Tuesday, October 07, 2014

નગર ચરખો: સ્કોટીશ પાર્લામેન્ટ - પરંપરાના પાયા પર આધુનિક અભિવ્યક્તિ!





આધુનિક સ્થાપત્ય પરંપરાના પાયા પર ઉભું રહીને, સમકાલીન જરૂરીયાતો પૂરી કરવા સાથે ભવિષ્ય સાથે સંવાદ સાધતું હોય છે. પરંપરાગત સ્થાપત્યની બેઠી કોપી કરવાથી ભૂતકાળ અને ભવિષ્ય બંનેને અન્યાય થાય છે. લોકો પોતાનાં ઘરમાં કે ઘણીવાર ફ્લેટમાં જેસલમેર જેવા ઝરૂખા ચણાવતા હોય છે કે પછી ઘરની એક દીવાલ પર લીપણકામ કરીને નાનાં અરીસા ચીપકાવતા હોય છે. આને ભૂતકાળની કોપી કહેવાય, સમયાનુસાર જરૂરીયાતોને અવગણીને કરેલો મેક-અપ કહેવાય. મેક-અપ એકાદ પ્રસંગમાં સારો લાગે, તેની સાથે દિવસ-રાત જીવી ન શકાય. જેમ નવરાત્રીમાં નવ દિવસ પહેરેલાં પરંપરાગત પરિધાનો આખું વર્ષ ન ઠઠાડી દેવાય, તેમ પરંપરાગત સ્થાપત્યની એક જગ્યા અને સમય હોય છે. સ્થાપત્ય સમયને, જીવનશૈલીને, આધુનિક રીત-ભાતને અનુરૂપ હોય અને સાથે સાથે નવ-સર્જિત સ્પેસનો ઉપયોગ કરનારને નવી ઉર્જા સાથે આત્મીયતાનો અનુભવ કરાવતું હોય તો તે આદર્શ છે. 

સ્કોટલેન્ડના એડીનબરામાં સાલ 1999માં જ્યારે નવું પાર્લામેન્ટ બિલ્ડીંગ બનાવવાનું આવ્યું ત્યારે સ્થપતિ એનરીક મિરાલે મોયાએ પરંપરાગત બાંધકામ શૈલીમાં જકડાવવાને બદલે પરંપરાઓમાંથી પ્રેરણા લઈને આધુનિક જરૂરીયાત માટે આધુનિક બિલ્ડીંગ બનાવ્યું છે. સ્કોટલેન્ડમાં હમણાં ગયા અઠવાડિયે જ બ્રિટનથી છૂટા પડીને સ્વતંત્ર દેશ થવું કે નહિ તે અંગેનો જનમત યોજાયો હતો અને તેનો જવાબ સ્કોટીશ પ્રજાએ બહુમતિથી 'ના'માં આપ્યો છે. સ્કોટલેન્ડ બ્રિટનનો એક ભાગ હોવા છતાં તે ઘણે અંશે સ્વાયત્ત પ્રદેશ છે એટલે બ્રિટનમાં ત્રણસો વર્ષ ઉપરાંતથી તેને પ્રદેશ કે રાજ્ય નહિ પણ 'દેશ' તરીકે જ ઓળખવામાં આવે છે. ચતુર અંગ્રેજોએ સ્કોટલેન્ડને પ્રતીકાત્મક માન-ઇકરામ અને બને તેટલી સ્વાયત્તતા આપીને સ્વતંત્રતાની ઝૂંબેશમાંથી હવા કાઢી દીધી છે. એટલે જ સ્કોટલેન્ડમાં એસેમ્બલી નહિ પણ અલગ પાર્લામેન્ટ છે. 

