Friday, February 24, 2012

'હું નાસ્તિક કેમ છું?' - ભગતસિંહ (ભાગ-૨)

(Famous photograph of Bhagat Singh, 1929. Source: Wikipedia)

'હું નાસ્તિક કેમ છું?' (ભાગ-1) (http://charkho.blogspot.com/2012/02/blog-post.html

'હું નાસ્તિક કેમ છું?' (ભાગ-૨)
- ભગતસિંહ

હવે આપણે બીજા પ્રશ્ન પર આવીએ છીએ જો (નાસ્તિક હોવા પાછળનું કારણ) ઘમંડ કે અહંકાર ન હોય તો આદિકાલથી ચાલી આવતી ઈશ્વર પરની માન્યતાને નકારવાનાં કોઈ મજબૂત કારણો મારી પાસે હોવા જોઈએ. ચાલો, એ પ્રશ્નની ચર્ચા કરીએ. મને લાગે છે કે જે વ્યક્તિ પાસે તર્કની શક્તિ હોય છે તે પોતાની જીંદગી અને આસ-પાસના લોકોને તે સમઝશક્તિથી સમજવાનો પ્રયત્ન કરતો હોય છે. જ્યાં મજબૂત પુરાવાઓનો અભાવ હોય છે ત્યાં સાધકભાવવાળી ફિલસૂફી ઘૂસી જાય છે. મેં આગળ જણાવ્યા પ્રમાણે, મારા એક ક્રાંતિકારી મિત્ર કહેતા કે, '(સાધકભાવવાળી) ફિલસૂફી એ માનવીય નિર્બળતાનું પરિણામ છે'. આપણા પૂર્વજો પાસે જગતના રહસ્યોને ઉકેલવા માટે ઘણી ફુરસદ હતી; રહસ્યોના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, તેનાં 'શા માટે' અને 'એટલાં માટે' વગેરે. પણ સીધા પુરાવાની જબરજસ્ત ખોટને લીધે, દરેકે પ્રશ્નોના ઉકેલો પોતાની રીતે શોધવાનો પ્રયત્ન કર્યો. તેથી જ આપણને વિવિધ ધાર્મિક પંથોના મૂળભૂત સિદ્ધાંતોમાં મોટો તફાવત જોવા મળે છે. ક્યારેક તેઓ બહુ વિરોધાભાસી અને વિસંવાદી સ્વરૂપો લે છે. આપણને પૂર્વીય (Oriental) અને પાશ્ચાત્ય (Occidental) ફિલસૂફીમાં મોટો તફાવત જોવા મળે છે. દરેક ભૂગોળાર્ધમાં વિવિધ પંથોની વિચાર-વ્યવસ્થામાં ફેરફાર જોવા મળે છે. એશિયામાં જોવા મળતા ધર્મોમાં, ઇસ્લામ ધર્મ હિંદુ ધર્મથી અસંગત છે, તો જૈન અને બૌદ્ધ ધર્મ એ બ્રાહમણવાદથી બહુ અલગ છે. અને પછી બ્રાહ્મણવાદની અંદર જ, આપણને બે વિસંગત પંથ જોવા મળે છે: આર્ય સમાજ અને સનાતન ધર્મ. ચાર્વાક વળી એક બીજો આદિકાલનો સ્વતંત્ર વિચારક જોવા મળે છે. તેણે તો ઈશ્વરની સત્તાને પડકારી છે. આ બધી જ માન્યતાઓ ઘણા મૂળભૂત સિદ્ધાંતોના પ્રશ્નોમાં એકબીજાથી ભિન્ન પડે છે, પણ તેમાંનો દરેકનો પોતે જ સાચો ધર્મ હોવાનો દાવો છે. દરેક અનિષ્ટનું મૂળ આ છે. વિવિધ વિચારો અને આદિકાલના ચિંતકોના પ્રયોગોને વિકસિત કરવાને બદલે, તે દ્વારા આપણી જાતને ભવિષ્યના સંઘર્ષ માટે વિચારો પર આધારિત હથિયારથી સજ્જ કરવાને બદલે - આપણે એવા આળસુ, સુસ્ત, ધર્માંધ છીએ કે - આપણે રૂઢિચુસ્ત ધર્મને વળગી રહીને સમગ્ર માનવ જાગૃતિને બંધિયાર ખાબોચિયાંના સ્તર પર લાવી મૂકી છે.

(માનવ) ઉન્નતિના કાજે આગળ આવતાં દરેક વ્યક્તિ માટે જૂની માન્યતાઓના દરેક સિદ્ધાંતની ટીકા કરવી બહુ જરૂરી હોય છે. તેણે જૂની માન્યતાઓની યોગ્યતાને એક પછી એક પડકારવી પડે. તેણે દરેક વિગતનું વિશ્લેષણ કરીને તેને સમજવી પડે. જો આકરા વિચાર-વિમર્શ પછી, વ્યક્તિ કોઈ પ્રકારની (ધાર્મિક) ફિલસૂફીના સિદ્ધાંતોમાં માનવા તરફ દોરાય તો તેની શ્રદ્ધા-માન્યતા સમજી શકાય. કદાચ તેનો તર્ક  ભૂલભરેલો કે ખોટા માર્ગે દોરનારો હોઈ શકે. પણ તેને સુધરી શકવાની તક છે કારણકે તર્કશક્તિ તેના જીવનનો માર્ગસૂચક સિદ્ધાંત છે. પણ શ્રદ્ધા - ખરેખર તો કહેવું જોઈએ - અંધશ્રદ્ધા વિનાશકારી છે. તે વ્યક્તિને તેની સમજણશક્તિથી વંચિત કરે છે અને તેને પ્રત્યાઘાતી બનાવે છે.

જો કોઈ વ્યક્તિ વાસ્તવવાદી બનવાનો દાવો કરતો હોય તો તેણે જૂની-પુરાણી માન્યતાઓની સત્યતાને પડકારવી જોઈએ. જો માન્યતાઓ તર્કનું ભીષણ આક્રમણ ખાળી ન શકે તો તે ભાંગી પડે છે. ત્યારબાદ નવી ફિલસૂફીનું ખેડાણ કરવાનું કામ વ્યક્તિએ શરુ કરવું જોઈએ. પહેલું કામ નકારાત્મક હતું. ત્યાર બાદ સકારાત્મક કામ આવે છે કે જેમાં જૂના સમયની થોડી સામગ્રીનો ઉપયોગ કરીને નવી ફિલસૂફીના સ્તંભ ચણી શકાય. જ્યાં સુધી મને લાગે વળગે છે ત્યાં હું સ્વીકારું છું કે આ વિષયમાં મારો પુરતો અભ્યાસ નથી. મને પૂર્વીય (Oriental) ફિલસૂફી ભણવાની બહુ સખત ઇચ્છા છે, પણ મને જોઇતી તક અને પુરતો સમય મળ્યો નથી. જો કે હું જ્યારે જૂની-પુરાણી માન્યતાઓને નકારું છું ત્યારે તે એક માન્યતાને બીજી માન્યતાથી હરાવવાની વાત નથી. હું તો જૂની માન્યતાઓની યોગ્યતાને મજબૂત દલીલો વડે પડકારું છું. હું પ્રકૃતિમાં એ રીતે માનીએ છીએ કે માનવ વિકાસનો આધાર પ્રકૃતિ પરના નિયમનમાં રહેલો છે. તેની પાછળ કોઈ ચેતનવંત સત્તાધીશ નથી. આ જ અમારી ફિલસૂફી છે.

હું એક નાસ્તિક તરીકે, આસ્તિકોને અમુક પ્રશ્નો પૂછું છું:

૧. જો, તમે એવું માનો છો કે સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વોચ્ચ ઈશ્વરે પૃથ્વી કે બ્રહ્માંડનું સર્જન કર્યું, તો મહેરબાની કરીને સૌ પ્રથમ મને જણાવો કે, આ દુનિયાનું સર્જન જ કેમ થયું. આ દુનિયા કે જે પીડા-વ્યથા અને તીવ્ર ગરીબીથી ભરેલી છે, જ્યાં એક પણ વ્યક્તિ શાંતિથી એક પળ જીવી શકતો નથી.

