Tuesday, January 29, 2013

સ્ત્રીઓ સામે હિંસા: બહુ લાંબી લડાઈના મંડાણ

ફોટો કર્ટસી: The New York Times, URL: http://india.blogs.nytimes.com/2012/12/23/protests-over-rape-turn-violent-in-delhi/

ધારો કે તમે એક રોલેકસની મોંઘી ઘડિયાળ ખરીદી છે. સરસ, સુંદર મજાની રોલેકસ! તમને ગમી એટલે તમે એ ઘડિયાળ ખરીદીને પહેરી અને તમે ખુશ થઈને મલકાતા-મલકાતા જાવ છો. અચાનક તમારા પર હુમલો થાય છે, માર પડે છે અને કોઈ તમારી મોંઘી ઘડિયાળ છીનવીને જતું રહે છે અને તમને ઈજા થાય છે.

- તમે પોલીસ પાસે જાવ છો. પોલીસ તમારી ફરિયાદની તપાસ કરવાને બદલે તમને પૂછે છે કે તમે રોલેક્સની ઘડિયાળ પહેરી જ કેમ? કોઈ સાદી ઘડિયાળ નહોતા પહેરી શકતા? તમે કદાચ એટલા માટે તો ઘડિયાળ પહેરીને નહોતા નીકળ્યાને કે તમારી ઘડિયાળ કોઈ ચોરી જાય તેમાં છૂપી રીતે તમને મજા આવે છે? તમે લાંબી બાંયના કપડાં પહેરીને ઘડિયાળ છૂપાવી શકતા નહોતા? ઘડિયાળ ખુલ્લી રાખીને કોઈને બતાવવાની શી જરૂર જ હતી? વગેરે વગેરે. પોલીસ જ નહિ, આખો સમાજ, સગા-સંબંધી બધા જ આવા સવાલો પૂછે.
- જ્યાં પણ તમે જાવો ત્યાં તમે 'જેની ઘડિયાળ ચોરાઈ ગઈ હતી' તેવા નામે તમને ઓળખવામાં આવે. તમે જેમને ઓળખાતા પણ નથી તેવા લોકો તમારી આ વાતે મજાક બનાવે અને શંકા કરે કે તમારામાં જ કંઇક ખામી હશે કે તમારી પાસેથી જ ઘડિયાળ કેમ ચોરાઈ! સાધુ-સંતો, રાજકારણીઓ વગેરે જેને આ ઘટનાની પૂરી જાણકારી ન હોય તેવા લોકો તમને સલાહો આપે કે તમારે કેવી રીતે વર્તવું જોઈતું હતું.
- મીડિયા પણ આખી વાત ચગાવે અને તમને જે ઘટનામાં ગંભીર ઈજા પહોંચી તેના 'રસાળ' વર્ણનો કરવામાં આવે. જ્યારે તમે ફરિયાદ કરો ત્યારે કહેવામાં આવે કે બહુ ટણી રાખવાની જરૂર નથી, ઘડિયાળ તો ખોઈ છે હવે બચાવવા માટે બાકી શું રહ્યું છે.

તમે માત્ર એક સારી ઘડિયાળ પહેરવા માંગતા હતા અને તેના માટે તમે હિંસા વહોરી લો છો. આઘાતજનક વાત એ છે કે પોલીસ-સમાજ ગુનેગારોને સજા કરવા કે તેમની માનસિકતાની વાત કરવાને બદલે તમને ફોકસમાં રાખીને તમારી શું ભૂલ હતી તેનું પિષ્ટપીંજણ કરવામાં આવે છે. આખી ચર્ચા હિંસાનો ભોગ બનનાર વિષે થાય છે અને તેની જોડે ગુનેગારો જેવું વર્તન આખી જીંદગી થાય છે. મૂળ ગુનેગારો નાની-મોટી સજામાં છૂટી જાય છે.

