલથી, સાઈકલ રીક્ષા કે લારીઓથી થાય છે. આ બહુ સારા સમાચાર છે. આજે જગતના મોટા શહેરો ચાલવાને અને સાઈકલ વપરાશને બચાવી રાખવા તનતોડ અને ધનતોડ મહેનત કરે છે. ભારતમાંથી વિલુપ્ત થતી જતી સાઈકલ ભાડે લેવાની વ્યવસ્થા સામે લંડનમાં ૫૦૦ મિલિયન પાઉન્ડના ખર્ચે 'બાઈક શેરીંગ' ઉર્ફ સાઈકલ ભાડે લેવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. લંડનની પહેલા બાર્સેલોના, પેરીસ, મોન્ટ્રીયલ, મેલબોર્ન,  વોશીંગ્ટન, મેક્સિકો સીટી અને બીજા અનેક નાના-મોટા શહેરોમાં આવી વ્યવસ્થા ઉભી થઇ ચૂકી. ભારતના શહેરોમાં પણ સાઈકલ-ચાલનને બચાવવાની તાતી જરૂરીયાત છે જ. બેંગલોરે જેવા શહેરોમાં અનેક નાના-મોટા સંગઠનો આ કામ કરી રહ્યા છે.

ભારત સરકારની 'રાષ્ટ્રીય શહેરી પરિવહન નીતિ' પ્રમાણે શહેરી પરિવહનનું લક્ષ્ય 'વાહનો માટે રસ્તા' નહિ પણ 'લોકો માટે માર્ગ' છે. 'માર્ગ'માં જે માનવ-તત્વ છે તે 'રસ્તા'માં નથી હોતું અને તે જ આપણા શહેરોમાં શોધવાનું છે. આજે રાષ્ટ્રીય શહેરી મિશન હેઠળ શહેરોને અઢળક પણ પૈસા મળે છે. આજે આપણે એક રસપ્રદ પરિસ્થિતિમાં છીએ, સરકાર પાસે પૈસા છે, સાચી નીતિ પણ છે પણ પ્રશ્ન એ છે કે તેનો સાચો ઉપયોગ થશે કે કેમ? શું આપણે એક ફ્લાય-ઓવર બનાવવાના બદલે, એટલા જ ખર્ચમાં આખા શહેરમાં 'ચાલવાલાયક' ફૂટપાથ બનાવી શકીશું? શું સત્તાધીશો મોંઘા-મોંઘા ઓછા અસરકારક પ્રોજેક્ટને બદલે નાના-નાના વધુ અસરકારક પ્રોજેક્ટમાં માનતા થશે? પાર્કિંગ મોંઘુ કરીને રસ્તા પરની ભીડ-ભાડ ઓછી કરી શકીશું? શું દરેક શહેરમાં સારી બસ વ્યવસ્થા ઉભી કરી શકાશે? શું આપણા શહેરોના રસ્તાઓ બાળકો, વૃદ્ધો વગેરે માટે વધુ સુરક્ષિત થઇ શકશે? સવાલ ઘણા છે, જેનો જવાબ ભવિષ્યમાં જ મળશે. પણ બાકીની દુનિયા ઉપર જણાવેલા ત્રણ રસ્તાઓ પર આગળ વધી રહી છે જો આપણે તેમની સાથે કદમ નહિ મિલાવી શકીએ તો આ જ પ્રશ્નો વળી દસ-વીસ વર્ષે પુછવા જ પડશે અને ત્યારેચોક્કસ પરિસ્થિતિ અત્યારથી ખરાબ હશે.

આ સિવાય આ બ્લોગ પર વાહન-વ્યવહાર અને પરિવહન વિષે આ લેખો લખાઈ ચૂક્યા છે: ચાલવા લાયક ફૂટપાથ અને આપણા શહેરો, સાઈકલમ્ શરણમ્ ગચ્છામી!, પાર્કિંગ - જન્મસિદ્ધ અધિકાર?, બ્રિટનમાં સાઈકલ સંઘર્ષ અને ટૂંક સમયમાં રજૂ થાય છે: ભાગ-૨ સાઈકલ ચાલન: ભૂતકાળ કે ભવિષ્ય?