૨. મને એમ નહિ કહેતા કે આ જ તેનો નિયમ છે. જો તે નિયમોથી બંધાયેલો હોય તો તે સર્વશક્તિમાન નથી. એમ પણ ન કહેતા કે આ જ તેની મજા કે મરજી છે. (સમ્રાટ) નીરોએ રોમને સળગાવ્યું હતું. તેણે અમુક સંખ્યામાં લોકોને મારી નાખ્યા. તેણે ય અમુક કરુણાંતિકા સર્જી છે, તે પણ તેની મરજી મુજબની રોગિષ્ઠ મજા માટે. પણ તેનું ઇતિહાસમાં શું સ્થાન છે? કેવા નામ આપીને તેને આપણે યાદ કરીએ છીએ? બધા જ નિંદાત્મક વિશેષણો તેને અફાળવામાં આવે છે. નેરોને વખોડતી ભીષણ નિંદાથી ઇતિહાસના પાનાં રંગાયેલા છે: જુલમી, દયાવિહીન, દુરાચારી. એક ચંગીઝ ખાને અમુક હજાર લોકોને તેની મરજી મુજબની મજા માટે મારી નાખ્યા અને આપણે તેના નામમાત્રથી નફરત કરીએ છીએ. હવે, તમારો સર્વશક્તિશાળી, શાશ્વત નીરો, જે દર રોજ, દરેક ક્ષણે પોતાનો સમય પસાર કરવા માટે લોકોને મારે છે, તેને તમે કેવી રીતે વ્યાજબી ગણાવો છો? તમે કેવી રીતે તેના કારસ્તાનને સમર્થન આપો કે જે (કારસ્તાનો) ચંગીઝ ખાનથી ક્રૂરતામાં આગળ વધી જાય અને જેના લીધે લોકો પર કંગાલિયત લદાઈ જાય. હું પૂછું છે કે તે સર્વશક્તિશાળીએ આવી દુનિયા જ કેમ બનાવી કે જે જીવતા નર્ક જેવી છે, એક સદંતર બદસ્વાદ, શાંતિવિહોણી જગ્યા. તેણે માનવનું સર્જન જ કેમ કર્યું જ્યારે તેની પાસે તેમ ન કરવાની સત્તા હતી? શું તમારી પાસે મારા કોઈ પ્રશ્નોનો કોઈ જવાબ છે? તમે કદાચ એમ કહેશો કે આ બધું તો જે સહન કરે છે તેને સારું વળતર આપવા અને અનિષ્ટ કરનારને સજા કરવા માટે છે. વારુ, વારુ, તમે એક વ્યક્તિ કે જે પહેલા તમારા શરીરને પીડા આપે છે અને પછી તેના પર ધીમેથી પંપાળીને મલમ લગાડે છે તેના વર્તનને ક્યાં સુધી યોગ્ય ગણાવશો? પેલા કુસ્તીના દંગલના આયોજક કે સમર્થકો ગુલામ યોદ્ધાઓને ભૂખ્યા સિંહો સામે ફેંકી દેતા, જો તે ભયંકર મૃત્યુમાંથી બચી જાય તો તેમની સારવાર કરીને તેમની કાળજી લેતા, તેઓ કેટલા અંશે વ્યાજબી હતાં? તે માટે હું પૂછું છું કે: શું માનવીનું સર્જન આ પ્રકારની મજા લેવા માટે થયું હતું?

આંખો ઉઘાડો અને જુવો કે ઝૂંપડપટ્ટીઓમાં લાખો લોકો ભૂખે મરી રહ્યા છે અને તે ઝૂંપડીઓ જેલની ગમગીન અંધારકોટડી કરતાં પણ ગંદી હોય છે; મજૂરોને ધીરજપૂર્વક કે નિષ્ઠુરતાપૂર્વક જોતા રહો કે કેવી રીતે અમીર પિશાચ તેમનું લોહી ચૂસે છે; આ રીતે થતા માનવીય શક્તિના બગાડની વાત તમારા મન પર લઇ આવો કે જે થોડી પણ સામાન્યબુદ્ધિ ધરાવતા વ્યક્તિને થથરાવી મૂકશે. જરા જુવો કે અમીર દેશો તેમનું વધારાનું ખાદ્ય ઉત્પાદન, જરૂરીયાતમંદ અને વંચિતોમાં વહેંચવાને બદલે દરિયામાં ફેંકી દે છે. માનવીય કંકાલના પાયાઓ પર રાજાઓના મહેલો બંધાય છે. તેમને આ બધું જોવા દો અને બોલવા દો કે '' ઈશ્વરના રાજ્યમાં બધે સુખ-શાંતિ છે'' (All is well in God's Kingdom). આવું શા માટે? તે મારો પ્રશ્ન છે. તમે શાંત થઇ ગયા છો. ભલે ત્યારે, હું મારો આગળનો મુદ્દો ઉઠાવું છું.

તમે, હિંદુધર્મીઓ, એવું કહેશો કે: જે કોઈ પણ આ જનમમાં તકલીફો સહન કરે છે, તે પાછલા જનમમાં જરૂર પાપી હશે. એ વાતને સમકક્ષ એવું કહી શકાય કે જે અત્યારે શોષણકર્તા છે તે જરૂર પાછલા જનમમાં દૈવી લોકો હશે. માત્ર એ જ કારણથી અત્યારે તેમની પાસે સત્તાના સૂત્રો છે. હું સીધુંસટ કહું છું કે તમારા પૂર્વજો ચાલાક લોકો હતા. તેઓ હંમેશા ક્ષુદ્ર રમતો રચવાની શોધમાં રહેતા કે જેથી લોકોની તર્કની શક્તિ છીનવી શકાય. ચાલો, આગળ મારી દલીલમાં કેટલું વજન છે તેનું વિશ્લેષણ કરીએ.

ગુનો કરનારને મળતી સજા માટે કાયદાશાસ્ત્રની ફિલસૂફીમાં નિષ્ણાત લોકો ત્રણ કે ચાર સિદ્ધાંતોનો સજાને વ્યાજબી ઠરાવવા ઉપયોગ કરે છે. જે આ પ્રમાણે છે: બદલો, સુધારણા અને નિવારણ. બદલાના (કરેલા ગુનાની વસૂલાત) સિદ્ધાંતને તો હવે દરેક વિચારક વખોડી કાઢે છે. (ગુના) નિવારણનો સિદ્ધાંત પણ તેની ખામીના કારણે ત્યજાઈ જવામાં છે. (ગુનેગારના) સુધારણાનો સિદ્ધાંત હવે વિસ્તૃત સ્વીકૃતિ પામ્યો છે અને તેને માનવ વિકાસ માટે જરૂરી મનાય છે. તેનો ઉદ્દેશ ગુનેગારને સુધારવાનો છે અને તેને શાંતિપ્રિય નાગરિક બનાવવાનો છે. એવો કયો ઉદ્દેશ ભગવાને આપેલી સજા પાછળ હોય છે ભલેને પછી તે જેને કોઈ નુકસાન કર્યું છે તેને જ (સજા) કેમ ન મળી હોય? ચાલો, આ દલીલ માટે ક્ષણિક એવું માની લઈએ કે જો એક વ્યક્તિએ કોઈ ગુનો પાછલા જન્મમાં કર્યો હોય તો ભગવાન તેને બિલાડી કે ગાય, ઝાડ-પાન કે બીજું કોઈ પ્રાણી બનાવીને સજા આપે છે. તમે આવી ભગવાને આપેલી સજાઓનો હિસાબ માંડો તો ચોર્યાસી લાખ થાય છે. હવે આ મૂરખવેડાં, જે (ભગવાને આપેલી) સજાના નામે ચલાવાય છે તેની માનવજાત પર કોઈ સુધારણાવાદી અસર થાય છે કે? તમે એવા કેટલા લોકોને મળેલા છો કે જે કોઈ પાપ કરવાને લીધે પૂર્વજન્મમાં ગધેડાનો અવતાર હતાં? ચોક્કસ એવું કોઈ જ નહિ હોય! તો પછી આ પૂર્વજન્મનો પૌરાણિક કહેવાતો સિદ્ધાંત એ પરી-કથા સિવાય કશું નથી. મને તો આ અકથ્ય બકવાસને ચર્ચામાં લાવવાનો કોઈ મતલબ લાગતો નથી.

શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી શ્રાપિત પાપ હોય તો તે 'ગરીબ હોવું' છે? હા, ગરીબી એ પાપ છે, ગરીબી એ સજા પણ છે. ધિક્કાર હજો એ કાયદા ઘડનાર, વકીલ કે ન્યાયાધીશ પર કે જે વ્યક્તિને આવા અધમ પાપના કળણમાં ખૂંપાવી દેતા પગલાંની દરખાસ્ત કરે છે. શું તમારા સર્વજ્ઞ ઈશ્વરને આવું સૂઝ્યું નહિ કે પછી તેને આ સત્ય લાખો લોકોની અકથ્ય વેદનાઓ અને યાતનાઓ પછી જ સમજાયું? તમારા સિદ્ધાંતો પ્રમાણે, તમે એ વ્યક્તિની દશા વિષે શું માનો છો કે જેણે પોતે કોઈ ગુનો કર્યા વગર (કહેવાતી) નીચી જાતિના કુટુંબમાં જન્મ લીધો હોય? કે એ ગરીબ હોય અને તેના લીધે તે સ્કૂલ ન જઈ શકે. કે જેની એ જ નિયતિ છે કે તેને (કહેવાતી) ઉંચી જાતિમાં જન્મેલાં તરફથી ધિક્કાર મળે અને હડધૂત થવું પડે છે. તેના નિરક્ષરતા, ગરીબી અને બીજાઓ તરફથી મળતા ધિક્કારને લીધે તેનું હ્રદય સમાજથી વધુને વધુ વિમુખ થતું રહેશે. ધારો કે તે કોઈ ગુનો કરે તો તેનું પરિણામ કોણ ભોગવશે? તે વ્યક્તિ, ઈશ્વર કે સમાજના સુશિક્ષિત લોકો? સ્વાર્થી અને ગર્વિષ્ઠ બ્રાહ્મણોએ જેમને ઇરાદાપૂર્વક અજ્ઞાની રાખ્યા છે તેવા લોકોને મળતી સજાઓ વિષે તમારો મત શું છે? જો ભૂલથી આ ગરીબ 'પ્રાણીઓ' વેદો કે તમારા પવિત્ર પુસ્તકોના અમુક શબ્દો સાંભળી લીધા હોય તો આ બ્રાહ્મણો તેમના કાનમાં પ્રવાહી સીસું રેડી દેતા. જો એ લોકો કોઈ ગુનો કરે તો તેના માટે દોષિત કોણ? આખરે કોણે સહન કરવાનું આવશે?
મારા વહાલા દોસ્તો, આ બધા સિદ્ધાંતો અને શાસ્ત્રો એ વિશેષાધિકાર ભોગવતા વર્ગોની ઉપજ છે. તે લોકો આવા સિદ્ધાંતો-શાસ્ત્રોના ઉપયોગથી પોતાની સત્તાને વ્યાજબી ગણાવે છે, સંપત્તિ એકઠી કરે છે કે પચાવી પાડે છે. કદાચ અપ્ટન સીન્ક્લેરે જ ક્યાંક લખ્યું છે કે, 'માનવીને આત્માના અમરત્વમાં ચુસ્ત રીતે માનતો કરો, પછી તેની પાસે જે હોય તે લૂંટી લો, પછી તે પોતે પણ આ પ્રક્રિયામાં તમને રાજી-ખુશીથી મદદ કરશે'. ધાર્મિક પ્રચારકો અને સત્તાધારીઓ વચ્ચેની ગંદી સાઠગાંઠને લીધે ચાબુક, જેલ, વધસ્તંભ અને સૌથી વધુ તો આવા સિદ્ધાંતો વગેરેના 'વરદાન' (સમાજ પર) ઉતરી આવ્યા છે.