દુખદ હકીકત એ છે કે અહીં જે આ ઘડિયાળ ચોરાવા જેવી ઘટનામાં જે બધું ય અસંબદ્ધ લાગે છે તે બળાત્કાર જેવી ઘટનામાં નથી લાગતું. ધારો કે હવે આ રોલેકસ ઘડિયાળ જો તમારું શરીર હોય અને તમે તેને ઘડિયાળની જેમ ઉતારીને બાજુમાં મૂકી જ ન શકતા હોવ તો? ધારો કે તમારૂ શરીર ચીજ-વસ્તુઓ વેચવાનું સાધન, ફિલ્મો ચલાવવાનું સાધન, ભીડ ભેગી કરવાનું સાધન, રમખાણો-યુદ્ધોમાં વિકૃતિઓ બતાવવાનું સાધન, બીભત્સ ટુચકા કહેવાનું સાધન, કોઈને મજબૂત ચોટ પહોંચે તેવી ગાળ  કહેવાનું સાધન હોય તો? તમારું વ્યક્તિવ, તમારી બુદ્ધિશક્તિ બધું જ બાજુ પર મૂકીને તમારા આખા વ્યક્તિત્વનું મૂલ્યાંકન તમારા શરીર પરથી કરવામાં આવે તો? છ માસથી માંડીને એંશી વર્ષ સુધી માત્ર તમારી જાતિ કે લિંગને કારણે તમે હુમલાને પાત્ર થઇ જાવ છો, તમારી સાથે હિંસા થઇ શકે તેવી પરિસ્થિતિ સદીઓથી હોય તો? આ પ્રશ્નોના જવાબ આપ્યા વગર એક પુરુષ તરીકે સ્ત્રી જાતિ, સ્ત્રી-વ્યક્તિત્વ, સ્ત્રી-દેહ સાથે થતા અન્યાયો અને હિંસા સમજવા અઘરા છે.

બહુ-ચર્ચિત દિલ્હી બળાત્કાર ઘટનામાં ભોગ યુવતીના મૃત્યુને આજે એક મહિનો પૂરો થયો. દેશભરમાં બળાત્કારની ઘટના(ઓ)ને લઈને જે જૂવાળ ચાલી રહ્યો હતો તે હવે શમી ગયો છે. બધું ઠંડુ પડી ગયું છે અને હવે બધું રાબેતા મુજબ છે. ટીવી મીડિયાની હવે આદત થઇ ચૂકી છે કે કોઈ પણ ઘટનાને બહુ જ ઉછાળવી, તેનો કસ નીકળી જાય અને કોઈ બીજી ઘટના ઘટે એટલે પહેલી વાતને બિલકુલ પડતી મૂકીને નવી ઘટનાના ટીઆરપી ગણવા બેસી જવું. દિલ્હીના જઘન્ય બળાત્કાર પછી સરહદ પર બે જવાનોની હત્યાનો મુદ્દો આવ્યો અને બળાત્કારનો મુદ્દો ભૂલાઈ ગયો. આ લેખ લખવાની શરૂઆત મેં જ્યારે એક મહિના પહેલા કરેલી ત્યારે આ વિષે ઘણું બોલાયું અને લખાયું. હવે દોઢ-એક મહિના પછી એવું લાગે છે કે પાછી 'જૈ સે થે'ની સ્થિતિ સર્જાઈ ચૂકી છે.

