Monday, February 21, 2011

સિનેમા પેરાડીઝો – તરબતર કરી જતી ક્લાસિક ફિલ્મ

(આજે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ નિમિત્તે મારી સૌથી ગમતી ફિલ્મ વિષે મારી સૌથી ગમતી ભાષામાં)
પોતાની સૌથી ગમતી ફિલ્મ વિષેનાં લખાણમાં વખાણનાં અતિરેક થઇ જવાની વકી રહે છે, તેવી લાગણી સાથે લખી રહ્યો છું. પણ  'સિનેમા પેરાડીઝો (૧૯૮૮)'નાં વિષે લખતા તટસ્થ રીતે લખાવાનું જ નથી. આપણો પક્ષપાત બહુ ચોખ્ખો છે. આ ફિલ્મ મારા વિનમ્ર મત મુજબ વીસમી સદીની સૌથી મહાન ફિલ્મોની યાદીમાં પહેલા પાંચમાં જરૂર આવે. આ ફિલ્મની વાર્તા જબરદસ્ત છે. તેને પ્રેમકથા કે દોસ્તીની કથા કહીને તેનો વ્યાપ્ત ઓછો નથી કરવો પણ હળવી પળો અને હલાવી જતી પળો બંને ઠાંસી ઠાંસીને ભરી છે. 

આ ફિલ્મની શરૂઆત એક મજબૂત દોસ્તીથી થાય છે – એક દસ-બાર વરસના ટેણીયા સાલ્વાતોર (તોતો) અને મધ્યમ વયના આલ્ફ્રેડો વચ્ચે. સિસિલી (ઈટાલી)નાં એક નાના ગામમાં આવેલા એક માત્ર ફિલ્મ થીયેટરમાં આલ્ફ્રેડો પ્રોજેક્શનનું કામ-કાજ સંભાળે છે. જયારે તોતોએ બીજા વિશ્વયુદ્ધમાંથી પાછા ન આવેલ સૈનિકની ઘરમાં સૌથી મોટી સંતાન. તેને ચર્ચમાં કરવા પડતા કંટાળાજનક સ્વયંસેવી કામ અને સ્કૂલની બોરિંગ લખા-પટ્ટી વચ્ચે ફિલ્મોનો શોખ જાગે તે સ્વાભાવિક હતું. તોતોનો મુખ્ય ઉદ્દેશ આલ્ફ્રેડોના રહસ્યમયી કિલ્લા જેવા પ્રોજેક્શન રૂમ સુધી પહોંચવાનો કે જેમાંથી જાદુઈ રીતે એક માયાવી દુનિયાના પાત્રો સિનેમાના પરદા પર સરી પડે છે. તોતોની ફિલ્મની સફર માત્ર પ્રોજેક્શન રૂમ સુધી જ નહિ પણ ફિલ્મકાર બનવા સુધી પહોંચી અને તેમાં આલ્ફ્રેડોનો ફાળો અનન્ય હતો – તોતોને પ્રોજેક્શન રૂમની અંદર લઇ આવવા માટે અને આ ગામની બહાર જઈને પોતાની નવી પહેચાન બનાવવા માટે. 
અમેરિકાના બંધારણના ઘડવૈયા થોમસ જેફરસને કહેલું કે ‘દરેક દેશમાં, દરેક કાળમાં ધર્મગુરુઓ હમેશા વ્યક્તિસ્વાત્રન્ત્યનો વિરોધ કરતા આવ્યા છે’. આ વાત ઈટાલીના નાના ગામમાં કેવી રીતે ખોટી પડે! ગામનું સ્થાનિક સેન્સર બોર્ડ એટલે ચર્ચના પાદરી. આખું ગામ કોઈ નવી ફિલ્મ જોવે તે પહેલા આ પાદરી એકલા  થીયેટરમાં બેસીને તે ફિલ્મ નિહાળે અને તેમાં જરૂરી કાપ-કૂપ સૂચવે – સેન્સર કરવા જેવી બાબત મોટેભાગે એ જમાના પ્રમાણે કોઈ ‘કિસિંગ સીન’ની હોય. આવા અનેક પ્રસંગો સાથે આ ફિલ્મની મજા એ છે કે તે સતત વહેતી ધારા જેવી છે. તોતો મોટો થાય છે અને એક દિવસ આલ્ફ્રેડોની જગ્યાએ તે પોતે નવા બનેલા થીયેટરમાં પ્રોજેક્શન-કાર બને છે. ફિલ્મી જગત બદલાય છે, આખું ગામ અને સાથે સાથે ફિલ્મ-રસિક સમાજ પણ બદલાય છે. આ બદલાવોનો દૌર ચાલતો રહે છે જે ફિલ્મમાં સરસ રીતે ઝીલાય છે. 
પછી તો તોતો પ્રેમમાં પડે છે! ‘પડે છે’ એટલે એવો પટકાય છે કે કળ વળે ત્યાં સુધીમાં તો તેની દુનિયા બદલાઈ જાય છે. તેની પ્રેમિકા સમયના પ્રવાહમાં ખોવાઈ જાય છે અને તેની જીંદગી થંભી જાય છે. દાયકાઓ બાદ સાલ્વાતોર ડી વીટા નામના પ્રખ્યાત ફિલ્મકારને વહેલી સવારે તેની માતા એક મુફલીસ ગામના મુફલીસ વ્યક્તિ આલ્ફ્રેડોના અવસાનના સમાચાર આપે છે. વર્ષો પછી તોતો ઉર્ફ સાલ્વાતોર પોતાના ગામમાં આલ્ફ્રેડો અંતિમયાત્રામાં ભાગ લેવા પાછો ફરે છે. ત્યારે તેને આલ્ફ્રેડોએ જાળવી રાખેલા એક રહસ્ય વિષે ખબર પડે છે... બસ, અહી આગળ વધુ કહેવાની જરૂર નથી. આની આગળની ફિલ્મ તો જોવી જ પડે. કારણકે ‘જોવાનો જલસો’ વાંચવાથી ન થઇ શકે. 