હું પૂછું છું કે શા માટે તમારો સર્વશક્તિશાળી ઈશ્વર (કે ધર્મ) કોઈ વ્યક્તિ પાપ કે ગુનો કરતો હોય તે પહેલા તેને રોકી શકતો નથી. ઈશ્વરમાટે તો તે બાળરમત હશે ને. શા માટે તેણે યુદ્ધખોરોને મારી ન નાખ્યા? શા માટે તેણે તેમના મગજમાંથી યુદ્ધનો ઉન્માદ જ ભૂંસી ન કાઢ્યો? આ રીતે તેણે માનવજાતને મોટી આફતો અને ત્રાસદીથી બચાવી હોત. શા માટે તે બ્રીટીશરોમાં માનવતાવાદી લાગણીઓ રેડતો નથી કે જેથી રાજી-ખુશીથી તેઓ ભારત છોડીને ચાલ્યા જાય? હું પૂછું છે કે શા માટે તે મૂડીવાદી વર્ગોના હ્રદયમાં પરગજુ માનવતાવાદ ઉમેરતો નથી કે જેથી ઉત્પાદન પ્રણાલીના ખાનગી અંકુશો તે છોડી દે અને મજૂરી કરતી સમગ્ર માનવજાતને નાણાંની બેડીઓમાંથી મુક્તિ મળે. જો તમે સમાજવાદી સિદ્ધાંતની વ્યવહારદક્ષતાના અંગે દલીલ કરશો તો હું તો તમારા સર્વશક્તિશાળી ઈશ્વર પર તેનું અમલીકરણ છોડી દઉં છું. સામાન્ય લોકો સમાજવાદી સિદ્ધાંતના ફાયદા સમાજ કલ્યાણની યોજનાઓ સુધી જ સમજે છે અને પછી તેનું અમલીકરણ ન થઇ શકે તેવા બહાનાં હેઠળ તેનો વિરોધ કરે છે. ભલે તો પછી ઈશ્વરને આગળ વધવા દો અને બધું વ્યવસ્થિત કરી દેવા દો! હવે તર્કને તરકટ કરવાનું બંધ કરીએ. બ્રિટીશ રાજ એ ઈશ્વરી ઇચ્છાના લીધે નથી પણ આપણે દ્ગઢતા અને હિંમતથી તેનો સામનો કરી શકતા નથી એટલે ચાલે છે. તેઓ આપણને ઈશ્વરી વરદાનથી દબાવી નથી રહ્યા પણ બૉમ્બ અને બંદૂક, રાઈફલ અને કારતૂસ, પોલીસ અને લશ્કર અને સૌથી વધુ તો આપણી પોતાની ઉદાસીનતાથી દબાવીને, તેઓ સફળતાથી સૌથી જઘન્ય પાપ કરી રહ્યા છે કે જેમાં એક દેશ બીજા દેશનું શોષણ કરે છે. ઈશ્વર ક્યાં છે? તે શું કરે છે? તેને આ બધું કરીને કોઈ  રોગીષ્ઠ મજા આવી રહી છે? એક નીરો! એક ચંગીઝ ખાન! મુર્દાબાદ!

હવે ઉપજાવી કાઢેલી વાતો ચાલતી હોય તેવો એક ઓર વિષય. તમે મને પૂછશો કે હું પૃથ્વીની વ્યુત્પત્તિ અને માનવજીવનની શરૂઆત કેવી રીતે સમજાવું છું. ચાર્લ્સ ડાર્વિને આ વિષય પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે. તેના પુસ્તકનો અભ્યાસ કરો. સોહમ સ્વામીના 'કોમન સેન્સ' પર પણ નજર નાખો. તમને સંતોષકારક જવાબ મળી જશે. આ વિષયનો સંબંધ જીવવિજ્ઞાન અને પ્રકૃતિવિજ્ઞાન સાથે છે. આ કુદરતની બીના છે. વિવિધ અવકાશીય પ્રદાર્થોના અકસ્માતી મિશ્રણને લીધે બનતી નીહારિકામાંથી પૃથ્વીનો જન્મ થયો છે. ક્યારે? આ માટે (જૈવ) ઇતિહાસનો અભ્યાસ કરવો પડે. આ જ પ્રક્રિયા દ્વારા પ્રાણીઓની ઉત્ક્રાંતિ થઇ અને લાંબા સમય બાદ માનવીની. ડાર્વિનનું પુસ્તક 'ઓરીજીન ઑફ સ્પીશીઝ' વાંચો. ત્યાર બાદનો સમગ્ર વિકાસ માનવીના કુદરત સાથેના સતત સંઘર્ષ અને કુદરતનો પોતાની રીતે ઉપયોગ કરવાની ખૂબી ને કારણે થયો. આ બીનાનું આ બહુ ટૂંકુ રેખાંકન છે.

તમારો આગલો પ્રશ્ન હશે કે પાછલા જન્મમાં કોઈ પાપ ન કર્યા હોવા છતાં કેમ કોઈ બાળક અંધ કે અપંગ જન્મે છે. આ પ્રશ્ન પણ જીવવિજ્ઞાનીઓ દ્વારા સંતોષકારક રીતે એક જીવવિજ્ઞાનની બીના તરીકે સમજાવવામાં આવ્યો છે. તેમના કહેવા પ્રમાણે સમગ્ર આધાર માતા-પિતાના સભાન કે અભાનપણે કરેલી કોઈ ક્રિયા કે (શારીરિક) રચના પર હોય છે જેના લીધે જન્મ પહેલાથી જ બાળકમાં ખોડખાંપણ આવી હોય.

તમે મને કદાચ એક ઓર પ્રશ્ન પૂછશો, પણ તે બહુ બાલીશ છે. પ્રશ્ન છે કે જો ઈશ્વરનું અસ્તિત્વ જ ન હોય તો લોકો તેમાં માનવાનું શરુ કેમ કરે છે? મારો જવાબ ટૂંકો અને સ્પષ્ટ છે. જેમ લોકો ભૂત, પ્રેતાત્મા વગરેમાં માને છે તેવી જ રીતે ઈશ્વર વિષે પણ માન્યતા ઉભી થઇ છે ને પ્રસર્યા કરે છે: એક જ ફરક એ છે કે ઈશ્વર વિષેની માન્યતા સાર્વત્રિક છે અને તેની પાછળ સુવિકસિત ધાર્મિક ફિલસૂફી છે. જો કે હું આવી ફિલસૂફી સાથે સંમત થતો નથી. તેની(ઈશ્વરની) વ્યુત્પત્તિ એ શોષણખોરોની લંપટાઈને આભારી છે. તેઓ એક સર્વોચ્ચ શક્તિનું અસ્તિત્વ હોવાનો પ્રચાર કરીને જનતાને પોતાની સત્તા હેઠળ દબાવીને રાખવા માંગતા હતા. આ રીતે ઈશ્વરી સત્તાનો અધિકૃત હક્ક પોતાની પાસે હોવાનો દાવો કરીને (સમાજમાં) વિશેષાધિકાર ભોગવતા રહ્યા. હું બધા જ ધર્મોના, સંપ્રદાયોના, ધાર્મિક ફિલસૂફીના કે આવી સંસ્થાઓના મૂળ મુદ્દાઓ સાથે અસંમત નથી થતો પણ લાંબા ગાળે તેઓ જુલમી, શોષણખોર વ્યક્તિઓ, સંસ્થાઓ અને વર્ગોના સમર્થકો કે પ્રતિનિધિ બની જાય છે. રાજાના સામે વિદ્રોહ કરવું તે દરેક ધર્મમાં હંમેશા પાપ જ ગણવામાં આવતું.