છેલ્લા દોઢ-એક મહિનાથી ઘટનાઓના વિવરણથી વ્યક્તિઓના આચરણ સુધી - સર્જનાત્મક તો ક્યારેક ખંડનાત્મક વલણો વચ્ચે - સંવાદથી લઈને કૂથલી સુધી ઘણું બધું થયું. આ અંગેના કાયદાઓ, પ્રણાલીઓ, પોલીસનું વર્તન, માનસીકતાઓ અને માન્યતાઓને લઈને પણ થોડી-ઘણી ચર્ચા વિવિધ સ્વરૂપે ચાલી.  જાતભાતના રાજકારણીઓ, વિવિધ રંગી સાધુ-બાવાઓ વગેરે એ પોતાનો અસલી રંગ બતાવ્યો. એકવીસમી સદીમાં અઢારમી સદીની માનસિકતા કેવી નફ્ફટાઈ અને આત્મવિશ્વાસથી પ્રવર્તે છે તે ઓપન સિક્રેટ ફરી એક વાર છતું થયું. ઘણા અંતિમો વચ્ચે એક ચોક્કસ પોઝીટીવ એ જોવા મળ્યું કે મોટાભાગના લોકોએ આવી જઘન્ય ઘટનાઓના ઊંડા કારણો તંત્ર, કાયદા વગેરેની નિષ્ફળતાની સાથે સાથે રોજબરોજના વાણી-વર્તન, દ્રષ્ટિકોણ, વિચાર-પધ્ધતિમાં શોધવાનું શરુ કર્યું. જો કે આ બહુ ઓછા અંશે થયું છે અને જલ્દી સમેટાઈ ગયું છે. કાયદાકીય રીતે એક નક્કર પગલાં તરીકે જસ્ટીસ વર્મા કમિટીનો રીપોર્ટ બહાર પડ્યો છે, જે આખા મામલામાં પ્રગતિશીલ અને સંવેદનશીલતાને સુસંગત ભલામણો કરે છે. જોવાનું એ છે કે હવે કેન્દ્ર સરકારમાં આ ભલામણોને અમલમાં મૂકવા જેટલી ઇચ્છાશક્તિ જોવા મળે છે કે નહિ. તાજા ખબર એ છે કે બહાર પડ્યાના થોડા જ દિવસોમાં આ રીપોર્ટ હોમ મીનીસ્ટ્રીની વેબસાઈટ ઉપરથી ગાયબ થઇ ચૂક્યો છે.

સરકાર તેને કરવા જેવા કામ કરે અને તે માટે નાગરીકોએ પણ સરકારની જવાબદેહી ટકોરાબંધ રીતે માંગવી જોઈએ. રાષ્ટ્રપતિ ભવનની બહાર દેખાવો કરેલી ભીડમાં એક યુવતી ટીવી પર એવું કહેતી જોવા મળી કે 'અમે ચલતા હૈ જનરેશન નથી'. આમીન! તેના મોઢે ઘી-ગોળ. એવું ઈચ્છીએ કે તે સાચી પડે. બીજી એક યુવતી સ્ટ્રીટ લાઈટના થાંભલા પર ચઢીને પોલીસ અને સરકાર તરફ મધ્યમા (middle finger) ઉલાળતી જોવા મળી. નવ-ઉદાર બજારવાદથી નવ-ઉદિત મધ્યમ વર્ગનો આ નવો મિજાજ છે. કોઈને આ ઉછાંછળાપણું કે બિનજવાબદાર આવેશ બેશક લાગી શકે. પણ પ્રગાઢ સુખવાદના આશ્લેષમાં જકડાયેલી નવી પેઢીના દિલમાં પણ આગ લાગી શકે છે અને તે પોતાની પ્રાઈવેટ સિક્યોરીટીની વ્યવસ્થા કરવાને બદલે સરકારની જવાબદેહી માંગે તે નાગરિકશાસ્ત્રના પાઠ ભણવાની શરૂઆત છે. આ આક્રોશને રચનાત્મક રીતે વાળી શકે તેવી રાજકીય નેતાગીરી અને સામાજિક નવનિર્માણની કલ્પનાશક્તિની ભયંકર અછત છે. વળી આ આક્રોશ પણ અમુક-તમુક રીતે બહાર આવે છે અને જલ્દી સમેટાઈ જાય છે. ઇન્ડિયન એકપ્રેસના તંત્રી શેખર ગુપ્તાનું કહેવું છે કે આ લડાઈ આર્થિક પ્રગતિના લાભાર્થી એવા સત્તાની નજીક રહેલા (ruling) ક્લાસ અને દેશ-સરકાર ચલાવતા (governing) ક્લાસ વચ્ચેની લડાઈ છે. જો કે હું તે પ્રકારના અંતિમોમાં માનતો નથી. દેશમાં માથાદીઠ આવક વધવાની સાથે સાથે અને શહેરીકરણની સાથે એક નવા રાજકીય યુગના પગરણ મંડાઈ રહ્યા છે. અને જો આપણે સૌ 'ચલતા હૈ'ની લાંબી ચાદર તાણીને સામૂહિક નિંદ્રામાં ન સરી જઈએ તો સ્ત્રીઓની સુરક્ષાનો મુદ્દો અને તે માટે સારી જાહેર સુવિધાઓ અને જેના પર વિશ્વાસ મૂકી શકાય તેવા કાયદા-વ્યવસ્થાનો મુદ્દો છવાયેલો રહેવો જોઈએ. નહિ તો પછી ભવિષ્યમાં આ મુદ્દો અનેક રીતે પાછો આવવાનો છે.