જેસેપ્પે ટોર્નાતોર નામના નિર્દેશકની ૩૨ વર્ષની ઉમરે દિગ્દર્શિત કરેલી આ બીજી જ ફિલ્મ હતી. ફિલ્મ રીલીઝ થતાંની સાથે જ  સફળ થઇ. આ જ નિર્દેશકે ‘મલેના (૨૦૦૦)’ જેવી બીજી સુંદર ફિલ્મો આપી પણ તે આ ફિલ્મની તોલે ન આવી શકે. મારું એવું માનવું છે કે મહાન ફિલ્મો (મહાન ચિત્રો, મહાન ધૂનો, મહાન નાટકો) બની જતી હોય છે. તેમને પ્રયત્નપૂર્વક મહાન બનાવી શકાય નહિ. અહીં આકસ્મિકતાની વાત નથી પણ સાચો સુમેળ સંધાવાની વાત છે. એક સમય આવે જયારે એક-બીજાને એકરૂપ (કે પૂરક) એવા લોકો મળે, એવી ઘટનાઓ બને કે જેમાં મહાન સર્જનો રચાઈ જવાનો માહોલ સર્જાય. ‘ગોડફાધર’, ‘ટેક્ષી ડ્રાઈવર’, ‘સેવન સમુરાઈ’, ‘પથેર પાંચાલી’, ‘મેઘે ઢકે તારા’ વગેરે વિષે આવું જ કહી શકાય. 

આ ફિલ્મનું પાશ્વસંગીત પણ યાદ રહી જાય તેવું છે. એનીઓ મોરીકોન જેવા દિગ્ગજ સંગીતકારે અહીં સંગીત આપ્યું છે. ‘વેસ્ટર્ન’ તરીકે ઓળખાતી હોલીવુડ ફિલ્મોની યાદગાર ધૂનો તેમને આપી છે (ઉદા. ધ ગુડ, ધ બેડ, ધ અગ્લી). ફરી વાર આ ફિલ્મ જોશો તો સંગીત તરત જ તાજુ થઇ જશે. ફિલ્મના બીજા ટેકનીકલ પાસા પણ મજબૂત છે. આ ફિલ્મ એ સાબિત કરે છે કે ફિલ્મોમાં લેખનનું કેટલું મહત્વ છે. વિવિધ સમયકાળ વચ્ચે આસાનીથી સરી જવાની ઘટનાએ ફિલ્મને સારી કે ખરાબ બનાવી શકે છે. તોતોની ત્રણેય ભૂમિકાઓ યાદગાર છે પણ સૌથી નાની ઉમરનો તોતો સૌથી મસ્ત છે. આલ્ફ્રેડોનું પાત્ર તો યાદ રહે જ પણ તોતોની પ્રૌઢ વયની પ્રેમિકાનો અભિનય પણ સુંદર છે. 