જ્યાં ઈશ્વરની વ્યુત્પત્તિની વાત છે ત્યાં મારો વિચાર છે કે જ્યારે માનવીને પોતાની નબળાઈ, ખામીઓ અને મર્યાદા વિષે ભાન થયું ત્યારે માનવીએ ઈશ્વરનું સર્જન પોતાની કલ્પનાઓથી કર્યું છે. આ રીતે તેને બધી જ કપરી પરિસ્થિતિનો અને જીવન દરમ્યાન આવતા બધા જ ડરનો સામનો કરવાની હિંમત મળી, અને તેને સમૃદ્ધિ અને સંપત્તિની (અસમાનતાની) વિરુદ્ધમાં ઊભરો દબાવી રાખવાનું કારણ પણ મળ્યું. ઈશ્વરને તેના ઉટપટાંગ કાયદા અને પૈતૃક ઉદારતા સાથે વિવિધરંગી કલ્પનાઓના રંગે સતત ચીતરવામાં આવ્યો. કોઈ વ્યક્તિ સમાજની સામે ભય ઉભો ન કરી શકે તે માટે ઈશ્વરનો ઉપયોગ દૈવી રોષ અને ઈશ્વરી કાયદાનું નામ લઈને પ્રતિબંધક પરિબળ તરીકે કરવામાં આવ્યો. ઈશ્વર દુર્દશા પામેલ આત્માના આક્રંદ માટે હતો કારણકે જ્યારે દુર્દશાનો સમય હોય અને વ્યક્તિ એકલવાયો અને અસહાય પડી જાય ત્યારે તે (ઈશ્વર)  માતા-પિતા, ભાઈ-બહેન કે મિત્ર તરીકે સાથે ઊભો રહી શકે. દુર્દશામાં રહેલા વ્યક્તિ માટે જ ઈશ્વર એક મદદરૂપ વિચાર છે.

જેમ સમાજ આંધળી મૂર્તિપૂજા અને ધર્મની સાંકડી વ્યાખ્યાઓનો વિરોધ કરે છે તે રીતે સમાજે ઈશ્વરમાં માન્યતાની સામે જ લડવું જોઈએ. આ રીતે માનવી પગભર થઇ શકશે. આ રીતે જ માનવી પોતાની શ્રદ્ધાને એક બાજુએ ફેંકીને બધી જ વિષમતાઓનો સામનો હિંમત અને બહાદુરીથી કરશે. અત્યારે મારા મગજમાં બિલકુલ આ જ છે. મારા મિત્રો, આ મારો ઘમંડ નથી, આ જ મારી વિચારવાની ઢબ છે જેના લીધે હું નાસ્તિક છું. મને નથી લાગતું કે હું ઈશ્વરમાં મારી માન્યતા મજબૂત કરીને અને તેને નિયમિતતાથી ભજીને, (આ મને કોઈ પણ વ્યક્તિ માટે બહુ નીચ ક્રિયા લાગે છે), હું મારી પરિસ્થિતિમાં કોઈ સુધારો લાવી શકું છું કે ન તો હું તેને વધુ બગાડી શકું છું. મેં ઘણા નાસ્તિકો વિષે બધી જ મુસીબતનો સામનો નીડરતાથી કરતા હોવાનું વાંચ્યું છે, તો હું ય છેક છેલ્લે સુધી મસ્તક ઉન્નત રાખીને પુરુષાતનથી ઊભો રહીશ, વધસ્તંભ ઉપર પણ.

ચાલો જોઈએ છીએ કે હું કેટલો મક્કમ છું. મારા એક મિત્રે મને પ્રાર્થના કરવાનું કહ્યું છે. મેં તેને જ્યારે મારી નાસ્તિકતા વિષે જણાવ્યું તો તે કહે, 'જ્યારે તારા છેલ્લા દિવસો આવશે, ત્યારે તું (ઈશ્વરમાં) માનવાનું શરુ કરીશ'. મેં કહ્યું, 'જી ના, મારા સાહેબ, એવું ક્યારેય નહિ બને. મને તે નીચ અને નૈતિક જુસ્સો તોડતું કામ લાગે છે. બસ, આવા જ સ્વાર્થી કારણો માટે, હું ક્યારેય કોઈને નહિ ભજું.' વાચકો અને મિત્રો, શું આ ઘમંડ છે? જો હોય તો હું તેમાં જ માનું છું.

------
આ લેખના ભાષાંતરની શરૂઆત એટલા માટે થઇ કારણકે મારે આ લેખ ધ્યાનથી વાંચવો હતો. ભાષાંતર કરીએ તો સૌથી વધારે ધ્યાનથી વાંચી શકાય. બસ, આ રીતે જ આ કામ હાથમાં લીધું. પહેલો ભાગનું ભાષાંતર કર્યા પછી જાણવા મળ્યું કે કે ગુજરાતીમાં ભગતસિંહના લખાણોનું વર્ષો પહેલા ભાષાંતર થયેલું, જે અપ્રાપ્ય છે. તેથી તો આ કામ કરવાની વધુ જરૂર લાગી. આ પહેલા મને ભગતસિંહની શહાદત વિશેની 'વાર્તા' ખબર હતી પણ તેમના વિચારો વિષે બહુ ખબર ન હતી. એવું લાગે છે કે આપણા સ્વતંત્રસેનાનીઓ રાજા-રાણી પ્રકારની વાર્તાઓના પાત્રો બની ગયા છે અને તેઓ ખરેખર શું માનતા કે વિચારતા, તેમાં કોઈને બહુ રસ હોતો નથી. પ્રવર્તમાન વિવિધ વિચારધારાઓના પડદા વડે તેમને ઢાંકવામાં આવે છે અને પોતપોતાના વિચારોને સંગત વ્યાજબી ઠરાવવામાં આવે છે. સૌથી મોટો પ્રશ્ન છે કે જે લોકો એ ભારતની સ્વતંત્રતા માટે જીવન આપ્યું, તેમના સ્વતંત્ર ભારતનું સ્વપ્ન કેવું હતું? અને એ સ્વપ્નની સરખામણીમાં અત્યારે ભારત કેવું છે? 
મને ભગતસિંહના વ્યક્તિત્વમાં બેહદ રસ પડ્યો છે. મોતની સજાની રાહ જોઇને બેઠેલો એક ત્રેવીસ વર્ષનો છોકરો,  પોતે શું માને છે, કેમ માને છે અને તેના વૈચારિક સંઘર્ષ શું છે તે જણાવવામાં તેને રસ છે. આદર્શવાદનો આડંબર નથી, કોઈ દેખાડો નથી પણ પોતે જે માને છે તે પ્રમાણે વર્તવા માટેનો સંઘર્ષ દેખાઈ આવે છે. કોઈની આંધળી ભક્તિ નહિ, ન ધર્મની, ન પોતાની વિચારધારાની, ન પોતાના મિત્રો વગેરેની. તેનામાં એક પ્રકારની પ્રૌઢતા છે, તાર્કિક શક્તિ છે, વિવિધ વિષયો પર પોતીકી દ્રષ્ટિ છે અને વગર વિચાર્યે કોઈ 'કંઠી' ન પહેરવાની સ્વતંત્ર બુદ્ધિક્ષમતા છે. આ બધા એક વિચક્ષણ નેતાના લક્ષણો છે. 
વળી પાછાં સમયનું વહેણ ભગતસિંહ સુધી ખેંચી લાવશે તો વધુ કામ કરીશું. ભાષાંતરની ભાષા વગેરે અંગે આપના સૂચન આવકાર્ય છે. પહેલી પોસ્ટ પછી મળેલા શુભવચનો અને સૂચનો માટે ખૂબ આભાર.

Saturday, February 11, 2012

'હું નાસ્તિક કેમ છું?' - ભગતસિંહ (ભાગ-૧)

(One of the very few pictures of Bhagat Singh, (date is disputed) Source: Wikipedia article on Bhagat Singh)
મૂળ લેખ - નેશનલ બૂક ટ્રસ્ટ દ્વારા ૨૦૦૭માં પ્રસારિત, ડી.એન. ગુપ્તા સંપાદિત 'Bhagat Singh: Selected Speeches and Writings' પરથી.