સ્ત્રીને દેવી ગણીને પૂજાતા આ દેશમાં સ્ત્રીઓ સામેની હિંસા સર્વત્ર વ્યાપ્ત છે, સતત ચાલુ છે. દહેજના સ્વરૂપ બદલાયા છે પણ વિવિધ પ્રકારની ભેટ-સોગાદોની પ્રથા ચાલુ છે. એકવીસમી સદીમાં જાન કાઢીને કન્યાપક્ષ પર લગ્નનું ભારણ વધારવાનો શું મતલબ? જો ધામધૂમ જ કરવી હોય તો બંને પક્ષો એક જગ્યા પર ભેગા થઈને પ્રસંગ ઉજવે અને ખર્ચ વહેંચી લે. સાદાઈથી લગ્ન કરીને નવપરિણીત યુગલને દુનિયા જોવા - વર્લ્ડ ટુર પર પણ મોકલી શકાય. કારણકે દહેજ અને તેના વિવિધ સ્વરૂપોનો સીધો સંબંધ છે સ્ત્રી-ભ્રુણ હત્યા જોડે. સ્ત્રી-ભ્રુણ હત્યા અવિકસિત, અભણ, પછાત વિસ્તારો કે જ્ઞાતિઓમાં નથી થતી. એ થાય છે 'સુવિકસિત, સુસંસ્કૃત, વિકસેલા' શહેરી વિસ્તારો અને જ્ઞાતિઓમાં. કમભાગ્યે દેશના જે ભાગોમાં શહેરીકરણ અને ઔદ્યોગીકરણ વધારે થયું છે ત્યાં આવા કિસ્સાઓ વધુ જોવા મળે છે, તે સમાજવિજ્ઞાનની રીતે અને વસ્તીશાસ્ત્રની રીતે પૂરવાર થયેલું સત્ય છે. કહેવાતા પછાત, આદિવાસી વિસ્તારોમાં તો સ્ત્રીઓની સંખ્યા પુરુષો જેટલી (અને ક્યારેક વધુ) જોવા મળે છે. તો પછી આપણે કેવા સમાજમાં રહીએ છીએ કે જેમાં જન્મતાં પહેલા, જન્મ્યા પછી, લગ્ન વખતે, નોકરી કરવા જતી વખતે સ્ત્રીઓ પર વિવિધ પ્રકારના હુમલા થતા જ રહે છે. 

