Monday, January 20, 2014

માણસમાંથી જણસ - સુંદરતાના વિકૃત માપદંડો અને ફોટોશોપીય ખેંચતાણ

સ્ત્રી-શરીરને આગળ ધરીને દુનિયાની બધી પેદાશો અને આડપેદાશો વેચવા કાઢવામાં આવે છે. શેવિંગક્રીમથી લઈને કાર સુધીના ધંધા માટે સ્ત્રી-શરીરને આગળ ધરવાની જરૂર પડે છે. ચીકની ચમેલીથી લઈને શીલાકી જવાની દ્વારા ફિલ્મો વેચવામાંઆવે છે. આ ફિલ્મો-ગીતોની સફળતા દ્વારા સ્ત્રી-શરીરની નુમાઈશને જાહેર રીતે સામાજિક-સાંસ્કૃતિક મંજૂરી મળે છે અને આ ગીતોના શબ્દો રોજબરોજની બોલચાલની ભાષામાં પ્રવેશે છે. પછી જ્યારે બાળકીથી માંડીને વૃદ્ધા પર બળાત્કાર થાય કે તેમની છેડતી કરવામાં આવે તો આપણને નવાઈ લાગે છે કે પુરુષ આટલો હેવાન કેમ બને છે?  આ સ્ત્રી-વિરોધી (misogynist) માનસ કેવી રીતે આકાર પામે છે કે જે પુરુષને સ્ત્રી સામે હિંસા (બળાત્કાર કે છેડતી સહીત) સુધી દોરી જાય છે, તે સમજવા માટે આસપાસ નજર જ નાખવાની જરૂર છે.
Outright sexist advts from the past decades - 1
આજકાલ તો સ્ત્રી-શરીર પ્રદર્શનની તરફેણમાં 'નવી પેઢી'ના નામે વિકૃત દલીલો પણ કરવામાં આવે છે. સ્ત્રી-શરીરનું પ્રદર્શન મુક્ત રીતે થવી જોઈએ તેવું કેટલાક લોકો ફોરવર્ડ, આધુનિક, નવી પેઢીના કે યુવાન હોવાનાં અભરખામાં માને છે. હા, વાત સાચી છે કે જે લોકો મનથી રૂઢીચુસ્ત હોય તેમને આધુનિક કે 'બ્રોડ માઈન્ડેડ' દેખાવાનો બહુ અભરખો હોય છે. સ્ત્રી-પુરુષના સંબંધો વિષે, સેક્સ વિષે અને સ્ત્રી-શરીરની નુમાઈશ વિષે વાત કરો એટલે ફોરવર્ડ કે યુવાન (કે બંને) હોવાનો ભ્રમ ઉભો કરી શકાય છે. અહીં બારીક વાત એ છે કે સ્ત્રી-શરીર કે માનવ-શરીર પ્રદર્શન માત્ર સામે વાંધો નથી પણ એ સમજવું ઘટે છે કે આ પ્રદર્શન કોણ કરે છે, શા માટે કરે છે, કોણ કરાવે છે અને ક્યા હેતુથી કરાવે છે. આ પ્રદર્શન કરવાથી 'સ્ત્રી એટલે શરીર' કે ' સ્ત્રી એટલે ઉપભોગની વસ્તુ' - આ સરળીકરણ બહુ જડબેસલાક સ્થાપિત થઇ ગયું છે. શું સ્ત્રી-શરીરનો દેખાડો 'સ્ત્રી એટલે શરીર' જેવા દ્રષ્ટિકોણને વધુ પ્રસ્થાપિત કરે છે કે પછી 'સ્ત્રી એટલે વ્યક્તિ, માત્ર શરીર' નહિ તે સમજવામાં મદદ કરે છે? સ્ત્રીને 'માણસમાંથી જણસ' બનાવવાની પ્રક્રિયામાં પોતે કેવી રીતે ભાગ ભજવે છે આ પોતાની રીતે દરેક વ્યક્તિએ - પુરુષે તપાસી લેવું જોઈએ. સ્ત્રીનું વ્યક્તિત્વ તેની શારીરિક કે ભૌતિક સીમાઓથી ઊંચું હોય તો પણ તેને તેના શરીરને આધારે જ મૂલવવામાં આવે ત્યારે સમાજ પરિપક્વ હોવા અંગે શંકા જાગે.