આ ફિલ્મ એ શીખવે છે કે લોકપ્રિય વિષયવસ્તુ સાથે કલાત્મક ફિલ્મ કેવી રીતે બનાવી શકાય. ક્લાસિક ફિલ્મ એટલે જૂની ફિલ્મ એવું નહિ. જેમ ક્લાસિક કવિતાઓ જેટલી વાર વાંચો તેમાંથી નવા અર્થો ખૂલતા જાય તેવું કંઇક આવી ક્લાસિક ફિલ્મોની બાબતમાં પણ બનતું હોય છે. તેથી જ ‘સિનેમા પેરાડીઝો’ ક્લાસિક ફિલ્મ છે.

એક સ્પષ્ટતા – આ ફિલ્મની ૧૫૪ મીનીટ અને ૧૨૩ મીનીટ તેમ બે આવૃત્તિ છે. હું અહીં ૧૫૪ મીનીટની આખી ફીલ્મની વાત જ કરી રહ્યો છું. ૧૨૩ મીનીટની ‘ન્યુવો સિનેમા પેરડીઝો’ નામની આવૃત્તિ જે વધુ આસાનીથી મળી શકે તેમાં ફિલ્મનું મૂળ હાર્દ નથી એવું મારું માનવું છે.

Saturday, January 29, 2011

'વેલકમ જીંદગી' એક જીંદાદિલ નાટક - ૧૭૦ પર અણનમ

દસ-બાર વર્ષ પહેલા 'ફિલ્મ ક્લબ'ના સિલસિલામાં હિંમત કપાસીને મળવાનું થયું. વાતવાતમાં વાત નીકળી કે ગુજરાતી રંગભૂમિ અને સાહિત્ય બંને ક્ષેત્રે પ્રદાન કરી શકે તેવી શક્યતાઓ ધરાવતા યુવાન કોણ? કપાસી સાહેબ તરફથી પહેલું નામ તરત જ આવ્યું, 'સૌમ્ય જોશી'. તેમને પોતાની ખાસ શૈલીમાં ઉમેર્યું કે, 'એં તોં એંકદમ લાઈવ વાયર જેવો છે'. છેલ્લા દસ વર્ષોથી સતત સૌમ્યની કવિતા સાંભળતાં અને નાટકો જોતા એવું ચોક્કસ કહી શકાય કે 'લાઈવ વાયરે' દસ વર્ષમાં કરંટ જાળવી જ રાખ્યો નથી પણ ઝણઝણાવી મૂકતા સર્જનોનો દૌર ચાલુ જ રાખ્યો છે. સૌમ્યએ છેલ્લા દસ વર્ષમાં લોકજીવનને સ્પર્શતા ઢગલાબંધ મુદ્દે કેટલાય શેરી-નાટકો અને આઈ.એન.ટી કે વીણા-વેલી જેવી સ્પર્ધાઓમાં ઘણા એકાંકી નાટકો આપીને યુવા-રંગભૂમિ સાથે પોતાનો નાતો સતત જાળવી રાખ્યો છે. 

આ દૌરમાં એક નવું સર્જન - નવું નાટક ઉમેરાયું છે - 'વેલકમ જીંદગી'. આ ૨૦૧૦થી સતત પ્રયોગો કરી રહેલા નાટકમાં સૌમ્યએ લેખન, દિગ્દર્શન, સંગીતકાર અને મુખ્ય કલાકારની ચાર ભૂમિકાઓ બખૂબી નિભાવી છે. આ સિવાય 'દોસ્ત, ચોક્કસ અહી નગર વસતું હતું (૨૦૦૨-૦૩)' અને 'આઠમા તારાનું આકાશ (૨૦૦૪-૦૫)'  જેવા ફૂલ-લેન્થ નાટકોમાં સૌમ્ય જોશીએ લેખન, સંગીત અને દિગ્દર્શનની ત્રેવડી ભૂમિકાઓ બખૂબી નિભાવી છે. 'દોસ્ત...' માં તો સૌમ્યએ અભિનય પણ આપ્યો છે. નાટ્ય જગતના વિવિધ પાસાઓ બહુ સ્વાભાવિકતાથી અને સાહજીકતાપૂર્વક આત્મસાત કરવા એ સંપૂર્ણ નાટ્યકારની નિશાની છે. ગુજરાતને ઐતિહાસિક રીતે જ આવા સંપૂર્ણ કલાકારો બહુ જૂજ મળ્યા છે.

