બહુ જવલ્લે જ એવું બને કે કોઈ નોવેલ પરથી ફિલ્મ બની હોય તો ફિલ્મને જોવાની અને નોવેલને વાંચવાની અલગ-અલગ પ્રકારની મજા આવે. મોટેભાગે પુસ્તક-પ્રેમીઓ તેમના ગમતાં પુસ્તક પર બનેલી ફિલ્મ જોઇને એવો ચુકાદો આપતા હોય છે કે સારા પુસ્તકો પરથી ફિલ્મ બનાવવી જ ન જોઈએ. અને ફિલ્મરસિયાઓ જે તે પુસ્તક વાંચતા પહેલા તેના પર જો ફિલ્મ બની હોય તો જોવાનો આગ્રહ રાખે છે. ફિલ્મ અને પુસ્તક બંને અલગ પ્રકારના માધ્યમ છે. પુસ્તકમાં કોઈ ઘટના કે વ્યક્તિના વિષે ધીરે ધીરે પડળો ખોલવાની સગવડ હોય છે, જ્યારે ફિલ્મમાં જે છે તે ત્યાં અને ત્યારે જ દેખાઈ પડે છે. જો કે ફિલ્મમાં પણ ધીરે ધીરે રોમાંચ વધારવાની પદ્ધતિઓ હોય છે પણ તે પુસ્તક કરતાં અલગ રીતે કરવું પડે છે.
આ નવલકથાની મેં જે આવૃત્તિ વાંચી છે તેનું કવર પેજ (સોર્સ: વિકિપીડિયા પેજ) |
મોહસીન હમીદની નવલકથા 'ધ રીલકટન્ટ ફંડામેન્ટલીસ્ટ' મેં 2010ની સાલમાં વાંચી હતી. તે વખતે ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ શહેરનાં પરગણાની એક નાની કમ્યુનીટી લાઈબ્રેરીએ આ પુસ્તક બીજી મોટી લાઈબ્રેરીમાંથી એક પાઉન્ડના નજીવા ખર્ચે મંગાવી આપેલું. વચ્ચે એક આડવાત, આવા નાના કમ્યુનીટી સેન્ટર અને તેની લાઈબ્રેરી જેવી સેવા પર તો આખો એક લેખ થઇ શકે. પણ ટૂંકમાં કહું તો નાની પણ સારી લાઈબ્રેરીએ ઓછા સામાજિક સંબંધો ધરાવતા અને ટીવી લેવાનો ખર્ચો ટાળનાર અમને પરદેશીઓને સારી રીતે ટકાવી રાખેલા. ત્યાં સુધી કે ગુજરાતી, બંગાળી, મલયાલમ પુસ્તકો પણ બીજી લાઈબ્રેરીઓમાંથી મંગાવી શકાતા. એવું લાગે છે કે આવી સુવિધાઓ ઉભી કરવા માટેની વાત ક્યારેય ખર્ચ કે વ્યવસ્થાપનનું તંત્ર ગોઠવવા જેવા વ્યવહારુ વિષયોમાં અટવાતી નથી હોતી, જરૂર હોય છે સાંસ્કૃતિક બાબતો માટે થોડી સરકારી નિસ્બત અને દ્રષ્ટિ ઉભી કરવાની. એક વાર પ્રજાને આવી સંસ્થાઓનો ચસકો લાગે એટલે બધું થઇ પડે.
પાકિસ્તાની લેખક મોહસીન હમીદની આ નવલકથા મને રસપ્રદ લાગી હતી અને તેનું ખાસ કારણ એ હતું કે આખી વાત જાણે એક પાકિસ્તાની કોઈ રેસ્ટોરાંમાં બેસીને એક અમેરિકનને પોતાની જીવનકથા કહેતો હોય તેવી રીતે કહેવાઈ છે. ચંગેઝ ખાન નામના મૂળ લાહોર સ્થિત અને પછી અમેરિકાની વિખ્યાત પ્રિન્સટન યુનીવર્સીટીમાં ભણેલા યુવાનની પોતાની ઓળખ સાથેની મથામણ આ નવલકથાના હાર્દમાં છે. ચંગેઝ ન્યુયોર્કના સૌથી મોટા બીઝનેસ કેન્દ્ર જેવા મેનહટ્ટનમાં એક જાણીતી મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ફર્મમાં જોડાય છે ત્યારે તેને લાગે છે કે લાહોરમાં જે પ્રકારના ઉચ્ચ સામાજિક-આર્થિક વર્ગમાંથી તેના માતા-પિતા ધીમેધીમે પોતાનું સ્થાન ગુમાવી રહ્યા છે, તેવા જ ન્યુયોર્કના ઉચ્ચ વર્ગમાં તે સ્થાન ધીરે ધીરે સ્થાન મેળવી રહ્યો છે. દુનિયા તેની મુઠ્ઠીમાં છે અને દુનિયાની બધી જ સંકીર્ણતાઓ તે પોતાના લેપટોપની વર્કશીટ્સમાં રહેલા માર્કેટ ફંડામેન્ટલસ દ્વારા સમજી શકે છે, સમજાવી શકે છે. આર્થિક જગતના કેન્દ્રસમા ન્યુયોર્કમાં જૈવિક થીયરી ડાર્વિનવાદનું વરવું સામાજિક સ્વરૂપ કે - જેમાં બળિયા પ્રાણી ટકી જાય અને નબળાં વખત જતાં નાશ પામે - તે ચંગેઝ જીવી રહ્યો છે અને સામાજિક ઉત્ક્રાન્તિના તે ઉચ્ચ 'ટકી ગયેલા' વર્ગમાં પોતાને ગણે છે. આ અલગ પ્રકારના ફંડામેન્ટલીસ્ટ લોકો છે અને તેમાં સાંગોપાંગ ભળી ગયેલો ચંગેઝ જેવો વ્યક્તિ 9/11ના હુમલા પછી અલગ પરિસ્થિતિમાં આવી જાય છે. તેને ગમતું હોય કે ન હોય તેની ઓળખ દક્ષીણ એશીયાઇ-પાકિસ્તાની-મુસ્લિમ જ બનીને રહી જાય છે અને આ બધાના સરવાળા રૂપે ધાર્મિક કટ્ટરપંથી (ફંડામેન્ટલીસ્ટ) હોવાના શંકાના દાયરામાં સતત આવતો રહે છે.