ડી.એન.ગુપ્તાના કહેવા પ્રમાણે જેલમાં રહેલા ભગતસિંહ અને એક વૃદ્ધ કેદી વચ્ચે ચર્ચા થાય છે. પેલો કેદી ભગત સિંહને ધાર્મિક બનવાની સલાહ આપે છે અને એવું મહેણું પણ મારે છે કે જ્યારે અંત નજીક આવશે ત્યારે આપોઆપ ધાર્મિક બની જઈશ. જ્યારે ભગત સિંહના જિંદગીનો અંત નજીક હોય છે ત્યારે આ લેખ લખીને જેલ સત્તાવાળાથી છૂપાઈને તેમના પિતાજીને આપે છે. ભગતસિંહના પિતા લાલા લાજપતરાયે શરુ કરેલા સાપ્તાહિક 'ધ પીપલ'માં જૂન, ૧૯૩૧ના રોજ છપાવે છે. મૂળ લેખ પંજાબી ગુરુમુખીમાં લખાયો છે, જેનું ઉર્દુ અને પછી અંગ્રેજીમાં ભાષાંતર થયું છે. અહીં અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર થયું છે. આ લેખની ત્રણ-ચાર આવૃત્તિઓ વિવિધ જગ્યાએથી મળી આવે છે. મેં અહીં મુખ્યત્વે ઉપર જણાવેલા પુસ્તક પરથી યથાયોગ્ય લાગ્યું તેવી રીતે ભાષાંતર કર્યું છે. ક્યારેક કૌંસમાં શબ્દો ઉમેરવાની કે ફકરા પાડવાની છૂટછાટ લીધેલી છે, પણ લખાણનાં મૂળ હાર્દને જેમનું તેમ જ રાખ્યું છે. કદાચ ભગતસિંહ પાસે આ લેખને મઠારવાનો સમય કે અનુકૂળતા નહિ હોય કે પછી વારંવાર ભાષાંતરને લીધે મૂળ લખાણનો લહેકો ખોવાયો હોય તેવું લાગે છે. મેં મારી જીજ્ઞાસા સંતોષવા અને આ વ્યક્તિને વધુ નજીકથી જાણવા માટે, ભાષાંતરના કામની કોઈ જ તાલીમ કે અનુભવ ન હોવા છતાં આ કામ હાથ ધરવાનું સાહસ કર્યું છે. ક્યાંક છબરડાં હોય તો ચોક્કસથી જણાવશો.

ફાંસીની સજાની રાહ જોઇને બેઠેલા ૨૩ વર્ષના છોકરડાએ આ લેખ લખ્યો છે. આ છોકરો ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો 'શહીદ-એ-આઝમ' ન હોત તો પણ આ લેખ એટલો જ મહત્વનો છે. આ લેખ ખાસ્સો આત્મકથાનક છે. અહીં ભગતસિંહે પોતે કરેલું તેમના જીવનનું વર્ણન છે, પોતાની જાત સાથેના વૈચારિક સંઘર્ષનો એક પડઘો અહીં ઝીલાય છે. આ કોઈ ઉચ્ચ સ્થાનેથી બેસીને ઉપદેશ આપતો લેખક નથી પણ તમારી પાસે બેસીને 'લો કરું કોશિશ ને ફાવે તો કહું' કે 'કોઇ થોડું ખળભળાવે તો કહું' પ્રકારના લેખકનું લખાણ મને લાગે છે. લખાણમાં ભગતસિંહનું વ્યક્તિત્વ અને એક ઈમાનદારી ઝલકે છે અને તેથી જ અંગત રીતે આ લખાણની સરખામણી ગાંધીજીના 'સત્યના પ્રયોગો' સાથે થઇ જાય છે. તો હવે ભગતસિંહ પાસેથી સાંભળો કે તે કેમ નાસ્તિક છે. 

હું નાસ્તિક કેમ છું?
- ભગતસિંહ 
 
એક નવો પ્રશ્ન ઉભો થયો છે. મારું સર્વત્ર, સર્વવ્યાપ્ત ઈશ્વરના અસ્તિત્વમાં ન માનવું તે મારા ઘમંડ અને મિથ્યાભિમાનના લીધે છે કે નહિ. મને ક્યારેય એવું લાગતું નહોતું કે હું આ પ્રકારના વાદ-વિવાદમાં ઉતરીશ. મને બહુ જ ઓછા સમયથી જાણવા છતાં મારા અમુક મિત્રો (જો મારો મિત્રતાનો દાવો માન્ય રાખવામાં આવે તો)ની ચર્ચા પ્રમાણે તેઓ એવા ઉતાવળિયા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે મારી અ-ધાર્મિકતા (કે નાસ્તિકતા) એ મૂર્ખતા છે અને મારા અહંકારનું પરિણામ છે. આ ગંભીર પરિસ્થિતિ છે. હું કંઈ માનવીય બાલીશતાથી પર નથી. આખરે, હું ય માનવજાત જ છું અને તેનાથી વિશેષ કંઈ જ નથી. કોઈ તેનાથી વિશેષ હોવાનો દાવો જ ન કરી શકે. મારા વ્યક્તિત્વમાં એક ખામી છે જ, ગર્વ જેવો એક દુન્યવી ગુણ હું ય ધરાવું છું. મારા દોસ્તો મને સરમુખત્યાર કહે છે. ક્યારેક મને ફિશિયારીબાજ પણ કહેવામાં આવે છે. કેટલાક મને બહુ શેઠાઈ કરનાર માને છે, તો કોઈ કહે છે હું મારા વિચારો તેમની પર થોપું છું. હા, આ બધું કેટલીક હદ સુધી સાચું પણ છે. હું આ તહોમતને નકારી કાઢતો નથી. પણ જ્યારે આપણા સમાજના (ધાર્મિકતા જેવા) નકામા, કાલગ્રસ્ત, સડેલાં મૂલ્યોની વાત આવે છે, ત્યાં હું એકદમ વહેમી, સંશયી બની જાવું છું. (કારણકે) આ પ્રશ્ન મારા એકલા વિષે નથી. હું મારા વિચારો, મારા આદર્શો અંગે ગર્વ ધરાવું છું. એને ખાલી ગર્વ ન કહી શકાય. ગર્વ, કે પછી જો બીજો શબ્દ વાપરીએ તો, ઘમંડ, બંનેનો અર્થ થાય છે પોતાના વ્યક્તિત્વનું અતિશયોક્તિ ભર્યું નિદાન. શું મારી નાસ્તિકતા મારા મિથ્યા ગર્વને લીધે છે કે પછી લાંબુ અને ઊંડું વિચાર્યા બાદ મેં ઈશ્વરમાં માનવાનું બંધ કર્યું છે? આ અંગે હું મારા વિચારો આપની સમક્ષ મૂકી રહ્યો છું.

હું એ સમજી શકતો નથી કે કેવી રીતે ઘમંડ કે ખાલી મિથ્યાભિમાન કોઈ વ્યક્તિને ભગવાન વિષે માનતા રોકી શકે. હું કોઈ સર્વશક્તિમાન વ્યક્તિની મહાનતાને ત્યારે જ નહિ સ્વીકારું કે જ્યારે કાં તો મને મારા પોતાના અથાગ પ્રયત્નોના લીધે ખ્યાતિ મળી હોય કે પછી હું મહાન બનવાની સર્વોચ્ચ માનસિક શક્તિઓથી વંચિત હોવ. આ સમજવું સહેલું છે. પણ એવું કેવી રીતે શક્ય છે કે કોઈ આસ્તિક પોતાના ઘમંડના લીધે નાસ્તિક બની જાય? બે જ વાતો શક્ય છે: કાં તો કોઈ માનવી પોતે દૈવી શક્તિ ધારણ કરે છે તેવું કહે કે પછી એક ડગલું આગળ વધીને તે પોતાની જાતને જ ભગવાન ગણાવે. આ બંને માન્યતાઓમાં જે-તે વ્યક્તિ ખરા અર્થમાં નાસ્તિક નથી. પહેલી પરિસ્થતિમાં એ ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરતો નથી;  જ્યારે બીજા કિસ્સામાં તો તે કોઈ પ્રકારની દૈવી શક્તિ દુનિયા ચલાવી રહી છે તેવી માન્યતાને સ્વીકારે છે. જો વ્યક્તિ પોતે ભગવાન હોવાનો દાવો કરે કે 'ભગવાનનું હોવું' તે સત્ય છે તે વાતનો સ્વીકાર કરે તો ય મારી દલીલ બદલાતી નથી. હકીકત એ છે કે બંને કિસ્સામાં તે આસ્તિક છે, શ્રદ્ધાળુ છે. તે નાસ્તિક નથી. મારે આ મુદ્દો જ સમજાવો છે. હું આ બંનેમાંથી કોઈ પણ પ્રકારમાં નથી. હું સર્વોચ્ચ, સર્વજ્ઞ, સર્વ-શક્તિમાન ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરું છું. એવું કેમ? તેની ચર્ચા હું આ લેખમાં પાછળથી કરીશ. અત્યારે મારે ફરી ભાર દઈને કહેવું છે કે હું નાસ્તિક છું તે પાછળનું કારણ મારું અભિમાન, ઘમંડ નથી; હું કોઈ દૈવી પુરુષ નથી, હું પયગંબર નથી, હું  પોતે ભગવાન પણ નથી. એક વાત સંપૂર્ણ સત્ય છે કે મારાં વિચારોની ઉત્પત્તિ મારા ઘમંડ કે ગર્વના લીધે નથી થઇ. આ પ્રશ્નના ઉત્તર માટે હું તેને સત્ય(ઘટનાઓ) સાથે સાંકળીશ.