૨૦૦૮માં સૌમ્યનો પ્રથમ કવિતા-સંગ્રહ 'ગ્રીનરૂમમાં' બહાર પડ્યો. હું સૌમ્યને એક પ્રખર કવિ પણ ગણું છું. બહુ જ અંગત રીતે - કોઈ મને પૂછે કે નાટ્યકાર સૌમ્ય કે કવિ સૌમ્ય તો પછી હું કવિ જ વધારે પસંદ કરું. જો કે સૌમ્ય પોતે કદાચ નાટ્યકાર બનવાનું વધારે પસંદ કરે. કવિતા લખવી તે તેના માટે અંગત અભિવ્યક્તિને જીવતી રાખવાની ઘટના છે પણ નાટકો તો સૌમ્ય ચળવળની માફક જ કરે છે. અને ગુજરાતી તખ્તાની હાલત જોતા ચળવળની જેમ નાટકો કરવાની જરૂર પણ છે. જેને એમેચ્યોર કે વિદ્યાર્થી નાટ્ય પ્રવૃત્તિ કહેવાય છે તેણે જ ગુજરાતી તખ્તાની પીઢતા અને ગુણવત્તા થોડે-ઘણે અંશે જાળવી રાખી છે. બાકી જેને પ્રોફેશનલ કે ધંધાધારી નાટકો કહેવાય છે, તે તો જૂજ અપવાદ બાદ કરતા ટીવી જોવા મળતા 'કોમેડી સરકસો' કે કરુણ સિરિયલોની સસ્તી અને હલકી આવૃત્તિ જ હોય છે. સારા નાટકો, નવા વિષયવસ્તુ વગેરે તો શોધવા મુશ્કેલ હોય છે. બહુ લાંબો સમય એમેચ્યોર કે વિદ્યાર્થી નાટ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયા બાદ સૌમ્યએ પ્રોફેશનલ નાટ્ય પ્રવૃત્તિમાં સીધો પ્રવેશ 'વેલકમ જીંદગી' દ્વારા મેળવ્યો છે. તેથી જ આજે વાત આ નવા નાટક વિષે.
ઠાકોરભાઈ દેસાઈ હોલમાં 'વેલકમ જીંદગી' જોવાની તક ૧૩ જાન્યુઆરીએ  સાંપડી. આ નાટકમાં માત્ર ત્રણ જ પાત્રો છે - મુંબઈના ઉપનગરમાં રહેતા પતિ-પત્ની (અરુણ અને ભાનુ ગણાત્રા) અને તેમનો પુત્ર (વિવેક). અરુણ ગણાત્રા નિવૃત્તિને આરે છે. મુંબઈમાં આખી જીંદગી લોકલ ટ્રેનોમાં દોડાદોડી અને ઓફિસમાં ક્લાર્કગીરી કરીને સ્વાભાવિક આવી જતી ખારાશ, કડવાશ, તોછડાઈ તેમના સ્વભાવમાં પણ છે. તેમનો પુત્ર વિવેક આમતો તેની પેઢીના યુવાનો જેવો જ છે પણ પોતાના માં-બાપ માટે ખૂબ જ આદર ધરાવે છે અને શાસ્ત્રીય સંગીત ગણગણે છે. આ બંને બાપ-દીકરા વચ્ચે સેતુરૂપ ભાનુ ગણાત્રા ખરા અર્થમાં પરિવારનો આધારસ્તંભ છે. ભાનુ ગણાત્રા બાપ-દીકરા વચ્ચેની કેમેસ્ટ્રી, તેમની સારી-ખોટી ટેવો, નાના-મોટા ઉતાર-ચઢાવ વગેરે ગાલીબના 'બાઝીચા-એ-અત્ફાલ'ની જેમ નિસ્પૃહતા જુવે છે. તે સિવાય, પરિવારને એક બનાવી રાખવાનું પણ અને પ્રેક્ષકો સાથે સીધો સંવાદ સાધવાનું કામ પણ તેમનું જ છે. 'એક બીજાની સાથે વાત કરતા રહેવાનું' અને 'કોઈ ગમે તે વાત કરી શકે' તેવું વાતાવરણ પરિવારમાં ઉભું કરવાની સહિયારી જવાબદારી વિશેનું આ નાટક છે. આ નાના પરિવારનો દરેક સભ્ય 'પતિ', 'પત્ની' કે 'પુત્ર'નું પાત્ર લેખન બીબાઢાળ નથી, દરેક પાત્રમાં કોઈક નવી શક્યતા, નવીનતા છે. મુંબઈના જીવન વિષે ઘણું લખી-ભજવાઈ ગયું હોવા છતાં અહી એક નવી તાજગી અનુભવાય છે. જીવનની નાની-નાની વાતોમાંથી ખુશી અને હાસ્ય બંને આ નાટક મેળવી આપે છે. હાસ્યમાંથી કરુણતામાં નિરૂપણ બહુ જ ઝડપથી, અનાયાસે થાય છે, જેની મજા છે.