ચંગેઝને ત્યારે તેના 'અમેરિકન ડ્રીમ'ની મર્યાદાઓ સમજાય છે અને તે લાહોર પાછો ફરીને ત્યાંની કોલેજમાં અધ્યાપન શરુ કરે છે. તેના દેશનું પણ આવું શું ડ્રીમ થઇ શકે તેની પળોજણમાં હવે તે પડે છે. પાકિસ્તાનમાં બદલાતા પ્રવાહો જોઇને પૂરી નવલકથા વાંચતી વખતે આપણે પણ એ જ વિચારતા રહી જઈએ છીએ કે શું તે ખરેખર ધાર્મિક કટ્ટરપંથી થઇ જશે. આ નવલકથાના અંતમાં ચંગેઝ પોતાની વાત પૂરી કરીને તે અમેરિકનને વળાવીને પોતાના ગજવામાં હાથ નાખે છે - શું તે વીઝીટીંગ કાર્ડ કાઢશે કે પછી બંદૂક કે પછી સ્યુસાઈડ બોમ્બની સ્વીચ દાબશે? અને પેલો અમેરિકન કોણ હતો, કોઈ સામાન્ય ટુરિસ્ટ કે સિઆઇએ એજન્ટ? આ પ્રશ્નો સાથે નવલકથા પૂરી થાય છે કારણકે પેલા સવાલોના જવાબ આપણે જાતે ચંગેઝે કહેલી પોતાના જીવનની આખી વાત પરથી શોધવાના છે. મોહસીન હમીદ બહુ જ સલૂકાઈથી આપણને ભાન કરાવે છે કે 9/11 પછી આપણે બધાય કેવા વહેમી અને શંકાશીલ થઇ ગયા છીએ. મોહસીન હમીદની નવલકથા માર્કેટ ફંડામેન્ટલસ અને ધાર્મિક ફંડામેન્ટલસની વચ્ચે લોલકની જેમ ઝૂલે છે અને તેનો નાયક બંને પ્રકારના ફંડામેન્ટલીસ્ટ બની શકવાની પૂરતી શક્યતાઓ ધરાવતો હોવા છતાં તેમ કરવાની અનિચ્છા (reluctance) બતાવે છે.