Monday, July 04, 2011

જમશેદપુર - ભારતનું પહેલું 'પ્રાઈવેટ' શહેર

ભારતના શહેરોનું વર્ગીકરણ કરીએ તો તેમાં જમશેદપુરનું વિશિષ્ટ સ્થાન છે. વીસમી સદીની શરૂઆતમાં મુંબઈ, કોલકતા, ચેન્નાઈ જેવા શહેરો બ્રિટીશરાજમાં ધમધમતા બંદરો હતાં અને તેને લીધે તેમનો વિકાસ આરંભાયો. પુણે, કાનપુર, આગ્રા, બરેલી, મેરઠ, મથુરા, વારાણસી, દહેરાદૂન વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવા ઉપરાંત અંગ્રેજો માટે મહત્વના લશ્કરી થાણા (cantonment) હતાં. તે સિવાય, અંગ્રેજોએ શિમલા, મનાલી, ઉટી, દાર્જીલિંગ, ડેલહાઉસી જેવા પર્યટક સ્થળોનો વિકાસ ખાસ તો વેકેશન  માણવા માટે કર્યો. બ્રિટીશરાજને ભારતમાં ઔદ્યોગીકરણ કરવામાં બહુ રસ નહિ હતો પણ તેમને ભારતમાંથી કાચા માલ-સામાનમાં જરૂર રસ હતો. ભારતને યુરોપમાં થઇ રહેલી ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી દૂર-સુદૂર રાખવામાં આવેલું. ત્યારે ભારતના મૂડીપતિઓ પોતપોતાની રીતે બ્રિટીશ સરકારની બિન-ઔદ્યોગીકરણની નીતિઓ સામે સામ અને દામથી લડીને પોતપોતાની રીતે નાના-મોટા ઔદ્યોગિક એકમો સ્થાપી રહેલા. તેમાં અગ્રક્રમે આવતા જમશેદજી તાતાએ વર્ષ ૧૯૦૮માં તાતાની સ્ટીલ ફેક્ટરીની સાથે સાથે 'તાતાનગર' નામના શહેરનો પાયો નાખ્યો, જેને જમશેદજીના નામ પરથી પાછળથી જમશેદપુરના નામે ઓળખવામાં આવે છે. તાતાનગર માટે સુબર્ણરેખા અને ખારકાઈ નામની બે નદીના પટની વચ્ચેનો, સંથાલ આદિવાસીઓનું પ્રભુત્વ ધરાવતા ગાઢ જંગલમાં, લગભગ સો ચોરસ કી.મી.નો વિસ્તાર પસંદ કરવામાં આવ્યો હતો.