આ નાટકમાં બહુ જ સૂક્ષ્મતાથી સ્ત્રી-પુરુષ કે પતિ-પત્નીના સંબંધોમાં વ્યાજબીપણું, સમાનતા તપાસવાની વાત છે. સ્ત્રી-પુરુષ માટે સામાજિક રીતે નિયત કરાયેલી કાર્યસૂચીથી આગળ જવાની વાત છે. ઘરમાં સ્ત્રી પાત્રો વિશેની અઢારમી સદીની મનોવૃત્તિથી એકવીસમી સદી તરફ જવાની વાત છે. તેથી જ ભાનુ ગણાત્રાનું પાત્ર મુખ્ય પાત્ર છે અને મજબૂત પાત્ર છે. જે જીજ્ઞા વ્યાસે બખૂબી નિભાવ્યું છે. જેટલું સૂક્ષ્મતાથી આ પાત્રનું લેખન થયું છે તેટલી જ ચીવટતા તેનું મંચન થયું છે. નાટકને અંતે ભાનુ ગણાત્રા ઉર્ફ જીજ્ઞા વ્યાસની અભિવ્યક્તિ અને સંવાદો ખાસ યાદ રહી જાય છે. અરુણ ગણાત્રાના પાત્રમાં સૌમ્ય જોશી પોતે છે, જયારે વિવેક ગણાત્રાના પાત્રમાં નવયુવાન અભિનેતા અભિનય બેન્કર છે. આ બંને અભિનેતાઓએ પણ તેમની ભૂમિકાઓને ન્યાય કાર્યોં છે. સૌમ્યના નાટકોમાં તખ્તા પર જોવા મળતી ચમત્કૃતિ, સ્ફૂરતા વગેરે તો હોય છે, સાથે સાથે સુંદર સંગીત પણ હોય છે.

બહુ લાંબા સમય પછી ગુજરાતી તખ્તા પર એક સુંદર નાટક જોવા મળ્યું છે. ગમે તેવા ગુજરાતી નાટકોની ભીડમાં એક સારું નાટક ૧૭૦થી વધુ શો પર અણનમ હોય તે બહુ આશાસ્પદ છે. સૌમ્ય અને તેની ટીમ આવા જ નાટકો આપતા રહે તેવી આશા તો ઉભી થાય છે. પરંતુ સાથે સાથે બીજા નાટ્યગ્રુપો જે તખ્તાને કૈંક નવું આપવા માંગે છે તેઓ પણ આ નાટકને બેન્ચમાર્ક ગણે તે મહત્વનું છે. 
 (photo courtesy: Mumbai Mirror and Mumbai Theatre Guide)

Wednesday, December 29, 2010

સુપર હીરોના સંસ્થાનવાદ/રંગ-ભેદ/પૂર્વગ્રહો

આપણને હીરો કે સુપરહીરો કેમ ગમતા હોય છે? કારણકે તેઓ 'સુપર' હોય છે. સામાન્યથી વિશેષ - અસામાન્ય. તેમનામાં અપાર શક્તિઓ હોય છે, તે સામાન્ય માનવીથી વધુ તાકાતવર, બુદ્ધિશાળી, સાહસવીર હોય છે વળી, નાનપણ કે કુમાર અવસ્થાના હીરો લોગ તો આખી જીંદગી સાથે રહે છે. ટીનટીન, એસ્ટેરીક્સ જેવી કોમિક બુક અને ઇન્ડિઆના જોન્સ, જેમ્સ બોન્ડ જેવી હોલીવુડ ફિલ્મોના પાત્રોએ મજેદાર, રમૂજી કે ગંભીર વાર્તાઓ દ્વારા દુનિયાની સેર કરાવી છે. 