સ્કોટીશ પાર્લામેન્ટ બિલ્ડીંગ આર્કિટેક્ટ એનરીક મિરાલે મોયાનો માસ્ટરપીસ છે. આસપાસના પરંપરાગત મકાનો સાથે તાદાત્મ્ય સાધવાને બદલે આ પાર્લામેન્ટ બિલ્ડીંગ પોતાની અનોખી ભાષામાં વાત કરે છે અને કોઈ સીધી લીટીનો તર્ક અનુસરતું નથી. જાણે કે આર્કિટેક્ટના જાદુઈ થેલામાં ચોરસ આકારો નથી ને કોઈ કાટખૂણાનું સંધાન નથી. જાણે કે કોઈ નવા જ પ્રકારની અભિવ્યક્તિ જમીનમાંથી એક પછી એક પગરવ લઈને ઉભરી રહી હોય તેમ ફ્રી-ફ્લોટિંગ ફોર્મ જેવો આ બિલ્ડીંગનો ઘાટ અને આકાર છે. બાંધકામની શૈલીમાં કોન્ક્રીટ, ગ્લાસ, લાકડાં, પાણીના ફુવારા જેવા તત્વોનું એક નવું સંયોજન મિરાલેની લેબોરેટરીમાં બને છે. સ્કોટીશ લેન્ડસ્કેપ પરથી પ્રેરણા લઈને આ બિલ્ડીંગ કોઈને વિખરાયેલા પર્ણ અને ડાળખીઓની ભાત વિકસાવતું લાગે છે, તો કોઈને તે સ્કોટીશ સરોવરમાં ઉંધી પડેલી હોડીનું ચિત્રણ લાગે છે. પ્રદેશના લેન્ડસ્કેપથી વધુ સજ્જડ કઈ પરંપરા હોઈ શકે!

એનરીક મિરાલે કહે છે કે બિલ્ડીંગના એલીવેશનમાં ગ્લાસનો ઉપયોગ કરવાથી આ લોકશાહીની સંસ્થાની પારદર્શકતા ઉભી થવાની નથી. બિલ્ડીંગનો બહારનો દેખાવ એ આધુનિક સમયની નવી પ્રતીકાત્મક અભિવ્યક્તિ છે. જ્યારે અંદરના ખંડોમાં તો જ્યાં જેની જરૂર હોય તે મુજબની જગ્યાઓ ઉભી થવી જોઈએ. પાર્લામેન્ટ બિલ્ડીંગનો મુખ્ય ચર્ચાખંડ ઉર્ફ ડીબેટીંગ ચેમ્બરમાં સભ્યોની એકાગ્રતા જળવાવી જોઈએ, લોક પ્રતિનિધિને અહીં ઉભા થઈને પોતાનો પક્ષ રજૂ  મન થાય, ચર્ચામાં  ભાગ લેવાનું મન થાય તેવો આ ખંડ હોવો જોઈએ. અને તેવો જ ખંડ અહીં ડીઝાઈન કરવામાં આવ્યો છે. 

સ્કોટીશ પાર્લામેન્ટ બધા જ મુલાકાતીઓને ખુલ્લી રીતે આવકારે છે. જાણે કે આ બિલ્ડીંગ કહેતું હોય કે આવો, લોકશાહીને 'ઇન એક્શન' નિહાળો. જ્યારે સેશન ચાલુ ન હોય ત્યારે તો બિલ્ડીંગના લગભગ બધે જ ફરી શકાય છે. અમારી સાથે મુલાકાતીઓના ટોળામાં સ્થાનિક વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ હતા. પાર્લામેન્ટ બિલ્ડીંગનો પ્રવાસ ત્યાંના વિદ્યાર્થીઓ માટે ફરજીયાત હતો. આપણે પણ સ્કૂલોના પ્રવાસો રાજા-રાણીના મહેલો-મ્યુઝીયમ કે મંદિરો-મસ્જીદોની જગ્યાએ પાર્લામેન્ટ કે એસેમ્બલી જેવી લોકશાહીની પાયારૂપ સંસ્થાઓમાં ગોઠવવા જોઈએ. ભારતમાં પણ જયારે એસેમ્બલી કે પાર્લામેન્ટ ચાલુ હોય ત્યારે મુલાકાતીઓની ગેલેરીમાં બેસીને આવનારી પેઢીઓ પોતાના પ્રતિનિધિઓ અને તેમનું વર્તન જોતી હોય તો? કદાચ લોકોના પ્રતિનિધીઓને ટીવી કેમેરા જેવી બેજાન વસ્તુઓ સામે બે આંખની શરમ ન લાગે, પણ વિદ્યાર્થીઓને જોઇને તેમનું વર્તન સુધરે, શું લાગે છે?

નવગુજરાત સમય, પાન નં 9, 5 ઓક્ટોબર (રવિવાર) 2014.