જમશેદપુર ખરા અર્થમાં ભારતનું પહેલું ઔદ્યોગિક શહેર હતું. તે પહેલા ભારતના શહેરોના મધ્યભાગે ક્યારેક ભવ્ય મંદિર જોવા મળતું તો ક્યારેક આલીશાન મસ્જીદ તો પછી ક્યારેક ઉન્મત્ત દેવળ. આ પહેલા ભારતના શહેરો ક્યારેક કોઈ સાંસ્કૃતિક-ધાર્મિક સિદ્ધાંતોમાં દર્શાવ્યા પ્રમાણે બન્યા તો પછી ક્યારેક રાજ્યશાસકોની સત્તાના પ્રતિક રૂપે કે પછી કોઈના ધન-વૈભવના દેખાડાના અખાડા તરીકે આકાર પામ્યા હતા. જમશેદપુર જ એક એવું શહેર છે કે જેની મધ્યમાં ધાર્મિક ઈમારતો કે કોઈનો મહેલ નથી પણ એક ફેક્ટરી છે. શહેરના રસ્તાઓ પર ફરતા આ શહેરની ઔદ્યોગીકતા મોટા-મોટા ભૂંગળા, લાઈટો, લોખંડી માળખાઓ સ્વરૂપે ડોકાઈ જાય છે. તેથી શાસ્ત્રીય અર્થમાં જમશેદપુર 'આધુનિક' શહેર છે કે જે આર્થિક તંત્ર પર ચાલે છે, અહી લોકો નાત-જાત પ્રમાણે નહિ પણ કંપનીએ ફાળવેલા મકાનોમાં રહે છે, સામાજિક મેળાવડાઓ નાત-વાડી કે મંદિર-મસ્જીદમાં નહિ પણ 'ક્લબ' વગેરેમાં મળે છે. અહી પરંપરાગત ભારતીય શહેરોની જેમ 'ઉપર મકાન-નીચે દુકાન' નથી પણ રહેણાક વિસ્તાર, ઔદ્યોગિક વિસ્તાર, ધંધા-વેપારનો વિસ્તાર, સંથાકીય વિસ્તાર એમ અલગ પાડેલા છે.
જમશેદજીએ માત્ર એક ફેક્ટરીની પાસે ટાઉનશીપ નહોતી બનાવવી. તેમને શહેર વસાવવું હતું. 'વિવિધતામાં એકતા' જેવા સૂત્રો ભારતના બંધારણ દ્વારા અમલમાં આવે તેના ચાલીસેક વર્ષ પહેલા તેમણે એક પૂર્ણ રીતે આધુનિક અને બધી જ સુવિધા ધરાવતા શહેરનો પાયો નાખ્યો. વારંવાર શહેરી વિકાસના જાણકારોને આ શહેરને સતત વિકસાવવા માટે બોલાવવામાં આવતા. જમશેદપુરમાં આજે ઘણા બાગ-બગીચા, ઝૂ, મ્યુઝીયમ, ખ્યાતનામ હોસ્પિટલ અને બીજા દવાખાના, શાળાઓ, રમત-ગમતના વિશાલ સંકુલો - ક્રિકેટ, ફૂટબોલ, સ્વીમીંગ, એથલેટીક્સ અને હોકી માટે તો અંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડીયમ, એરપોર્ટ વગેરે છે. આજે લગભગ ત્રીસેક ચોરસ કી.મી.ના વિસ્તારમાં મૂળ સ્ટીલ ફેક્ટરી અને બીજા ઔદ્યોગિક એકમો આવેલા છે. તેટલા જ વિસ્તારમાં ઉપર જણાવેલી જાહેર સુવિધાઓ પણ છે, જે ખાનગી કંપની તરીકે બહુ ઉદાર વર્તન છે. એક કંપની તરીકે તાતા ગ્રુપને આમાંથી અમુક મૂળભૂત સુવિધાઓ સિવાય કશું જ કરવાની જરૂર નહતી. છતાં પણ તેમને એક આદર્શ શહેર વસાવવાની દ્રષ્ટિથી આ સુવિધાઓ ઉભી કરી હતી. તેના પરિણામે તેમને મોટા શહેરોમાંથી સારી પ્રતિભા કે જાણકારોને આ કહેવાતા પછાત વિસ્તારમાં લઇ આવવામાં ઓછી મહેનત પડી હશે. હમણા જ આવેલી ફિલ્મ 'ઉડાન'માં જમશેદપુર બહુ સુંદર રીતે ઝીલાયું છે.
એક શહેર તરીકે જમશેદપુર 'વિવિધતામાં એકતા' કે 'સર્વધર્મ સમભાવ' કે 'બિનસાંપ્રદાયિકતા' જેવા વિચારો ખરા અર્થમાં જીવે છે. મારા જાત-અનુભવથી કહી શકાય કે જમશેદપુર મુખ્ય શહેરમાં મોટા થતા બાળકો બહુ જ પચરંગી (કે કોસ્મોપોલીટન) સંસ્કૃતિમાં ઉછેરાય છે. સ્કૂલમાં એક ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓમાં પંજાબી, ગુજરાતી, બંગાળી, તમિલ, મરાઠી વગેરેનું પ્રતિનિધિત્વ હોવું તે સામાન્ય બાબત છે. તેથી નાનપણથી જ તેમને ખબર હોય છે કે આ દુનિયા માત્ર 'ડુંગળી-લસણ નહિ ખાતા' કે 'માછલી ખાતા' લોકોની નથી બની. આજુબાજુમાં બધા જ જાતના ઉત્સવો ઉજવાતા હોય, જાત-ભાતના ગીત-સંગીત ગવાતા હોય કે વિવિધ પ્રકારની ફિલ્મો જોવાતી હોય અને અનેક પ્રકારના પુસ્તકો વંચાતા હોય. તેથી દુનિયાની વિશાળતા બહુ આસાનીથી સમજાય અને દેશના કોઈ પણ ભાગમાં તેઓ બહુ આસાનીથી ગોઠવાઈ જાય.
કહેવાય છે કે તાતા ગ્રુપે આ શહેરની લગભગ સો ચોરસ કી.મી જેટલી જમીન સરકાર અને ખાનગી માલિકો પાસેથી ખરીદી હતી. તાતા ગ્રુપે જમીન સંપાદનનું કામ સરકારને આઉટ સોર્સ નહિ કરેલું. સિંગુરથી સાણંદ સુધીની બહુ વગોવાયેલી કે ગવાયેલી તેમની સફર તેમની નીતિઓમાં આવેલો ફેરફાર દેખાઈ આવે છે. સૌપ્રથમ જમશેદજી તાતા અને પછી જે.આર.ડી. તાતાના સમયે આ ઔદ્યોગિક ગૃહ બહુ જ અલગ મિજાજમાં હતું તેવું જમશેદપુરમાં કાન સરવા રાખો તો સંભળાઈ જાય છે. ખાસ તો સમાજ કલ્યાણની વિભાવના જે આ ઔદ્યોગિક સમૂહના મૂળમાં હતી તે આજે નવ-ઉદારીકરણના જમાનામાં લૂપ્ત થતી જાય છે.
આજનું જમશેદપુર લગભગ પંદર લાખની વસ્તી ધરાવે છે અને શહેરી વ્યવસ્થાપન અને સુધરાઈની દ્રષ્ટિએ એક રસપ્રદ માળખું ધરાવે છે. જમશેદપુરના મૂળભૂત વિસ્તારનું વ્યવસ્થાપન 'JUSCO (Jamshedpur Utilities and Services company)' નામની તાતા ગ્રુપ દ્વારા સંચાલિત ખાનગી કંપની કરે છે. 'જુસકો' સંચાલિત વિસ્તારમાં પાણી, ગટર, રસ્તા, લાઈટો વગરેની તકલીફ લગભગ નહિવત છે અને આ સુવિધાઓ ખોટકાય તો તેની ફરિયાદ ગંભીરતાથી લેવામાં આવે છે. 'જુસકો'ના વિસ્તારની બહાર પણ વખત જતા શહેરી ઉમેરણ થયું છે. અહી મુખ્યત્વે નાની-મોટી મજુરી કરી લેતા આદિવાસીઓ અને શહેરના ઔપચારિક આર્થિક ક્ષેત્ર સાથે નહિ સંકળાયેલા લોકો રહે છે. તેનું વ્યવસ્થાપન આદિત્યપુર, જુગસલાઈ, માંગો જેવી વિવિધ નગર પંચાયતો કે નગરપાલિકા કરે છે. અહી બધું અસ્ત-વ્યસ્ત છે, પ્રાથમિક સુવિધાઓ નથી, કોઈ આયોજન નથી, નગર પંચાયતો પાસે પૈસા નથી. ટૂંકમાં, પાણી ભરવા માટે આ લોકોએ 'જુસકો'ના વિસ્તારમાં જવું પડે તેવી પરિસ્થિતિ છે. જમશેદપુર મુખ્ય વિસ્તારનું વ્યવસ્થાપન સરકારી રીતે કરવાના ઝારખંડ સરકારના પ્રયત્નોનો જબરજસ્ત વિરોધ નાગરીકો કરે છે કારણકે 'જુસકો'નું સુદ્રઢ વ્યવસ્થાપન અને આજુ-બાજુની નગરપાલિકાઓનો ગેરવહીવટ તેમના નજર સામે છે.