આ વાર્તાઓ અને ફિલ્મોમાં આ પશ્ચિમના દેશોમાંથી ઉદભવેલા પાત્રો બાકીની દુનિયાને કઈ રીતે જોવે છે, કઈ રીતે મૂલવે છે અને તેમના વિષે શું વિચારે છે તે બહુ રસપ્રદ વિષય છે. આપણે ભારતમાં અને બીજા વિકાસશીલ દેશોમાં આ 'સંસ્કૃતિ આયાત' અને તેની સાથે આવતા મૂલ્યો, દુનિયાને જોવાની દ્રષ્ટિને ઘણી વાર બહુ સવાલ પૂછ્યા અપનાવી લઈએ છીએ. એડવર્ડ સેઇડ નામના લેખકે વર્ષો પહેલા 'ઓરીએન્ટલીઝમ' નામનું પુસ્તક લખેલું જેમાં તે પૂર્વની સંસ્કૃતિઓ વિષે પશ્ચિમના લેખકો દ્વારા કરતા નિરૂપણ વિષે વાત કરે છે. આ નિરૂપણમાં વ્યક્ત થતા પૂર્વગ્રહો, બીબાઢાળ સમજ અને પક્ષપાતો પૂર્વની સંસ્કૃતિઓ કાં તો રોમાંચક મુગ્ધતાથી લેખે નહિ તો પછી જંગલી, બાર્બરિક કે પછાત સમાજ તરીકે. અહી પશ્ચિમને પણ બીબાઢાળ સમાજ પ્રમાણે જોવાનો આશય નથી. સમય જતા ઘણા જ પુસ્તકો, ફિલ્મો, ચિત્રો અને સામાજિક સંશોધનોએ પૂર્વના લોકો, તેમની રહેણી-કરણી, સંસ્કૃતિઓને બહુ આયામી રીતે પણ રજૂ કરી છે અને કરતા રહે છે.

માત્ર પશ્ચિમના સમાજ પાસે બીજા સમજો પ્રત્યે પૂર્વગ્રહો રાખવાનો 'કોપીરાઈટ' નથી. દરેક દેશ, દરેક સમાજમાં અંદર-અંદર અને બહારના તત્વો પ્રત્યે પૂર્વગ્રહો હોય જ છે. પણ વાત અહી વાત હીરો અને સુપર હીરોની કથાઓમાં આવતા બીબાઢાળ નિરૂપણની કરવી છે અમુક ઉદાહરણો સાથે. આ હીરો-સુપર હીરોની પ્રચલિત, લોકપ્રિય કથાઓ, ફિલ્મો, પુસ્તકો લોકમાનસ પર (અને ખાસ તો બાળમાનસ પર) ઊંડી છાપ પાડે છે અને પૂર્વગ્રહોને પ્રચલિત બનાવવાનું કે યોગ્યતા બક્ષવાનું કામ જાણે કે અજાણે કરતા રહે છે. તેથી જ આ ઉદાહરણોને ચોકસાઈથી સમજવા જરૂરી બને છે.

કોંગોમાં ટીનટીન
ટીનટીન કોમીક્સનું પહેલું પુસ્તક 'કોંગોમાં ટીનટીન' જયારે ૧૯૩૦ના દસકમાં લખાયું ત્યારે દુનિયાના સમીકરણો અલગ હતા. રાજકીય અને સાંસ્કૃતિક રીતે ગોરી પ્રજાનું 'સ્વામીત્વ' આફ્રિકા અને બીજા દેશોમાં પ્રસરેલું હતું. આ કોમિક બુકમાં ટીનટીન નામનો યુવાન પત્રકાર કોન્ગો જેવા આફ્રિકાના દેશમાં માત્ર ગોરી ચામડીનો યુરોપિયન હોવાને લીધે આ 'સ્વામીત્વ' ભોગવે છે. મોટાભાગના આફ્રિકન પાત્રો ટીનટીનની સેવામાં હોય છે અને ટીનટીન તેમને સૂચનો આપતો કે પછી 'શિક્ષણ' આપતો જોઈ શકાય છે. આ કોમિક બુકના પાના ફેરવતા કોન્ગોના લોકો અને જંગલના પ્રાણીઓ વચ્ચે ઝાઝો ફરક લાગતો નથી. કોન્ગોના લોકોના દેખાવનું નિરૂપણ જાણે માણસ-જાત ન હોય અને કોઈ પ્રાગ-ઐતિહાસિક પ્રજાતિ હોય તે રીતે કરવામાં આવે છે. પહેલી બ્લેક-વ્હાઈટ આવૃત્તિમાં તો આ વાત બહુ સ્વાભાવિક રીતે ઉપસે છે પણ રંગબેરંગી આવૃત્તિમાં ઘણી ટીકાઓ થયા પછી પણ આ પૂર્વગ્રહ પરોક્ષ રીતે રહી જાય છે. આજે આ કોમિકબુક મેળવવી અઘરી છે અને તેના પર પ્રતિબંધ મૂકવા માટેના કેસ થવાના સમાચાર પણ છે. તે વિષે વધુ અહી. આ બ્લોગ લેખ પર વધુ માહિતી મળી શકશે. 
તે સિવાય, ટીનટીન કોમીક્સના બીજા પુસ્તકોમાં આરબ, લેટીન અમેરિકન, ભારતીય કે તિબેટીયન લોકોનું, તેમની સંસ્કૃતિના નિરૂપણ પર સવાલ થઇ શકે છે. ભારત દેશમાંથી જયારે-જયારે ટીનટીન પસાર થાય ત્યારે તે ગીચ બજારો, ગરીબ-લાચાર પાત્રો, ચોરીની ઘટનાઓ, જાદુ-ટોણા જ જોવે. વળી, ટીનટીન અને તેના બીજા યુરોપીય મિત્રોનું સ્વામીત્વ કે ગુરુતા કે માલિકી-ભાવ એક ય બીજા સ્વરૂપે પ્રગટ થતો રહે છે. ભારતીય કે બીજા કોઈ દેશનો ટીનટીનનો 'મિત્ર' વધુમાં વધુ તેનો 'ગાઈડ' હોઈ શકે પણ કોઈ રીતે સમકક્ષ મિત્ર ન હોઈ શકે. છેવટે યુરોપીય પાત્રો કોઈક રીતે દુનિયાને બચાવે કે પછી કોઈ કીમતી વિરાસતને, અલબત્ત સ્થાનિક લોકોની થોડી-ઘણી મદદથી. ભારતીય તરીકે આપણે પણ આ સ્ટીરીયોટાઈપ પોતાને માટે નહિ તો બીજી સંસ્કૃતિ માટે તો સ્વીકારી જ લઈએ છીએ.

