(આજે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ નિમિત્તે મારી સૌથી ગમતી ફિલ્મ વિષે મારી સૌથી ગમતી ભાષામાં)
પોતાની સૌથી ગમતી ફિલ્મ વિષેનાં લખાણમાં વખાણનાં અતિરેક થઇ જવાની વકી રહે છે, તેવી લાગણી સાથે લખી રહ્યો છું. પણ 'સિનેમા પેરાડીઝો (૧૯૮૮)'નાં વિષે લખતા તટસ્થ રીતે લખાવાનું જ નથી. આપણો પક્ષપાત બહુ ચોખ્ખો છે. આ ફિલ્મ મારા વિનમ્ર મત મુજબ વીસમી સદીની સૌથી મહાન ફિલ્મોની યાદીમાં પહેલા પાંચમાં જરૂર આવે. આ ફિલ્મની વાર્તા જબરદસ્ત છે. તેને પ્રેમકથા કે દોસ્તીની કથા કહીને તેનો વ્યાપ્ત ઓછો નથી કરવો પણ હળવી પળો અને હલાવી જતી પળો બંને ઠાંસી ઠાંસીને ભરી છે.
આ ફિલ્મની શરૂઆત એક મજબૂત દોસ્તીથી થાય છે – એક દસ-બાર વરસના ટેણીયા સાલ્વાતોર (તોતો) અને મધ્યમ વયના આલ્ફ્રેડો વચ્ચે. સિસિલી (ઈટાલી)નાં એક નાના ગામમાં આવેલા એક માત્ર ફિલ્મ થીયેટરમાં આલ્ફ્રેડો પ્રોજેક્શનનું કામ-કાજ સંભાળે છે. જયારે તોતોએ બીજા વિશ્વયુદ્ધમાંથી પાછા ન આવેલ સૈનિકની ઘરમાં સૌથી મોટી સંતાન. તેને ચર્ચમાં કરવા પડતા કંટાળાજનક સ્વયંસેવી કામ અને સ્કૂલની બોરિંગ લખા-પટ્ટી વચ્ચે ફિલ્મોનો શોખ જાગે તે સ્વાભાવિક હતું. તોતોનો મુખ્ય ઉદ્દેશ આલ્ફ્રેડોના રહસ્યમયી કિલ્લા જેવા પ્રોજેક્શન રૂમ સુધી પહોંચવાનો કે જેમાંથી જાદુઈ રીતે એક માયાવી દુનિયાના પાત્રો સિનેમાના પરદા પર સરી પડે છે. તોતોની ફિલ્મની સફર માત્ર પ્રોજેક્શન રૂમ સુધી જ નહિ પણ ફિલ્મકાર બનવા સુધી પહોંચી અને તેમાં આલ્ફ્રેડોનો ફાળો અનન્ય હતો – તોતોને પ્રોજેક્શન રૂમની અંદર લઇ આવવા માટે અને આ ગામની બહાર જઈને પોતાની નવી પહેચાન બનાવવા માટે.
અમેરિકાના બંધારણના ઘડવૈયા થોમસ જેફરસને કહેલું કે ‘દરેક દેશમાં, દરેક કાળમાં ધર્મગુરુઓ હમેશા વ્યક્તિસ્વાત્રન્ત્યનો વિરોધ કરતા આવ્યા છે’. આ વાત ઈટાલીના નાના ગામમાં કેવી રીતે ખોટી પડે! ગામનું સ્થાનિક સેન્સર બોર્ડ એટલે ચર્ચના પાદરી. આખું ગામ કોઈ નવી ફિલ્મ જોવે તે પહેલા આ પાદરી એકલા થીયેટરમાં બેસીને તે ફિલ્મ નિહાળે અને તેમાં જરૂરી કાપ-કૂપ સૂચવે – સેન્સર કરવા જેવી બાબત મોટેભાગે એ જમાના પ્રમાણે કોઈ ‘કિસિંગ સીન’ની હોય. આવા અનેક પ્રસંગો સાથે આ ફિલ્મની મજા એ છે કે તે સતત વહેતી ધારા જેવી છે. તોતો મોટો થાય છે અને એક દિવસ આલ્ફ્રેડોની જગ્યાએ તે પોતે નવા બનેલા થીયેટરમાં પ્રોજેક્શન-કાર બને છે. ફિલ્મી જગત બદલાય છે, આખું ગામ અને સાથે સાથે ફિલ્મ-રસિક સમાજ પણ બદલાય છે. આ બદલાવોનો દૌર ચાલતો રહે છે જે ફિલ્મમાં સરસ રીતે ઝીલાય છે.