મુખ્ય કલાકાર રીઝ અહમદ સાથે ફિલ્મ દિગ્દર્શક મીરાં નાયર |
આ પ્રકારના પ્લોટ પર ફિલ્મ બનાવવી અઘરી કહેવાય કારણકે પેલા અજાણ્યા અમેરિકનને ચહેરો અને ઓળખ આપવી પડે. જે લેખનમાં સહેલાઇથી છૂપાવી શકાય અને જેના વાચકો વિવિધ અર્થો તારવી શકે તે બધું ફિલ્માંકનમાં છતું કરવું પડે. તેથી આ ફિલ્મ મીરાં નાયર બનાવશે તેવી જાહેરાત થઇ ત્યારથી જ મને ફિલ્મ જોવાની તાલાવેલી હતી. આ પહેલાંની મીરાં નાયરની બે ફિલ્મો 'મોન્સૂન વેડિંગ' અને 'નેઈમસેક' બરાબર મોંઢે હતી. મીરાં નાયરના પિતા અમૃતરાય નાયર મૂળ લાહોરનાં હતાં અને આ ફિલ્મનું ઘણું શૂટિંગ પણ લાહોરમાં થયું છે. આ ફિલ્મમાં અલગ પ્રકારની મજા છે. ફિલ્મ માટે મૂળ નવલકથાના પ્લોટમાં ઘણાં ફેરફારો કરવામાં આવ્યા છે. અહીં આખી વાતચીત કોઈ પાકિસ્તાની અને કોઈ અમેરિકન નહિ પણ જેના પર કટ્ટરપંથી હોવાની શંકા છે તેવા એક પાકિસ્તાની અધ્યાપક અને સીઆઇએને છૂપી રીતે મદદ કરી રહેલા અમેરિકન પત્રકાર વચ્ચે બહુ તંગ વાતાવરણમાં થાય છે. મૂળ વાર્તાનું હાર્દ બદલાતું નથી પણ તેનો આખો પરીપેક્ષ બદલાઈ જાય છે. નવલકથા વાંચતા વાચકના મનમાં થતાં ઘમાસાણની સામે અહીં સીધી લીટીની પણ રસપ્રદ વાર્તા છે. મને આ નિરૂપણમાં પણ મજા આવી અને અલગ પ્રકારનો અનુભવ થયો પણ પુસ્તક-રસિયાઓ એવી ફરિયાદ કરી જ શકે કે શું મેં અને મીરાં નાયરે એકસરખું જ પુસ્તક વાંચ્યું હતું કે બીજું કોઈ! મીરાં નાયરે પુસ્તકનું ફિલ્મ નિરૂપણ કરતાં લેવા જેવી બધી આઝાદી લીધી છે. તેનાથી ફિલ્મની કથાવાર્તા અલગ પ્રકારની બને છે. પણ પુસ્તક અને ફિલ્મ વચ્ચે આટલો તફાવત હોઈ જ શકે. આખરે ફિલ્મની પટકથા મોહસીન હમીદે બીજા એક લેખક સાથે મળીને જ લખી છે.
એક મહત્વની વાત એ છે કે આ ફિલ્મ જોતા મને ક્યારેય એવું લાગ્યું જ નહિ કે આ પાકિસ્તાનની જ વાત છે. આ પ્રકારની વાર્તા ભારતીય વાતાવરણમાંથી પણ ઉદ્ભવી શકે છે. જે ચંગેઝ સાથે થયું - સારું ને ખોટું બંને - તે કોઈ ભારતીય યુવાન સાથે પણ થઇ શકે છે. 9/11 પછીના અમેરિકામાં સ્થાનિક ગુસ્સાનો ભોગ શીખ સમુદાયને બનવું પડ્યું હતું. વિદેશમાં રહેલા દેશીઓને અનુભવ હશે જ કે વંશીય હુમલા માટે દક્ષિણી એશીયાઇ ચામડી હોવું પુરતું છે, તેમાં પછી કોઈ તમારો ધર્મ કે સરનામું પૂછવા નથી જતું. નફરત આંધળી હોય છે પણ પ્રેમ કરવા માટે સમજ જોઈએ અને સમય કાઢીને ધર્મ-સરનામાંના ભેદ એક પછી એક ભૂલવા પડે છે. સીઆઇએ અને કટ્ટરપંથીઓ વચ્ચે શાંતિ અને સમૃદ્ધિ ચાહતા ચંગેઝ જેવા યુવાનોની આખી પેઢી પીસાઈ જાય છે. જો તમે આ કહેવાતા ધર્મયુદ્ધ કે ન્યાયિક યુધ્ધમાં કોઈ એક પણ પક્ષે જતાં રહેવું સહેલું પડે છે પણ જો તમે શાંતિ-અમનના પક્ષે હોવ તો સૌથી કફોડી પરિસ્થિતિમાં હોવ છો. કારણકે કટ્ટરપંથીઓ તમને 'દેશદ્રોહી' માને અને સામો પક્ષ તમને કટ્ટરપંથી માને છે. આ બંને પ્રકારના અંતિમો ખાળીને ત્રીજા પક્ષની વાત વહેતી કરવી અઘરી હોય છે. પુસ્તક અને ફિલ્મમાં આ જ સંઘર્ષની વાત છે. પુસ્તક ન વાંચ્યું હોય તો વાંચી લેશો, એક જ બેઠકમાં પૂરું થઇ જશે અને ફીલ્મ ન જોઈ હોય તો થીયેટરમાં જોઈ લેશો.
મજાની વાત એ છે કે હમીદની બીજી નવલકથા 'ધ રીલકટન્ટ ફંડામેન્ટલીસ્ટ'માં આખી વાર્તા પહેલા પુરુષ એકવચનમાં કહેવાઈ છે. તેની નવી અને ત્રીજી નવલકથા 'હાઉ ટુ ગેટ ફીલ્ધી રીચ ઇન રાઈઝીંગ એશિયા' બીજાપુરુષ એકવચનમાં લખાઈ છે એટલે કે 'તમને' ઉદ્દેશીને અને તે પણ સેલ્ફ-હેલ્પ બૂકની શૈલીમાં. હમીદનું આ નવી નવલકથા હમણાં જ ખરીદેલી છે અને બસ તેની પર હાથ અજમાવવાનો છે. તે પછી કદાચ મને તે સેલ્ફ-હેલ્પ પહોંચે તો તે બ્લોગપોસ્ટે પહોંચે પણ ખરી.