ઇન્ડિઆના જોન્સ અને વિનાશનું મંદિર
પ્રચલિત દંતકથા પ્રમાણે સ્ટીવન સ્પીલબર્ગ અને જ્યોર્જ લુકાસે ઇન્ડિઆના જોન્સની રચના એટલા માટે કરી કારણકે તેમને જેમ્સ બોન્ડ જેવો 'સુપર' માનવ, રંગરલીયા મનાવતો, જાત-જાતના ઉપકરણોથી દુશ્મનોને હંફાવતો બ્રિટીશ જાસૂસની જગ્યા એ સામાન્ય માણસ જેવો, દુનિયાના ગાઢ રહસ્ય ઉકેલતો, ઐતીહાસીક વારસાને બચાવવા નીકળેલો (અમેરિકન) હીરોનું સર્જન કરવું હતું. આ વિચારે દુનિયાને ઇન્ડિઆના જોન્સ જેવો વધુ નૈતિક અને હિંમતવાન હીરો આપ્યો. સ્પીલબર્ગના સૌથી 'ફેવરીટ' વિલન નાઝી જર્મનો હોવાથી ઇન્ડિઆના જોન્સની ફિલ્મોમાં પણ તે નાઝીઓને હંફાવતો જોઈ શકાય છે. પણ તેની પૂર્વ તરફની દર્ષ્ટિ લગભગ સરખી જ હતી. ખાસ તો 'ઇન્ડિઆના જોન્સ અને ટેમ્પલ ઓફ ડૂમ' નામની ફિલ્મમાં. કદાચ આ ફિલ્મ પર ભારતમાં પ્રતિબંધ છે. પરંતુ આ ફિલ્મ જો જોવા મળે તો તેમાં દર્શાવેલા ભારતના રાજા, તેનું ખાન-પાન, ધાર્મિક વિધિઓ અને વિચિત્રતાઓ વગેરે જોઇને આઘાત ચોક્કસ લાગશે. અમરીષ પુરી આ ફિલ્મમાં વિલન તરીકે જોવા મળે છે. જો કે સ્પીલબર્ગ આ ફિલ્મને ઇન્ડિઆના જોન્સ સિરીઝની સૌથી ખરાબ ફિલ્મ ગણે છે. 
તે સિવાય ઇન્ડિઆના જોન્સની બીજી ફિલ્મોમાં પણ આરબ સમાજનું નિરૂપણ વિષે પણ પ્રશ્નો થઇ શકે. આરબ સમાજનું બીબાઢાળ નિરૂપણ તો હોલીવુડની ઘણી ફિલ્મોએ વારંવાર કર્યું છે. તેમનું માનીએ આરબ વ્યક્તિ એટલે 'એલાબલા બુલૂઊઊ...' બોલીને તલવાર લઈને હુમલા કરતો જંગલી, પછાત વ્યક્તિ જે મોટેભાગે મૂર્ખ હોય અને વિદેશી હીરો તેને હરાવીને હિરોઈન કે ખજાનો લઈને ભાગી છૂટતો હોય. આ વિશેની એક ખાસ ફીલ્મ બની છે જેનું ટ્રેલર અહી જોઈ શકાશે. આવું જ નિરૂપણ આદિવાસીઓ અને બીજા કહેવાતા પછાત સમાજોનું થતું આવ્યું છે. 