પછી તો તોતો પ્રેમમાં પડે છે! ‘પડે છે’ એટલે એવો પટકાય છે કે કળ વળે ત્યાં સુધીમાં તો તેની દુનિયા બદલાઈ જાય છે. તેની પ્રેમિકા સમયના પ્રવાહમાં ખોવાઈ જાય છે અને તેની જીંદગી થંભી જાય છે. દાયકાઓ બાદ સાલ્વાતોર ડી વીટા નામના પ્રખ્યાત ફિલ્મકારને વહેલી સવારે તેની માતા એક મુફલીસ ગામના મુફલીસ વ્યક્તિ આલ્ફ્રેડોના અવસાનના સમાચાર આપે છે. વર્ષો પછી તોતો ઉર્ફ સાલ્વાતોર પોતાના ગામમાં આલ્ફ્રેડો અંતિમયાત્રામાં ભાગ લેવા પાછો ફરે છે. ત્યારે તેને આલ્ફ્રેડોએ જાળવી રાખેલા એક રહસ્ય વિષે ખબર પડે છે... બસ, અહી આગળ વધુ કહેવાની જરૂર નથી. આની આગળની ફિલ્મ તો જોવી જ પડે. કારણકે ‘જોવાનો જલસો’ વાંચવાથી ન થઇ શકે.
જેસેપ્પે ટોર્નાતોર નામના નિર્દેશકની ૩૨ વર્ષની ઉમરે દિગ્દર્શિત કરેલી આ બીજી જ ફિલ્મ હતી. ફિલ્મ રીલીઝ થતાંની સાથે જ સફળ થઇ. આ જ નિર્દેશકે ‘મલેના (૨૦૦૦)’ જેવી બીજી સુંદર ફિલ્મો આપી પણ તે આ ફિલ્મની તોલે ન આવી શકે.
આ ફિલ્મનું પાશ્વસંગીત પણ યાદ રહી જાય તેવું છે. એનીઓ મોરીકોન જેવા દિગ્ગજ સંગીતકારે અહીં સંગીત આપ્યું છે. ‘વેસ્ટર્ન’ તરીકે ઓળખાતી હોલીવુડ ફિલ્મોની યાદગાર ધૂનો તેમને આપી છે (ઉદા. ધ ગુડ, ધ બેડ, ધ અગ્લી). ફરી વાર આ ફિલ્મ જોશો તો સંગીત તરત જ તાજુ થઇ જશે. ફિલ્મના બીજા ટેકનીકલ પાસા પણ મજબૂત છે. આ ફિલ્મ એ સાબિત કરે છે કે ફિલ્મોમાં લેખનનું કેટલું મહત્વ છે. વિવિધ સમયકાળ વચ્ચે આસાનીથી સરી જવાની ઘટનાએ ફિલ્મને સારી કે ખરાબ બનાવી શકે છે. તોતોની ત્રણેય ભૂમિકાઓ યાદગાર છે પણ સૌથી નાની ઉમરનો તોતો સૌથી મસ્ત છે. આલ્ફ્રેડોનું પાત્ર તો યાદ રહે જ પણ તોતોની પ્રૌઢ વયની પ્રેમિકાનો અભિનય પણ સુંદર છે.
આ ફિલ્મ એ શીખવે છે કે લોકપ્રિય વિષયવસ્તુ સાથે કલાત્મક ફિલ્મ કેવી રીતે બનાવી શકાય. ક્લાસિક ફિલ્મ એટલે જૂની ફિલ્મ એવું નહિ. જેમ ક્લાસિક કવિતાઓ જેટલી વાર વાંચો તેમાંથી નવા અર્થો ખૂલતા જાય તેવું કંઇક આવી ક્લાસિક ફિલ્મોની બાબતમાં પણ બનતું હોય છે. તેથી જ ‘સિનેમા પેરાડીઝો’ ક્લાસિક ફિલ્મ છે.
એક સ્પષ્ટતા – આ ફિલ્મની ૧૫૪ મીનીટ અને ૧૨૩ મીનીટ તેમ બે આવૃત્તિ છે. હું અહીં ૧૫૪ મીનીટની આખી ફીલ્મની વાત જ કરી રહ્યો છું. ૧૨૩ મીનીટની ‘ન્યુવો સિનેમા પેરડીઝો’ નામની આવૃત્તિ જે વધુ આસાનીથી મળી શકે તેમાં ફિલ્મનું મૂળ હાર્દ નથી એવું મારું માનવું છે.