મારા મિત્રો કહે છે દિલ્હી બોમ્બધડાકા અને લાહોર ષડ્યંત્ર કેસ પછી, હું પ્રસિદ્ધ થયો છું અને તેના લીધે મારું મગજ ફરી ગયું છે. આ આરોપ કેમ ખોટો છે, તેની ચર્ચા કરીએ. મેં ઈશ્વરમાં વિષે માનવાનું આ ઘટનાઓ પછી બંધ નથી કર્યું. હું સાવ બિનપ્રસિદ્ધ હતો ત્યારે ય હું નાસ્તિક જ હતો. એક સામાન્ય કોલેજ જતો વિદ્યાર્થી પોતાના અંગે અતિશયોક્તિભર્યું ધારીને નાસ્તિકતા તરફ જઈ ન શકે. એ સાચું છે કે મારા અમુક શિક્ષકોમાં હું માનીતો હતો, પણ કંઈ બધા મને પસંદ કરતા નહોતા. હું કોઈ મહેનતુ કે ખંતીલો વિદ્યાર્થી પણ નહોતો. મને ક્યારેય ગર્વિષ્ઠ થવાની તક જ મળી નથી. હું મારા વહેવારમાં બહુ સાવધાન હતો ને મારા ભવિષ્યની કારકિર્દી અંગે લગભગ નિરાશાવાદી હતો. હું મારી માન્યતામાં સંપૂર્ણ નાસ્તિક પણ નહોતો. હું મારા પિતાજીની દેખરેખમાં મોટો થયો હતો. તેઓ ચુસ્ત આર્યસમાજી હતાં. એક આર્યસમાજી નાસ્તિક સિવાય કંઈ પણ બની શકે. મારા પ્રારંભિક શિક્ષણ બાદ, મને લાહોરની ડી.એ.વી. કોલેજમાં મોકલવામાં આવ્યો. હું બોર્ડીંગ હાઉસમાં એક વર્ષ રહ્યો. સવારની પ્રાર્થનાઓ સિવાય, સાંજે હું કલાકો સુધી ધાર્મિક મંત્રોનું પાઠ કરતો. એ વખતે, હું સંપૂર્ણ આસ્તિક હતો. ત્યારે હું મારા પિતાજી જોડે રહેતો હતો. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓમાં ખાસ્સા સહિષ્ણુ હતાં. તેમની પ્રેરણાના લીધે મેં મારું જીવન દેશને આઝાદ કરાવવા પાછળ કુરબાન કર્યું છે. પણ તેઓ નાસ્તિક નહોતા. તે ભગવાનને દુનિયાની સર્વોચ્ચ શક્તિ માનતા. તેમણે મને રોજ પ્રાર્થના કરવાની સલાહ આપેલી. આવી રીતે જ મને મોટો કરવામાં આવેલો. અસહકારની લડતના દિવસોમાં, નેશનલ કોલેજમાં મને પ્રવેશ મળ્યો. મારા આ કોલેજમાં રોકાણ દરમ્યાન મેં ધાર્મિક વિવાદ-વિમર્શ વિષે વિચારવાનું શરુ કર્યું અને હું ઈશ્વરના અસ્તિત્વ અંગે વધુ સંશયી બન્યો. તે હકીકત સિવાય, હું એમ કહી શકું કે એ વખતે મારી ઈશ્વરમાં માન્યતા મજબૂત બની હતી. મેં (શીખ માન્યતા મુજબ) દાઢી અને કેશ વધારેલા. આ બધું થયું છતાં હું મારી જાતને શીખ કે બીજા કોઈ ધર્મના સામર્થ્ય અંગે સ્પષ્ટ કરી શક્યો નહોતો. પણ મારી ઈશ્વરમાં શ્રદ્ધા અચલ, અફર હતી.

તે પછી હું ક્રાંતિકારી પાર્ટીમાં જોડાયો. હું જે પહેલા નેતાને મળ્યો, તેમની પાસે પોતાને ખુલ્લેઆમ નાસ્તિક ગણાવવાની હિંમત નહોતી. તે આ વિષયમાં કોઈ આખરી મત પર પહોંચ્યા નહોતા. મેં તેમને જ્યારે પણ ઈશ્વરના અસ્તિત્વ વિષે પૂછ્યું તો તેમને મને આ જવાબ આપ્યો, 'જો તમારે ઈશ્વરમાં માનવું હોય તો માની શકો છો'. જે બીજા નેતાના હું સંપર્કમાં આવ્યો તે સંપૂર્ણપણે આસ્તિક હતાં. મારે તેમનું નામ કહેવું જોઈએ. તે હતાં અમારા સન્માનનીય બિરાદર સચિન્દ્ર નાથ સાન્યાલ. તેમને કરાંચી ષડ્યંત્ર કેસમાં આજીવન કેદની સજા થઇ હતી. તેમના પુસ્તક 'બંદી જીવન'ના પ્રથમ પાનાથી તેઓ ઈશ્વરની મહત્તાના ગુણગાન ગાય છે. આ પુસ્તકના બીજા ભાગનું છેલ્લું પાનું જોશો તો જાણે કોઈ સાધક ઈશ્વરના વખાણ કરતો હોય તેવું જણાશે. આ તેમના વિચારોનું સીધું પ્રતિબિંબ છે.

ફરિયાદી પક્ષના કહેવા પ્રમાણે, (અમારું) 'ક્રાંતિકારી ચોપાનિયું' કે જે દેશભરમાં વહેંચાયેલું તે સચિન્દ્ર નાથ સાન્યાલના બુદ્ધિશક્તિની મહેનતનું પરિણામ છે. ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં એવું ઘણીવાર બને છે કે નેતા પોતાના અંગત વિચારોને રજૂ કરે છે, જે તેમને પોતાને સ્પષ્ટ હોય છે પણ બીજા કાર્યકર્તાઓએ તેમના વિરુદ્ધ મતોને ખાળીને પણ (નેતાના) વિચારોને માનવા પડે છે. પેલા ચોપાનિયામાં, એક આખો ફકરો ઈશ્વરના વખાણ કરવામાં ફાળવાયેલો કે જેમાં આપણે માનવજાત ઈશ્વરની લીલા સમજી શકતા નથી તે પ્રકારની વાત હતી. આ તો ખુલ્લેઆમ ભક્તિભાવ જ હતો. હું એ વાત રજૂ કરવા માંગુ છું કે કોઈને પણ ઈશ્વરના અસ્તિત્વનો ઇન્કાર કરવાનું સુઝ્યું પણ નહિ. કાકોરીના બહુખ્યાત શહીદો, એ ચારેય જણાંએ પોતાના છેલ્લા દિવસો પ્રાર્થના કરીને વિતાવેલા. રામ પ્રસાદ બિસ્મિલ ચુસ્ત આર્યસમાજી હતાં. રાજન લાહિરી, તેમના સમાજવાદ અને સામ્યવાદના વિસ્તૃત અભ્યાસ બાદ પણ, ઉપનીષદો અને ગીતાના શ્લોકો ગાવાની ઈચ્છા દબાવી શકતા નહિ. તેઓમાંથી માત્ર એક જ એવો વ્યક્તિ હતો કે જે આ પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ લેતો ન હતો. તે એવું કહેતો કે, 'ધર્મ એ માનવસ્વભાવની નબળાઈ કે માનવ સમજની મર્યાદાની નિષ્પત્તિ છે.' તેને પણ આજીવન કેદની સજા થઇ હતી. જો કે તેણે પણ ક્યારેય ઈશ્વરના અસ્તીસ્ત્વનો ઇન્કાર કર્યો નહિ.