Outright sexist advts from the past decades - 2
સ્ત્રી-શરીરના પ્રદર્શન અને તે દ્વારા પોષાતા ગ્રાહકવાદનો પ્રસાર એટલો મોટો હોય છે કે કોઈ સંસ્કૃતિના રક્ષણકારો માટે તેનો મુકાબલો કરવો અઘરો હોય છે. પણ સ્ત્રીઓને 'કાબૂમાં રાખવાનો' ભ્રમ પાળવો સહેલો હોય છે. સ્ત્રીઓ પર થતી હિંસાનો 'બહાદુરી'થી મુકાબલો કરવા માટે સ્ત્રીઓના આવાગમન પર, તેમની નોકરી કરવા પર, તેમના કપડાં પર કે તેમને મોબાઈલ રાખવા સુધ્ધાં પર પ્રતિબંધો મૂકવામાં આવે છે. આ પ્રતિબંધોને સામાજિક મર્યાદા જેવા રુપકડાં નામોથી સજાવવામાં આવે છે. પપ્પાના કહ્યા મુજબ પીન્કી સાંજે સાત વાગે ઘરે પાછી ફરે છે ત્યારે પપ્પા અને મમ્મી ટીવી પર કોમેડી સર્કસ પર કોઈ સેક્સીસ્ટ જોક પર હસતાં હોય છે. સ્ત્રી જાત પર, ખાસ તો પત્નીના નામે ઉડાવાતી ખીલ્લી દ્વારા લૈંગિક ભેદભાવો બહુ અસરકારક રીતે ઊંડા થાય છે. કોઈને હીણા, નીચા કે નકામાં ચીતરવા હોય તો તેમની મજાક બનાવવી સહેલો અને અકસીર ઉપાય છે. સ્ત્રીને કાબૂમાં રાખવાથી આખરે સંસ્કૃતિ 'બચી જતી' હશે પણ જો કે સ્ત્રીઓ વિરુદ્ધની હિંસા રોકાતી નથી. આવાગમન, કપડાં, વાણી-વર્તન-વ્યવહારમાં પોતાનું કહ્યું માનતી સ્ત્રીઓને દેવીનું બિરૂદ મળે છે અને સવારથી સાંજ રસોડામાં મજૂરી કરતી અને તૈયાર ભાણે ગરમ-ગરમ રોટલી પીરસતી સ્ત્રીને અન્નપુર્ણાનું બીરૂદ મળે છે. આવા બિરૂદો સ્ત્રીની સામાજિક મૂડી (સોશિયલ કેપીટલ, યુ નો!) છે, જેનો ભાર વેંઢારીને તે જીવન પસાર કરે છે. પોતાના પર આટલું વીતી ચુકેલી સ્ત્રીઓની જૂની પેઢી, નવી પેઢી પાસે પણ પોતે જે રીતે પિતૃસત્તાક મૂલ્યોનું પાલન કર્યું તે પ્રમાણે જ તેનું પાલન થાય તેવી 'પરંપરા' જાળવી રાખવાનો આગ્રહ રાખે છે.

સ્ત્રી-શરીરના પ્રદર્શન અને તે દ્વારા પોષાતા ગ્રાહકવાદની વચ્ચે પોતાનાં સ્વતંત્ર વિચારો કે વ્યક્તિત્વની સાથે સુમેળ ધરાવતાં, આત્મવિશ્વાસ કે આત્મશક્તિસંપન્ન (empowered) પાત્રોની ભયંકર કમી આજકાલના ટીવી-મીડિયા-ફિલ્મમાં જોવા મળે છે. પિતૃસત્તાક વાતાવરણની મધ્યેથી ફૂટી નીકળતાં આત્મ-સત્તાક સ્ત્રી અને પુરુષ પાત્રોની ગંભીર અછત છે. યુવાનો અને યુવતીઓએ વિજાતીય સંબંધોના તાણાવાણા સમજવા માટે કોઈ સ્ટીરીયોટાઈપથી અલગ કંઇક હોવું જોઈએ કે નહિ? અનુરાગ કશ્યપ, અભિષેક ચૌબે અને દીબાકર બેનર્જી જેવા જૂજ ફિલ્મકારોએ આત્મ-શક્તિસંપન્ન સ્ત્રી-પુરુષ પાત્રો વચ્ચે સર્જાતાં જાતીય સંબંધોના જોડતોડ કે સેક્સ્યુઅલ પોલીટીક્સની વાત કરવાની શરૂઆત કરી છે. પણ સમગ્ર સમાજ પર ચીકની ચમેલી-પણાનો ભયંકર પ્રભાવ છે. વીજાતીય સંબંધોના મામલે પરિપક્વ હોવું એટલે સામીવાળી વ્યક્તિની સંમતિ કે અસંમતિને માન આપવું, તેની પસંદ-નાપસંદ સમજવી અને તેના દ્રષ્ટિકોણને સમજવો. આ સંબંધોમાં પરિપક્વતા એ સમજવાથી આવે છે કે વિજાતીય વ્યક્તિ આપણી જેમ જ સ્વતંત્ર વિચાર ધરાવતી વ્યક્તિ છે, એ એક શરીર માત્ર નથી. આપણે જેમ પોતાના સ્વતંત્ર વિચારોનો ઉપયોગ કરીને સ્વ-અર્થ અને સ્વ-વૃત્તિ જાળવી રાખીએ છીએ તેમ તે પણ તે કરી જાણે છે. ખાસ તો પુરુષમાં પરિપક્વતા શારીરિક ફેરફારોથી નથી આવતી. સ્ત્રી એ શરીરથી વધારે કંઇક છે, એક સ્વતંત્ર વ્યક્તિ છે, તે સમજવું તે એક પરિપક્વ પુરુષ હોવા માટેની મૂળભૂત શરત હોવી જોઈએ.