બળાત્કાર એટલે સ્ત્રી ઉપર હિંસક હૂમલો અને હિંસાનું વિકૃત સ્વરૂપ. બળાત્કારની ઘટના એ વાસનાએ દોરેલી ઘટના કરતાં પુરુષાતનના વિકૃત શક્તિ પ્રદર્શનની ઘટના વધુ હોય છે. બળાત્કારીઓના મનોવલણો દર્શાવે છે કે 'સબક શીખવાડવા' કે 'ઠેકાણે લાવવા' કે 'સ્થાન બતાવવા' વગેરે જેવા કારણ બળાત્કારની જેવી ઘટનાને સુધી પહોંચાડતા હોય છે. વાસના કે લૌલુપતા જેવા હેતુઓના બહાનામાં પોતાના શારીરિક બળ વડે ધાક બેસાડવાની વિકૃત માનસિકતા તેમાં ભળે ત્યારે બળાત્કાર જેવી ઘટના બને છે. વાસના કે લૌલુપતા અને બળાત્કાર સુધી પહોંચવું તેની વચ્ચે બહુ લાંબુ અંતર હોય છે. આ અંતર કપાય છે સ્ત્રીઓ પ્રત્યેના દ્વેષની ભાવના (misogyny) અને પહેલેથી જ સ્ત્રીને ઉપભોગ માત્રનું સાધન કે નીચલી પાયરીનું 'પ્રાણી' માનવાના પિતૃસત્તાક (patriarchy based)મૂલ્યોના લીધે. તેમાં વળી કાયદા-વ્યવસ્થાના ઠેકાણા ન હોય ત્યારે તો આવા તત્વોને છૂટો દોર મળે છે.  સ્ત્રીઓ સામે હિંસાએ સ્ત્રીઓનું રોજબરોજના જીવનમાં થતા અપમાનની બીમારીનું લક્ષણ માત્ર છે. તહેલકા મેગેઝીનના એક લેખ પ્રમાણે મોટાભાગના બળાત્કારીઓ એવું માનતા હોય છે કે તેઓ કાયદાના ચંગુલથી છટકી જશે અને આ સ્ત્રી શરમની મારી કંઈ કહી શકશે જ નહિ. અને ખરેખર આવું જ થાય છે.

દિલ્હીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો ત્યારે 'ફાંસી, ફાંસી'ના પોકારો થયેલા. બળાત્કારીને આમ કરવું જોઈએ અને તેમ કરવું જોઈએ તેવા જાત-જાતના હાકોટા-પડકાર થઈને હવે શાંત થઇ ચૂક્યા છે. સજા તો દૂરની વાત છે, મોટાભાગના બળાત્કારના કિસ્સાઓમાં આરોપી પર આરોપનામું ઘડતા-ઘડાતાં જ લાંબો સમય નીકળી જાય છે. મોટાભાગના બળાત્કારના ક્રિમીનલ કેસમાં આરોપીને ગુનેગાર જ ઠરાવી શકાતો નથી અથવા તો આમ કરવામાં વર્ષોના વર્ષો વીતી જાય છે. બળાત્કારનું રીપોર્ટીંગ કરવું અને તે અંગેના ફોરેન્સિક પુરાવા ભેગા કરવાની પ્રક્રિયા બળાત્કારનો ભોગ બનનાર માટે ત્રાસદાયક હોય છે. આપણે ત્યાંની એક વિકૃતિ એ છે કે માન-પ્રતિષ્ઠા, લાજ-શરમ વગેરેને જનનેન્દ્રિય સાથે જોડવામાં આવે છે. કોઈના માન-અપમાન જનનેન્દ્રીયમાં નથી હોતા પણ જે તે વ્યક્તિના વ્યક્તિત્વ અને રોજબરોજ જીવતા અસ્તિત્વમાં હોય છે. બળાત્કાર એટલે 'લાજ લૂંટવી' કે 'ઈજ્જત લૂંટના' નહિ પણ સ્ત્રી પર કરવામાં આવેલી વિકૃત શારીરિક અને માનસિક હિંસા. લાજ-ઈજ્જત વગેરેને બળાત્કાર જેવા હિંસક અપરાધથી અલગ કરવાનો સમય આવી ગયો છે.
An example of blatantly misogynist advertisement. Courtesy: http://www.flickr.com/photos/adrants/2764770517/
બીજી વાત, મોટાભાગના બળાત્કાર આ દેશમાં પૂરા કપડાં પહેરેલી સ્ત્રીઓ પર થયા છે. કોઈ મીની-સ્કર્ટ કે સ્પેઘેટી પહેરીને ફરતી સ્ત્રીઓ પર નહિ. એટલે સ્ત્રીએ પહેરેલા કપડાં અને બળાત્કારને સીધો સંબંધ બાંધી શકાતો નથી. જેને જે પહેરવા હોય તે કપડાં પહેરે તેના લીધે કોઈને કોઈના પર હિંસક હુમલો કરવાનું સર્ટીફીકેટ મળી જતું નથી. આ દેશના પુરુષોએ આગળ આવીને કહેવું જોઈએ કે અમે જંગલી જનાવરો નથી કે નબળો શિકાર જોઇને તેની પર તૂટી પડીએ, થોડું ખુલ્લું શરીર જોઇને તેની પર તૂટી પડીએ. અમે નારીભક્ષી રાક્ષસો નથી કે કોઈને એકલા-અટૂલા જોઇને કે રાત્રિ સમયે જોઇને કોઈ પિશાચી રીતે તેનું મારણ કરીએ. આ બળાત્કાર વિશેની આખી ચર્ચાને પુરુષકેન્દ્રી બનાવવાની જરૂર છે, તેવું પુરુષોએ જ કહેવું જોઈએ. પુરુષોની માનસિકતા વિષે ચર્ચા થવી જોઈએ. એ જમાનો ગયો કે જ્યારે ઘરમાં માત્ર દીકરીને જ સંસ્કારી વર્તન કરતા શીખવાડતા હતા. દીકરીઓએ જે શીખવા જેવું છે તે શીખી લીધું છે, હવે દીકરાઓને સ્ત્રીઓને માન આપવાના સંસ્કાર બહુ સચોટ રીતે આપવાનો સમય આવ્યો છે.