ત્યાં સુધી હું એક ભાવનાશીલ ક્રાંતિકારી હતો, માત્ર મારા નેતાઓનો અનુયાયી. ત્યાર બાદ સમગ્ર જવાબદારીનું વહન કરવાનો સમય આવ્યો. કેટલાક સમય માટે, અમુક લોકોના મજબૂત વિરોધના લીધે પાર્ટીના અસ્તિત્વ પર જ ખતરો આવી પડ્યો. ઘણા નેતાઓ તથા ઉત્સાહી કાર્યકરોએ પાર્ટી અંગે મેણાં-ટોણાં મારવાંનું શરુ કર્યું. અમારી મજાક ઉડાવી. મને એ વખતે ક્યાંક એવી શંકા હતી કે એક દિવસ આ બધું વ્યર્થ અને મૂલ્યહીન લાગશે. પણ તે મારી ક્રાંતિકારી કારકિર્દીનો ટર્નિગ પોઈન્ટ હતો. મારા હૃદયમાં વધુ અભ્યાસ કરવાની તીવ્ર ઈચ્છા થઇ આવી. 'વધુને વધુ અભ્યાસ કર', તેવું મેં મારી જાતને કહ્યું કે જેથી હું મારા વિરોધીઓની દલીલોનો સામનો કરી શકું. 'અભ્યાસ કર' કે જેથી તું તારા વિચારોને વિશ્વાસપ્રદ દલીલોથી ટેકો આપી શકે. અને પછી મેં ગંભીરતાથી અભ્યાસ શરુ કર્યો. મારી પાછલી માન્યતાઓ અને ખાતરીઓમાં ધરમૂળથી બદલાવ આવ્યો. હિંસક લડતનો રોમાંચ અમારા પૂર્વગામીઓ પર હાવી હતો, હવે નવા ગંભીર વિચારોએ તેમની જગ્યા લીધી. હવે કોઈ ભક્તિભાવ નહિ, હવે કોઈ અંધશ્રધ્ધા નહિ. હવે વાસ્તવવાદ જ અમારા વિચારવાની પદ્ધતિ હતો. જ્યારે તીવ્ર જરૂરીયાત હોય ત્યારે જ આત્યંકિત પદ્ધતિનો સહારો લેવો, બાકી જન આંદોલનમાં હિંસાથી વિરોધી પરિણામો આવે છે. (જો કે) મેં અમારી પદ્ધતિઓ વિષે બહુ વાત કરી છે. સૌથી મહત્વની વાત હતી અમારી વિચારધારા અંગે સ્પષ્ટ વિભાવના, કે જેના માટે અમે લાંબી લડત લડી રહ્યા છીએ. ત્યારે કોઈ પણ ચૂંટણીની ગતિવિધિઓ ન હોવાથી, મને વિવિધ લેખકોના વિવિધ વિચારોનો અભ્યાસ કરવાની પૂરતી તક મળી. મેં અરાજકતાવાદી (રશિયન) નેતા બાકુનીનનો અભ્યાસ કર્યો. મેં સામ્યવાદના પિતામહ માર્ક્સના અમુક પુસ્તકો વાંચ્યા. મેં લેનિન અને ટ્રોટ્સ્કી અને બીજા દેશોમાં સફળતાપૂર્વક ક્રાંતિ લાવનાર ક્રાંતિકારી લેખકો વાંચ્યા. આ બધા નાસ્તિક હતાં. બાકુનીનના પુસ્તક 'ઈશ્વર અને રાજ્યસત્તા'ના વિચારો કોઈ સ્પષ્ટ નિષ્કર્ષ પર પહોંચતા નથી, છતાંય તે એક રસપ્રદ પુસ્તક છે. ત્યારબાદ હું નીર્લાંબા સ્વામીના પુસ્તક 'સામાન્ય બુદ્ધિ' (Common Sense)ના સંપર્કમાં આવ્યો. તેમનું વિશ્વદર્શન એક પ્રકારની આધ્યાત્મિક નાસ્તિકતાનું છે. મને આ વિષયમાં રસ પડ્યો. વર્ષ ૧૯૨૬ના અંત સુધી, મને વિશ્વાસ પડી ચૂક્યો હતો કે કોઈ સર્વશક્તિમાન, સર્વોપરી તત્વ કે જેણે બ્રહ્માંડની રચના કરી, નિર્દેશન કર્યું, નિયંત્રણ કરી રહ્યો છે તે માન્યતા કોઈ રીતે આધારભૂત નથી. મેં મારા મિત્રો સાથે ચર્ચા કરવાનું શરુ કર્યું. મેં મારી જાતને ખુલ્લી રીતે નાસ્તિક ઘોષિત કરી. તેનું શું પરિણામ આવ્યું તેની ચર્ચા હું આગળ કરી રહ્યો છું.

૧૯૨૭ના મે મહિનામાં લાહોરમાં મારી ધરપકડ થઇ. આ ધરપકડથી મને બહુ જ આશ્ચર્ય થયું. મને એવો કોઈ ખ્યાલ જ નહોતો કે પોલીસ માટે હું 'વોન્ટેડ' છું. હું એક બાગમાંથી પસાર થઇ રહ્યો હતો અને અચાનક પોલીસે મને ચાર બાજુથી ઘેરી લીધો. એ વખતે મારી પોતાની ઠંડક જોઈને મને પણ આશ્ચર્ય થયું હતું. હું મારા પૂરા નિયંત્રણમાં હતો. મને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો. બીજા દિવસે મને રેલ્વે પોલીસના લોક-અપમાં પૂરવામાં આવ્યો અને આખો મહિનો રાખવામાં આવ્યો. ઘણા દિવસો પછી પોલીસના માણસો સાથેની વાતચીતથી મને ખબર પડી કે તેમની પાસે મારા કાકોરી પાર્ટી સાથેના સંબંધો અંગે કૈંક માહિતી છે. મને એવું લાગ્યું કે તેમની પાસે મારી બીજી ક્રાંતિકારી પ્રવૃત્તિઓની માહિતી પણ છે. તેમણે કહ્યું કે જ્યારે કાકોરી ષડ્યંત્ર અંગે ખટલો ચાલતો હતો ત્યારે હું લખનૌમાં હતો અને તે 'અપરાધીઓ'ને ભગાડવાની તજવીજમાં હતો. તેમણે એ પણ કહ્યું કે આ પ્લાનના આયોજન પછી, અમે કેટલાક બોમ્બ મેળવ્યા અને તેના ટેસ્ટીંગ માટે અમે દશેરાના (લીધે ભેગા થયેલા) ટોળામાં પણ ફોડ્યા હતાં. તેમણે મને ક્રાંતિકારી પાર્ટીની પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી દેવાથી છોડી મૂકવાની ઓફર પણ કરી. આ રીતે, હું બહાર જઈ શકીશ, મને ઇનામ મળશે અને મારે કોર્ટમાં અપ્રૂવર તરીકે રજૂ પણ નહિ થવું પડે. હું આ બધા પ્રસ્તાવો પર હસ્યા વિના રહી શક્યો નહિ. આ બધું જ બકવાસ હતું. અમારા જેવા વિચાર ધરાવનારા વ્યક્તિઓ પોતાના જ લોકોના નિર્દોષ ટોળાં પર બોમ્બ ફેંકતા નથી. એક વખત સી.આઈ.ડી.ના સીનીયર અફસર મી.ન્યુમેન મારી પાસે આવ્યા. સહાનુભૂતિના શબ્દોથી ભરેલી તે લાંબી વાતચીત દરમ્યાન, તેમને મને એ જેને દુખદ સમાચાર ગણાવતા હતાં તે કહ્યા કે જો હું તેમને તેમના કહ્યા પ્રમાણેનું સ્ટેટમેન્ટ નહિ આપું તો કાકોરી ષડ્યંત્ર હેઠળ મારા પર રાજદ્રોહના આરોપ સાથે અને દશેરાની ઘટનાને લઈને ખટલો ચાલશે. આ બાદ તેમણે જણાવ્યું કે તેમની પાસે મને ગુનેગાર સાબિત કરીને ફાંસીએ દેવા માટે પૂરતા પુરાવાઓ છે. 

હું સંપૂર્ણ રીતે નિર્દોષ હતો પણ મને ખબર હતી કે પોલીસ પાસે જો ધારે તો (મને ફાંસી દેવાની) પૂરતી સત્તા ધરાવે છે. એ જ દિવસે મને કેટલાક પોલીસ અફસરોએ દિવસમાં બે વાર નિયમિત રીતે પ્રાર્થના કરવા સમજાવ્યો. હું તો નાસ્તિક હતો. મેં વિચાર્યું કે આ મારી જાત જોડે નક્કી થઇ જવા દઈએ કે હું સુખ-શાંતિના દિવસોમાં જ મારી નાસ્તિકતાની ફિશિયારી મારું છું કે પછી કપરાં દિવસોમાં પણ હું મારી માન્યતાઓને સુદ્રઢ રીતે વળગી રહી શકું છું. મારી જાત જોડેના લાંબા સંઘર્ષ બાદ, હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો કે હું આસ્તિક હોવાનો દેખાવ કરી શકું નહિ કે હું ઈશ્વરને પ્રાર્થના પણ કરી શકું તેમ નથી. ના, હું ક્યારેય તે કરી શક્યો ન હોત. આ કસોટીનો કાળ હતો અને હું તેમાં સફળતાથી પાર ઉતર્યો. મારા આ જ વિચારો છે. એક ક્ષણ માટે પણ મને મારું જીવન બચાવવાનો વિચાર નહિ આવ્યો. હું એક સાચો નાસ્તિક ત્યારે ય હતો અને હું એક નાસ્તિક અત્યારે પણ છું. આવી પરિસ્થિતિનો સામનો કરવો સહેલો નહિ હતો. શ્રધ્ધા કપરાં કાળમાંથી પસાર થવું સહેલું બનાવે છે અને ક્યારેક આનંદકારક પણ. માનવીને ભગવાનમાં મજબૂત સહારો મળી રહે છે અને ભગવાનનું નામ લેવામાં એક પ્રેરણાદાયી સાંત્વન પણ. જો ઈશ્વરમાં વિશ્વાસ ન હોય તો પોતે પોતાનો સહારો બન્યા વિના કોઈ વિકલ્પ રહેતો નથી. આંધી-તોફાન અને વાવાઝોડાની સામે પોતાના પગ પર અડગ રહેવું તે કંઈ બચ્ચાંના ખેલ નથી. કપરામાં સમયમાં જે કંઈ બાકી બચ્યો હોય તે બધો ઘમંડ ઓગળી જાય છે અને માણસ પાસે સામાન્ય લોકોમાં સર્વમાન્ય વાતને ખાળવા માટેની હિંમત હોતી નથી. જો કોઈ વ્યક્તિ આવી માન્યતાઓ સામે બંડ પોકારી શકે તો આપણે માની લેવું જોઈએ કે આ કોઈ ઘમંડ નથી પણ તે વ્યક્તિ પાસે અસાધારણ શક્તિ છે.