આ સાથે સાથે વિજાણું યંત્રોથી છલકાયેલી દુનિયામાં એક નવો જ ટ્રેન્ડ ઉભો થઇ રહ્યો છે. એ નવો ટ્રેન્ડ એટલે કે સુંદરતાનો એકરુપી, એકપક્ષી, અવાસ્તવિક અને અકુદરતી માપદંડ બનાવવાનો. આ સુંદરતાનો માપદંડ કેવી રીતે રચાય છે તે સમજીએ. આજકાલ મીડિયા એટલે કે વેબ પર કે મેગેઝીન પર દેખાતી સ્ત્રી (કે પુરુષ)ને સોફટવેરની મદદથી વધુ 'સુંદર' બનાવવી. કોઈપણ ફોટોગ્રાફ કે વિડીયોમાં ફોટોશોપ નામનાં સોફટવેરની મદદથી તે પાત્રનો રંગ બદલી શકાય છે, તેના અંગ-ઉપાંગના ભાર-ઉભાર વત્તા-ઓછા કરી શકાય છે, તેની રેખાકૃતિને વધુ સુરેખ બનાવી શકાય છે, તેની આંખોનો કે વાળનો રંગ બદલી શકાય છે.  નીચે આપેલ વિડીયો આ વાત વધુ સહેલાઈથી સમજાવી શકશે. અત્યાર સુધી મેકઅપ કરવાથી કે અમુક પ્રકારની લાઈટમાં કલાત્મક ફોટો પાડવાથી વ્યક્તિને વધુ 'સુંદર' બનાવી શકાતી હતી. હવે તો ફોટો પાડ્યા બાદ મોડેલનું શરીર, તેના અંગ-ઉપાંગ, રેખાકૃતિ, રંગ વગેરે બદલવાની વાત છે. તો પછી જે તે પાત્ર વિજાણું યંત્રો કે મેગેઝીન પર દેખાતું હોય તેમાં સાચું કે વાસ્તવિક શું? કૃત્રિમ રીતે 'સુંદરતા'નું ઉત્પાદન કરવાની આ નવી પદ્ધતિ છે. સ્ત્રી-શરીરનો એક ઔર વપરાશ શોધી કાઢવામાં આવ્યો છે. સ્ત્રી-શરીરની નુમાઈશ પર નભતાં ગ્રાહકવાદની વિકૃતિની આ ચરમસીમા છે. કારણકે આ વિજાણું વિકૃતિઓ દ્વારા બનાવેલી 'પરફેક્ટ' મોડેલની ખેવના રાખતાં પુરુષો વાસ્તવિક સ્ત્રી જોડે અવાસ્તવિક અપેક્ષા રાખતાં થઇ જાય છે. સ્ત્રીઓ અને યુવતીઓ આ 'પરફેક્ટ' દેખાવની અપેક્ષામાં પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે.