બીજી બાજુ, ખાનગી રીતે ચલાવતું શહેર હોવાથી અને કોઈ પ્રજાકીય પ્રતિનિધિઓ ન હોવાથી જમશેદપુરને JNNURM (Jawaharlaal Nehru Urban Renewal Mission) જેવી ભારત સરકારની કે રાજ્ય સરકારની બીજી કોઈ ગ્રાન્ટ મળી શકાતી નથી. અત્યારે તો ટ્રાફિક વગેરેના પ્રશ્નો બહુ અઘરા નથી પણ બસ સર્વિસ જેવી  સેવાઓ 'જુસકો'ને આપવાની કોઈ ઈચ્છા નથી તેથી વિવિધ પ્રકારની રીક્ષાઓ અહીં રાજ કરે છે. ભારતના બંધારણની શહેરી સ્વરાજની વિભાવનાથી આ શહેરનું વ્યવસ્થાપન દૂર-દૂર છે અને અહીના લોકોને એજ ફાવે છે. આ ઘટના આપણી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની બાબતની વિસંગતીઓ વિષે  ઘણું કહી જાય છે. એક તો સ્થાનિક સરકારો પોતે રાજ્ય સરકારથી સ્વતંત્ર થઇ શકતી નથી અને સારો વહીવટ આપી શકતી નથી. તેથી જ લોકોને વિકલ્પ આપવામાં આવે તો તે બિન-લોકશાહી ઢબની કંપનીને વધુ પસંદ કરે છે. જો કે આ કંપનીનો ઈતિહાસ સમાજ કલ્યાણના સિદ્ધાંતોથી ઘડાયેલો હોવાથી લોકો તેના પર વધુ વિશ્વાસ મૂકી શકે છે.
છેલ્લે, જમશેદપુરના પ્રાણી-સંગ્રહાલયના એક સુંદર (એટલેકે મૂળ સુંદરવનના) વાઘની તસવીર મને આ પોસ્ટની યાદ અપાવે છે. આ પ્રાણી-સંગ્રહાલય પ્રમાણમાં નાનું છે પણ કદાચ વહીવટ અને પ્રાણીઓની વિવિધતાની રીતે ભારતના પહેલા દસ પ્રાણીસંગ્રહાલયમાં જરૂર આવતું હશે.
(નોંધ: આ લેખની બધી તસવીરો માટે લેખકે પોતે હાથ અજમાવ્યો છે.)