દુનિયા-બચાવવાનો રોગ
હોલીવુડની ઘણી-ઘણી એક્શન ફિલ્મોમાં આ 'દુનિયા બચાવવાનો (અમેરિકન) રોગ' (saving-the-world-syndrome) જોવા મળે છે. જેમાં એક બહાદુર અમેરિકન હીરો કોઈ આંતર-રાષ્ટ્રીય ત્રાસવાદી, ભેજાગેપ વિજ્ઞાની, કમ્યુટર નિષ્ણાત, વિચિત્ર વાઈરસ, પરગ્રહવાસીઓ, ઉલ્કાઓ વગેરેથી છેલ્લી ક્ષણે આખી દુનિયાને બચાવી લે છે. આ પ્રકારની ભારતીય ફિલ્મ થોડું વાજબી રાખીને ભારતને બચાવવા સુધી જ પ્રયત્નો કરે છે. પરંતુ અમેરિકા હવે બિનહરીફ જગત-જમાદાર હોવાથી અમેરિકન હીરોને આખી દુનિયા બચાવવાથી ઓછું કઈ ન ખપે. વર્ષો સુધી આ એક્શન ફિલ્મો જોયા પછી હવે એવું લાગે છે કે દુનિયાને બચાવવાની વૃતિએ રોગનું સ્વરૂપ ધારણ કરેલું છે. કોઈ પણ ફિલ્મમાં છેવટે વાત દુનિયા બચાવવા સુધી પહોંચી જ જાય છે. જો ફિલ્મની કક્ષા સારી હોય તો આ વાત વધુ સારી રીતે, માની શકાય તેવી રીતે કરેલી હોય અને ફિલ્મની કક્ષા ખરાબ હોય તો ગમે તે અતાર્કિક રીતે પણ છેવટે દુનિયા બચાવી લેવામાં આવે છે. આજકાલ હિન્દીમાં ડબ થયેલી ફિલ્મોને લીધે બાળકો અને કુમાંરોમાં આ પ્રકારની ફિલ્મો અને તેના હીરો ઘણા પ્રચલિત હોય છે. આર્નોલ્ડ, સિલ્વેસ્ટર સ્ટેલોન, બ્રુસ વીલીસ, ટોમ ક્રૂઝથી માંડીને ચક નોરીસ, વાન ડેમ, સ્ટીવન સીગલ વગેરે વર્ષો સુધી દુનિયાને બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. વળી, હોલીવુડ ફિલ્મોમાં વિલનોનો દેશ, ધર્મ, રંગ વગરે પણ સમય જતા બદલાવ આવ્યો છે. જૂની એક્શન ફિલ્મોમાં રશિયન કે પૂર્વ યુરોપના કોઈ ઓછા-જાણીતા દેશોના આંતર-રાષ્ટ્રીય ત્રાસવાદી અને ષડયંત્રકારોની બોલબાલા હતી. હવેના વિલન વધુ સર્વ-વ્યાપક બન્યા છે, જેમાં પૂર્વ-સરકારી કર્મચારીઓ, પૂર્વ-જાસુસ/સૈનિક (એટલેકે મૂળ અમેરિકી નાગરીકો પણ આવે છે). આરબ કે મુસ્લિમ આતંકી તત્વો તો 'ફેવરીટ' રહે જ છે. દુનિયાની બદલાતી ભૂ-રાજકીય પરિસ્થિતિ જોતા એવું બની શકે કે આવતી કાલની હોલીવુડ ફિલ્મોમાં વિલન ચાઇનીઝ હોય. 

છેલ્લે, ફિલ્મો, કોમિક બુક્સ અને બીજી સાંસ્કૃતિક પેદાશો પ્રચલિત સ્ટીરીયોટાઈપને વધુ સુદ્રઢ બનાવવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. સ્ટીરીયોટાઈપ કે પૂર્વગ્રહોનું પ્રચલિત હોવું એ દરેક દેશ, દરેક સમાજમાં સામાન્ય બાબત છે. જો કે આ પૂર્વગ્રહોનું નાનપણ કે કુમારાવસ્થાના સાહિત્ય કે બીજી સંસ્કૃતિક પેદાશો દ્વારા ઘરે-ઘરે પહોંચવું ઇચ્છનીય તો નથી જ. પણ પૂર્વગ્રહને પૂર્વગ્રહ તરીકે અને સ્ટીરીયોટાઈપને સ્ટીરીયોટાઈપ તરીકે જ જોવા જેટલી દ્રષ્ટિ કેળવાય તેવી કેળવણી જરૂરી છે.