વાત અહીં અટકતી નથી. સુંદરતાના બહાના હેઠળ થતી આ વિજાણું ખેંચતાણ આખરે તો એક પ્રકારની 'સુંદરતા' પ્રસ્થાપિત કરવા માટે થતી હોય છે. તકલીફ એ છે કે આ સુંદરતાની વ્યાખ્યા બહુ સાંકડી હોય છે, બીબાઢાળ હોય છે અને એકંદરે ગ્લોબલ હોય છે. કોણ ક્યા દેશ, પ્રદેશ કે મૂળ રંગનું છે તેની ખબર જ પડતી નથી. ફોટોશોપ અને બીજા સોફ્ટવેર તો વિજાણું વિકૃતિઓની અનંત શક્યતા ઉભી કરે છે પણ તેનો ઉપયોગ 'સુંદરતા'ના એકસરખા, એકરૂપી ગ્લોબલ ઉપભોગ માટે થાય છે. તમે ગમે તે દેશ, પ્રદેશ કે વંશ જ હેઠળ જન્મ્યા હોવ પણ જો તમે આ ગ્લોબલ સુંદરતાની વ્યાખ્યામાં ફીટ થઇ શકો, તો જ તમે મોડેલ કે સ્ટાર થઇ શકો. ટૂંકમાં, લગભગ એક જ સરખી, એક જ રૂપરંગની, બાર્બી ડોલ  જેવી લાગતી કન્યાઓ મોડેલ તરીકે ચમકે છે. સુંદરતાના આ માપદંડ સાથે અસંગત તેવી ફેંચ મહિલા ખેલાડી મારિયો બાર્તોલી નામની વિમ્બલ્ડન વિજેતાની મજાક ઉડાવાય છે. ટૂંક માં, સ્ત્રી તેના જીવનમાં ગમે તે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરે તો પણ આખરે તેની સિદ્ધિને તેના શરીર જોડે જ સાંકળીને જોવામાં આવે છે.

આઘાતજનક વાત  એ છે કે આ પ્રકારની 'સુંદરતા'નું નિરૂપણ બાળકોને કેન્દ્રમાં બનતી ફિલ્મો કે ટીવી સીરીયલ વગેરેમાં તો  ખાસ થાય છે. નીચેના ફોટોગ્રાફને જુવો. 2012માં આવેલી 'બ્રેવ' નામની એનીમેશન ફિલ્મના સ્કોટીશ રાજકુમારીના પાત્ર મેરીડાને (જમણી બાજુની આકૃતિ) જ્યારે ડીઝની કંપનીએ ફરી રજૂ કરી (ડાબી બાજુની આકૃતિ) ત્યારે તેનામાં કેટકેટલા ફેરફાર થઇ ગયા! મેરીડાની સ્કોટીશ રેખાકૃતિ ગાયબ થઇ ગઈ, તેની કમર વધુ પાતળી બનાવવામાં આવી, આઇબ્રોથી શાર્પ થઇ ગઈ, ગાઉન લો-કટ અને વધુ ઝાકઝમાળ થઇ ગયો અને વાળ અકુદરતી રીતે સુવ્યવસ્થિત થઇ ગયા. આ છે એક એનીમેશન પાત્રનું ડીઝની-કરણ! ડીઝનીની એનીમેશન ફિલ્મો તેમાં દર્શાવાતી રાજ્કુમાંરીઓને બાર્બી ડોલ જેવી બીબાંઢાળ સુંદરી બનાવવા માટે કુખ્યાત છે. તો કહો ચતુર-સુજાણ, આ ડીઝની-કરણે મેરીડાને 'સુંદર' બનાવી કે વધુ કદરૂપી અને કૃત્રિમ.


સ્ત્રીને 'માણસમાંથી જણસ' બનાવવાનો મોટો ઉદ્યોગ ચાલે છે. ટીવી, મીડિયા, મેગેઝીન તેમાં પોતાનો યથાશક્તિ ફાળો આપે છે. સ્ત્રીઓના અન્યાયની વાત કરવાની શરુ કરીએ તો ઘણા પુરુષો એવું કહેતા આવી પડે કે આવું તો પુરુષો સાથે પણ થાય છે. પુરુષો સાથે જે થાય છે તે પણ ટીકાને પાત્ર છે પણ સ્ત્રીઓને થતો અન્યાય વ્યાપ્ત અને સંખ્યાની દ્રષ્ટિએ અનેક ગણો વધારે છે અને તેથી વધુ, તે સ્ત્રીઓ સામે થતી હિંસા સાથે જોડાયેલો છે. લગભગ સો વર્ષ પહેલા સ્ત્રીઓને મતાધિકાર પશ્ચિમી દેશોમાં મળેલો, તે તેમની માનવ હોવાની લડાઈમાં મહત્વનો પડાવ હતો. આવતા સો વર્ષમાં એ આશા રાખીએ કે પુરુષો પણ સ્ત્રીઓને 'જણસમાંથી માણસ' બનવાની પ્રક્રિયામાં સક્રિય ભાગ લેતા થાય અને સુંદરતા વિષે પોતાના માપદંડોમાં પરિપક્વ થાય.