અત્યારે આવી જ પરિસ્થિતિ છે. સૌથી પહેલાં, આપણને સૌને ખબર છે કે કોર્ટનો ચુકાદો શું આવવાનો છે. કદાચ એકાદ અઠવાડિયામાં તે જાહેર થશે. હું મારી જીંદગી એક આંદોલનના માટે ન્યોછાવર કરવાનો છું. આ સિવાય મારી પાસે શું સાંત્વન છે! એક શ્રધ્ધાળુ હિંદુ પુનર્જન્મ પામીને એક રાજા બનવાની આશા રાખી શકે; એક મુસ્લિમ કે ખ્રિસ્તી તેમની તકલીફ અને બલિદાનના લીધે સ્વર્ગમાં મળનારા આનંદ-પ્રમોદના સપનાં જોઈ શકે. હું ક્યા પ્રકારની આશા પંપાળું? મને ખબર છે કે અંત આવશે ત્યારે મારાં ગળાની આસપાસ એક ગાળિયો ભીંસાશે અને મારાં પગની નીચેથી પાટિયું હટી જશે. ચોક્કસ ધાર્મિક શબ્દો વાપરીએ તો, તે મારાં સંદતર સર્વનાશની (કયામતની) પળ હશે. મારો આત્મા શૂન્ય થઇ જશે. હું જો આ આખી વાત (મારાં સત્કર્મોના) 'વળતર'ની રીતે જોવાની હિંમત કરું, તો મને દેખાય છે કે કોઈ ભવ્ય અંત વિનાની મારી સંઘર્ષમય ટૂંકી જીંદગી એ જ મારું સાચું 'વળતર' છે. બસ, એટલું જ! અત્યારે કે ત્યારબાદ કોઈ પણ પ્રકારનું વળતર પામવાના સ્વાર્થી પ્રયોજન વગર, બહુ જ નીરસતાથી મેં મારી જીંદગી આઝાદીના કાજે અર્પણ કરી છે. હું બીજું કશું કરી જ ન શક્યો હોત. આઝાદીના નવા યુગનું પ્રભાત જરૂર ઉઘડશે કે જ્યારે માનવતાની સેવાના વિચારમાંથી હિંમત એકઠી કરીને અને જોર-જુલમથી છૂટકારો મેળવવા માટે, મોટી સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓ એવું નક્કી કરશે કે આ આંદોલનના ઉદ્દેશ પર જીવન ન્યોછાવર કરવા સિવાય બીજો કોઈ આરો નથી. એ ભેગા થઈને જુલમી, દમનકારી, શોષણકર્તાઓ સામે યુદ્ધ છેડશે, રાજા કે રાણી બનવા માટે નહિ, કે કોઈ વળતર અત્યારે કે આવતા જન્મમાં મેળવવા નહિ કે મર્યા પછી સ્વર્ગ પામવા નહિ; પણ ગુલામીની જંજીરો ફગાવી દેવા માટે, સ્વતંત્રતા અને શાંતિની સ્થાપના માટે, એ લોકો આ જોખમી પણ યશસ્વી માર્ગ ખેડશે. શું પોતાના ઉદ્દેશો પર તેમના ગર્વને ઘમંડ કહી શકાય? કોણ એવું વાહિયાત છે કે જે આમ કહી શકે? હું તેને કહીશ કે તે મૂર્ખ અને દુષ્ટ છે. આવી વ્યક્તિની ઉપેક્ષા જ કરી શકાય કે જેને હૃદયમાંથી ઉઠતી આ વાતનું ઊંડાણ, લાગણીઓ, અભિવ્યક્તિ અને ઉમદા ભાવના સમજાતી નથી. તેનું હર્દય મૃત છે, એક હાડ-માંસનો લાગણી વિનાનો ઢગલો. તેની માન્યતાઓ ઢચુપચુ છે અને લાગણીઓ રુક્ષ છે. તેના સ્થાપિત હિતો તેને સત્ય જોવા માટે સક્ષમ બનાવતા નથી. ખેર, આપણી માન્યતાઓમાંથી જ્યારે પણ આપણે હિંમત મેળવીએ છીએ ત્યારે આ રીતે ઘમંડી હોવાની ઉપાધિ મળી જાય છે.

જો તમે લોકપ્રિય લાગણીઓની વિરુદ્ધમાં જાઓ; જો તમે કે એક હીરોની ટીકા કરો, એક મહાન માણસ કે જેને સામાન્ય રીતે બધી જ ટીકાઓથી પર ગણવામાં આવે છે. તો શું થાય છે? કોઈ તમારી દલીલોનો જવાબ વિવેકબુદ્ધિથી નહિ આપી શકે; તેને બદલે તમને ખોટી ડંફાસ મારનાર ધારી લેવામાં આવશે. આવું થવાનું કારણ માનસિક મંદતા છે. દયાહીન ટીકા અને સ્વતંત્ર વિચારશક્તિ એ ક્રાંતિકારી વિચારધારાના બે મહત્વના લક્ષણ છે. જેમકે મહાત્માજી (ગાંધીજી) મહાન છે, તેઓ ટીકાઓથી પર છે અને તેઓ આ બધી બાબતોથી ઉપર ઉઠી ચુક્યા છે, તેઓ રાજકારણ, ધર્મ કે નૈતિકતાની બાબતમાં જે કંઈ પણ કહે છે તે જ સત્ય છે. તમે સહમત થાઓ કે નહિ, આ સત્ય માનવા તમે બંધાયેલા છો. આ બહુ રચનાત્મક વિચારશીલતા નથી. એવું પણ બને કે આપણે એક ડગલું આગળ માંડીએ ને અમુક ડગલાં પાછળ પણ જઈએ.

આપણા પૂર્વજોએ ધર્મ કે શ્રદ્ધાને કોઈક પ્રકારની સર્વોચ્ચ શક્તિમાં રૂપાંતરિત કરી નાખી છે. તેથી જ તો, જે પણ શ્રદ્ધાની પ્રમાણભૂતતાને પડકારે કે ઈશ્વરના અસ્તિત્વને નકારે, તેને કાફર કે વિશ્વાસઘાતી કે દ્રોહી ગણવામાં આવે. ભલે પછી તેની દલીલો એટલી મજબૂત હોય કે તેને નકારી ન શકાય, ભલેને પછી તેનો આદર્શ એટલો મજબૂત હોય કે તેને સર્વશક્તિમાનના શ્રાપને લીધે આવતી બદકિસ્મતીઓની ધમકીઓ આપીને ઘૂંટણીયે ન પાડી શકાય, તો પછી તેને ઘમંડી કહીને ઉતારી પાડવામાં આવે છે. જો આમ થતું હોય તો શા માટે આ પ્રકારની ચર્ચામાં મારે મારો સમય બગાડવો? જો કે આપ લોકો સમક્ષ આ પ્રશ્ન પ્રથમ વખત આવ્યો છે એટલે મને આટલી લાંબી ચર્ચાની જરૂરીયાત અને ઉપયોગીતા લાગી.  

જ્યાં સુધી આ પહેલા પ્રશ્નનો સવાલ છે, ત્યાં મને લાગે છે કે મેં સ્પષ્ટ કર્યું છે કે હું કોઈ ઘમંડને લીધે નાસ્તિક નથી બન્યો. હું નહિ માત્ર મારા વાચકો જ નક્કી કરશે કે મારી દલીલોનું વજન પડે છે નહિ. હું જો ઈશ્વરમાં માનતો હોત તો, મને ખબર છે કે વર્તમાન પરિસ્થિતિમાં મારી જીંદગી સહેલી બની હોત, આ બોજ કૈંક હળવો બન્યો હોત. મારાં ઈશ્વરમાં અવિશ્વાસને કારણે બધી જ પરિસ્થિતિઓ વિકટ ભાસે છે અને આગળ પણ બધું વધુ ખરાબ જ થશે. થોડા ભક્તિભાવવાળા બનવાથી આવી પરિસ્થિતિને કાવ્યાત્મક વળાંક આપી શકાય. પણ મને મારાં અંત સાથેની મુલાકાત માટે કોઈ અફીણની જરૂર નથી. હું વાસ્તવવાદી વ્યક્તિ છું. હું વિવેકબુદ્ધિની મદદથી હું આવા વલણ પર વિજય મેળવવા ઈચ્છું છું. હું મારાં પ્રયત્નોમાં હંમેશા સફળ થતો નથી. પણ માનવીનું કર્તવ્ય છે કે પ્રયત્નો કરવા. સફળતાનો આધાર મળતી તકો અને બનતી પરિસ્થિતિઓ પર હોય છે.

(આ સળંગ નિબંધ છે, પણ આ બ્લોગ માટે પોસ્ટ બહુ જ લાંબી થઇ જતી હોવાથી આ બે ભાગ પાડ્યા છે. આ ભાગમાં ભગતસિંહ મોટેભાગે તેની નાસ્તિકતા ઘમંડને કારણે નથી તેની ચર્ચા કરે છે, જ્યારે બીજા ભાગમાં તે નાસ્તિકતા ઘમંડને કારણે નથી તો ક્યા કારણે છે તે વિષે લખે છે. બીજો ભાગ જોવા મળશે: http://charkho.blogspot.co.uk/2012/02/blog-post_24.html