હવે તો મર્દાનગીની વ્યાખ્યા બદલાવી જોઈએ. મર્દાનગી સ્ત્રી-દેહનો ઉપભોગ કરવામાં કે તે વિષે મજાક કર્યા કરવામાં નથી. સાચી મર્દાનગી સૌને સાથે સારી રીતે વર્તવામાં, સ્ત્રી-બાળક-વૃદ્ધોની સંભાળ લેવામાં અને તેમને - તેમની પસંદગીઓને માન આપવામાં છે. જે બીજાની પસંદગીને (સેક્સની બાબત સહીત) માન આપે તે જ સાચો પુરુષ કહેવાય. આવી સંવેદના વગરની મર્દાનગી એ વિકૃતિ છે. મર્દાનગીની વિભાવાનાનું કોઈ સ્થાયી રૂપ નથી, તે સમય સાથે બદલાતી વાત છે. ઐતિહાસિક રીતે મર્દાનગી વિશેના વલણો બદલાયા છે અને બદલાતા રહેશે. આધુનિક સમયની પુરુષો પાસેથી તેમની સામાજિક ભૂમિકાની માંગ હવે અલગ છે. લગભગ સો વર્ષ પહેલા સ્ત્રીઓને મતદાનનો અધિકાર મળેલો, રૂઢીવાદીઓએ વિરોધ કરેલો. હવે સમયમાં સ્ત્રીઓ પગભર અને આર્થીક રીતે સ્વતંત્ર થઇ છે, તેને કેટલાક રૂઢીવાદીઓ હજી પચાવી શકતા નથી.  હવે જ સાચો સમય છે કે તેમને જાતિ કે લિંગને આધારિત હિંસા સામે સુરક્ષા આપવાની લાંબી લડતના મંડાણ થવા જોઈએ અને એ સુરક્ષા આખરે તેમને મળવી જ જોઈએ.

(નોંધ: જે લોકો હજી સુધી સેક્સ, જેન્ડર, સેક્સ્યુઅલ ઓરીએન્ટેશન વગેરે જેવા બેઝીક કોન્સેપ્ટ વિષે બહુ ન જાણતા હોય તેમના માટે આ સાડા ત્રણ મિનીટનો વિડીયો અચૂક જોવા જેવો છે.)